Charnobyl | A Must Watch Series Of 2019
કેટલીક ફિલ્મો અને હવે જમાનો વેબસિરીઝનો છે એટલે વેબસિરીઝ એવી હોય છે જે પૂરી થઈ ગયા પછી પણ તમારો પીછો છોડતી નથી. તમે દિવસો સુધી એના વિશે વિચાર્યા કરો અને તમને ગૂગલ પર એના વિશે વધુ માહિતી સર્ચ કરવા પર મજબૂર કરી દે. ચર્નોબિલ એમાંની જ એક સિરીઝ છે.
ચર્નોબિલ. જો આ નામ સાંભળતાની સાથે જ તમારા મનમાં રશિયામાં યુક્રેનના પ્રિપયાત ગામે ચર્નોબિલ ન્યુક્લિયર પાવર પ્લાન્ટમાં થયેલી દુર્ઘટના વિશે વિચાર આવતો હોય તો સારી વાત છે. તમે સમજી જશો કે સિરીઝ શેના પર આધારિત છે અને એમાં શું બતાવવામાં આવશે. પણ જો તમે જિંદગીમાં ક્યારેય ચર્નોબિલનું નામ સુદ્ધાં નહીં સાંભળ્યુ હોય તો પણ આ સિરીઝ એટલી સરસ બની છે કે જોતી વખતે તમને એ બાબત ક્યાંય નડતરરૂપ નહીં બને. ઈવન કે તમે સાયન્સ બૅકગ્રાઉન્ડમાંથી ન આવતા હોવ અને તમને ન્યુક્લિયર પાવર પ્લાન્ટ, યુરેનિયમ, રેડિયોએક્ટિવ વિકિરણો, રેડીયેશન, Roentgen (રોન્ટજેન), ડોસિમીટર અને ન્યુક્લિયર પાવર સાથે જોડાયેલી બીજી કેટલીય બાબતોમાં ટપ્પી ન પડતી હોય તો પણ સિરીઝમાં આ બધી જ બાબતો એટલી સરળ રીતે વણી લેવામાં આવી છે કે એ તમને શીરાની જેમ ગળે ઉતરી જાય. ઇન ફેક્ટ આખી સિરીઝમાં જેની માટે મનોમંથન ચાલ્યા કરે છે એવો ન્યુક્લિયર પાવર પ્લાન્ટનો કોર (Core) કઈ રીતે ફાટયો, જે શક્ય જ નથી. એવી તો કઈ વિપરીત પરિસ્થિતી ઊભી થઈ હશે જેના કારણે આ દુર્ઘટના ઘટી એનું પણ મસ્ત એક્સ્પ્લેનેશન છેલ્લા ભાગમાં છે.
“જૂથની કિંમત શું હોય છે? એ નહીં કે અસત્યને ભૂલથી સત્ય માની લઈએ છે. વધારે ખતરનાક હકીકત તો એ છે કે જ્યારે આપણે બહુ બધા અસત્યો સાંભળી લઈએ છે ત્યારે સત્યને પારખી જ નથી શકતા. પછી આપણે શું કરી શકીએ? સત્યની આશાને પણ ત્યજીને વાર્તાઓ સાંભળવાની. આ વાર્તાઓમાં હીરો કોણ છે એ મહત્વનુ નથી. આપણે બસ એટલું જ જાણવું છે કે દોષનો ટોપલો કોના માથે ઢોળવો.” સિરીઝની શરૂઆત આ ચોટદાર વાક્યોથી થાય છે. જેના દ્વારા ડાયરેક્ટર તમને કહેવા માંગે છે કે કેવી રીતે અમુક લોકોના સ્વાર્થ ખાતર આટલી મોટી દુર્ઘટના ઘટી અને પછી પોતાની ભૂલોને ઢાંકવા એક પછી એક જુઠાણાનો સિલસિલો શરૂ થાય છે. અને જે લોકો જૂથને પકડીને સત્ય સામે લાવવા માંગે છે એમને દાબી દેવાય છે.
સીરિઝ શરૂઆતની મિનિટોથી જ તમને જકડી લે છે. જે છેક સુધી તમારો પીછો નથી છોડતી. પૂરી થઈ ગયા પછી પણ એનાં વિચારો મનમાં ઘૂમરાયા કરે. સીરિઝ પત્યા પછી જ્યારે તમે પાણી પીવા ઊભા થાઓ છો ત્યારે ઘડીભર માટે વિચાર આવે કે આ પાણી શુદ્ધ તો છે ને ક્યાંક હું રેડિયોએક્ટિવ તત્વોવાળું દૂષિત પાણી તો નથી પી રહ્યો ને?
સિરીઝમાં વાર્તા જે વૈજ્ઞાનિકો પરિસ્થિતિનો તાગ મેળવવા ગયા હતા એમનાં પરસ્પેકટિવથી કહેવાય છે. એટલે જેવી એમની એન્ટ્રી થાય અને ખબર પડે છે કે આ કોઈ નાનીસુની નહીં પણ કેટલી મોટી દુર્ઘટના છે અને એનાં કેવાં પ્રત્યાઘાતો પડશે એવું માલુમ પડતાં એમની સાથે આપણું પણ ટેંશન બિલ્ડ થવાનું શરૂ થઈ જાય છે. દુર્ઘટના કેટલી ભયાનક હતી એનો અંદાજ તમને આ વાત પરથી આવી જશે કે હિરોશીમાં અને નાગાસાકી પર અણુબોંબ ફેંકાવાના કારણે જે રેડિયોએક્ટિવ તત્વો વાતાવરણમાં ભળી ગયા હતા એનાં કરતાં 400 ગણું પ્રમાણ ચર્નોબિલમાં હતું. પછી તો જ્યારે જ્યારે ન્યુક્લિયર પ્લાન્ટની નજીક રેડિયેશનવાળા વિસ્તારમાં જવાની વાત આવે ત્યારે એમની સાથે સાથે આપણામાંથી ય ડરનું લખલખું પસાર થઈ જાય.
સિરીઝમાં એક મહત્વનું પાસું એનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક પણ છે. ધડાકા પછી કંટ્રોલ રૂમના વૈજ્ઞાનિકોમાં સોંપો પડી ગયો હોય કે પછી ખાલી થઈ ગયેલા નગરની એકલતા હોય. ઘાયલ લોકોને હોસ્પિટલ ખસેડાતા હોય કે રેડિયેશનવાળા વિસ્તારમાં જઈને એની અસરને નાબૂદ કરવાની હોય. દરેક વખતે બેકગ્રાઉન્ડ મ્યુઝીક તમને એ પરિસ્થિતિનો ખરો એહસાસ કરાવી દે. સિરીઝમાં તમને ડર, રોમાંચ, આશ્ચર્ય, આઘાત, તણાવ આ બધી જ લાગણીઓ અનુભવાતી રહે. એક સીનમાં જ્યારે પ્લાન્ટની અંદર અત્યંત રેડિયેશનવાળા દૂષિત પાણીમાં વર્કર્સને જવાનું થાય છે ત્યારે ડોસિમીટરના વધતાં જતાં અવાજની સાથે આપણા હૃદયના પણ ધબકારા વધી જાય છે.
ચર્નોબિલમાં એકઝેટલી શું થયેલું? કેવી રીતે થયેલું? એ અકસ્માત કેટલો ગંભીર હતો? એનાં કેવા પરિણામો ભોગવવા પડ્યા અને કેટલાં લોકોએ કેવાં કેવાં બલિદાનો આપ્યા? સત્તાધારીઓએ ઘટનાને દાબી દેવા કેવાં ગતકડા કર્યા? અને શું કામ કર્યા? આવા અનેક સવાલોના જવાબ આ સિરીઝમાં છે. જો તમે ઇન્ટરનેટ પર ફાલતુ કન્ટેન્ટ જોઈ જોઈને કંટાળી ગયા હોવ, અને કઈક નવું હચમચાવી દે વિચારતા કરી મૂકે એવું જોવાની ઈચ્છા હોય તો આ સીરિઝ કોઈ કાળે ચૂકવા જેવી નથી.
0 ટિપ્પણીઓ