Ad Code

Ticker

6/recent/ticker-posts

ઠંડી એક મહેબૂબા



અત્યારની ઠંડી વિશે કહું તો એ મને એક મહેબૂબા જેવી લાગે છે. એક એવી મહેબૂબા જેને હું પણ 
ખૂબ ચાહું છું અને જે મને પણ ખૂબ ચાહે છે, પણ સાથે એય ખબર છે કે કોઈક ને કોઈક કારણોસર અમે ક્યારેય આજીવન સાથે રહી શકવાના નથી. એના કારણે મનમાં કાયમ એક વિખુટા પડી જવાની લાગણી અંકબંધ રહે છે. ખબર નહીં કંઈ મુલાકાત છેલ્લી સાબિત થાય અને એટલે જ દર મુલાકાતે મનમાં એક ડર રહ્યા કરે છે કે ક્યાંક જતાં જતાં એમ ન કહી જાય કે આ આપણી છેલ્લી મુલાકાત હતી. એવું જ કંઈક ઠંડીની બાબતમાં છે. ખબર નહીં કંઈ રાત છેલ્લી હોય. સવાર પડે ને એ ચાલી ગઈ હોય.

એના ગયા પછી તો રહી જાય છે તન અને મનને બાળી નાખતી કાળઝાળ ગરમી. એની હાજરીમાં જે તડકો ય મીઠો લાગતો એ પછી અંગાર બનીને દઝાડી મૂકે છે. પછી તો રાતોની ઊંઘે ઉડી જાય છે ને દિવસોનું સુકુનએ નથી રહેતું. એ હોય છે ત્યારે દિવસે તડકામાં અને રાતે રજાઈમાં એવી જ હૂંફ અનુભવાય છે જેવી મહેબૂબાની બાહોમાં અનુભવાય છે. એના ગયા પછી હું એને શોધતો રહું છું એસી પંખા અને કુલરોમાં પણ એ મળતી જ નથી. એણે કરેલા સિતમના મીઠા ઘા હું વેસલીનથી છુપાવતો રહું છું. પણ દર વર્ષની જેમ આ વર્ષેય એ મને મૂકીને ચાલી નીકળશે એ હિમાલયના પર્વતોમાં જ્યાંથી એ આવી છે. પણ જતાં જતાં આવતે વર્ષે ફરી મળવાનું વચન આપતી જશે. કારણકે એ ય મને એટલો જ પ્રેમ કરે છે જેટલો હું એને કરું છું. એટલે જ તો દર વર્ષે હું ગમે ત્યાં હોઉં તોય ગમે તેવો લાંબો સફર ખેડીનેય એ મને મળવા આવી પહોંચે છે. 

- મોહંમદ ટીનવાલા



Reactions

ટિપ્પણી પોસ્ટ કરો

1 ટિપ્પણીઓ