આંખોમાં સપના લઈને જ્યારે કાર્તિક આર્યન મુંબઈ આવ્યો ત્યારે પોતાના આઈડલ શાહરુખ ખાનના બાંદ્રા સ્થિત મન્નત બંગલોની મુલાકાતે ગયો હતો. એ પણ એ જ ભીડનો હિસ્સો હતો જે શાહરુખની એક ઝલક જોવા માટે પડાપડી કરી રહી હતી. પછી દરવાજા ખૂલ્યા અને શાહરુખ ખાન પોતાની ગાડીમાં પ્રશંસકો સામે હાથ હલાવતો બહાર નીકળ્યો. ત્યારે એક ક્ષણ માટે શાહરુખની આંખો કાર્તિકને મળી. એ ક્ષણ કાર્તિક માટે એક નિર્ણાયક ક્ષણ હતી. એક છોકરો જે ગ્વાલિયરની ગલીઓ છોડીને ગ્લેમરની ગલીઓમાં ઘુમવા આવ્યો હતો એ પોતાના હિરોને મળ્યો. એક બહારનો વ્યક્તિ જે પછી બોલિવૂડનો બાદશાહ બન્યો. પોતાના સપનાને પૂરા કરવાની આગ કાર્તિકમાં પ્રજ્વલિત થઈ ચુકી હતી.
અપમાનજનક ઓડિશનોની લાંબી શૃંખલા પછી 2011માં પ્યાર કા પંચનામાં આવી. ચાર વર્ષના લાંબા કંટાળાજનક અંતરાલ બાદ 2015 માં પ્યાર કા પંચનામાં 2 આવી. તેમ છતાં ઈન્ડસ્ટ્રીમાં કાર્તિકની કોઈ પેહચાન નહોતી. ગયા વર્ષે સોનું કે ટીટૂ કી સ્વીટી અને આ વર્ષે લુકા છૂપી એ સાબિત કર્યું કે કાર્તિક કોઈ અકસ્માત નહોતો. એક બેશરમ હીરો જે કરોડોની કમાણી કરાવી આપતો હતો. ટોપના ફિલ્મમેકર્સ જેવા કે ઇમ્તિયાજ અલી અને કરણ જોહરે કાર્તિક પર બાજી લગાવી. જિંદગીએ એક સુંદર વળાંક લીધો હતો. કાર્તિક આર્યન એક દુર્લભ વ્યક્તિ છે જેણે ભેદભાવથી ઉપર ઊઠીને પોતાની સફળતાની કેડી કંડારી છે.
એક આઉટસાઇડર તરીકે તમને ખબર જ નથી હોતી કે કયા રસ્તે જવું અને કોને મળવું. પોતાના પર પોતાની કળા પર સખત મેહનત કરીને એક સારી તકની રાહ જોવાની હોય છે. હું ગ્વાલિયર જેવા નાનકડા ગામથી આવું છું. મારા માટે મારા સપનાને માતા-પિતા સમક્ષ રજૂ કરવું પણ એક અઘરું કામ હતું. બૉલીવુડ બીજા ગ્રહ જેવુ લાગતું હતું. એમણે મને ભણતર છોડીને મુંબઈ જવાની ચોખ્ખી ના પાડી દીધી હતી. તેથી મેં નવી મૂંબઈમાં ડી.વાય.પાટિલ કોલેજ જોઇન કરી, જેથી હું મૂંબઈમાં ઓડિશન આપી શકું. ફેસબુક પરથી ઓડિશનો વિશે માહિતી મેળવતો અને દર બીજા દિવસે લોકલ ટ્રેનમાં બેલાપુરથી અંધેરી જતો. સ્ટેશન પરના બાથરૂમમાં કપડાં બદલી લેતો. આવું બે ત્રણ વર્ષ ચાલ્યું. હું અંધારામાં તીર ચલાવી રહ્યો હતો.
કલાકો સુધી ઓડિશનની લાંબી લાઈનોમાં ઊભા રહ્યા પછી જ્યારે બધાની વચ્ચે એવું કહેવામાં આવતું કે “જાઓ, તમે આ રોલ માટે ફિટ નથી.” ત્યારે અપમાનજનક લાગતું. તમારો આત્મ-વિશ્વાસ તૂટી જતો હોય છે. એક જાણીતા કાસ્ટિંગ ડિરેક્ટરે મને અવગણીને એવું કહેલું કે “તારું કઈ નહીં થાય. તને તો જાહેરાતો કે સિરિયલોમાં પણ કામ નહીં મળે. તું તારો સમય બરબાદ કરી રહ્યો છે. તું જિંદગીભર આમ જ સંઘર્ષ કરતો રહીશ.” પછી જ્યારે એણે મારી ફિલ્મો જોઈ ત્યારે મારી પાસે આવીને માફી માંગતા કહ્યું “મારા આખા કરિયરમાં મને કોઈએ ખોટો સાબિત કર્યો હોય તો એ તું છે.”
હું આત્મશ્રદ્ધાના બળે જ ટકી શક્યો. જ્યારે મુંબઈ આવ્યો હતો ત્યારે કશું જ નહોતું. ત્રણ ફિલ્મો મેં મારા દમ પર જ કરી હતી. કોઈ પણ જાતના કનેક્શન વગર ઈન્ડસ્ટ્રીમાં હું મારૂ સ્થાન જમાવી રહ્યો હતો એ જ એક મોટી ઉપલબ્ધિ હતી. પણ દુ:ખ એ વાતનું હતું કે ત્રણ ત્રણ ફિલ્મો કર્યા પછી પણ ફિલ્મમેકર્સ મને મળવા નહોતા માંગતા. પ્યાર કા પંચનામાં 2 (જે સુપરહિટ ગયેલી) પછી પણ મેં ઓપન ઓડિશન ચાલુ રાખ્યા. ત્યાં ઓડિશન આપવા આવતા નવા લોકો મારી સાથે ફોટાઓ પડાવતા અને હું એ જ ઓડિશનોમાં રિજેક્ટ થતો.
જ્યારે હું એટલો બધો ફેમસ નહોતો થયો ત્યારે એક સેકન્ડ હેન્ડ કાર ખરીદેલી. જેમાં ડ્રાઇવરની બાજુની સીટ પાસેનો દરવાજો નહોતો ખૂલતો. છાપરું પણ તૂટેલું હતું. વરસાદનું પાણી અંદર આવી જતું. ઈવેન્ટ કે પાર્ટીઓમાં જવાનું થાય ત્યારે હું કાર થોડી દૂર પાર્ક કરતો જેથી બીજા લોકોને ખબર ન પડે. ઘણીવાર ગાડીમાં પેટ્રોલ પૂરું થઈ જતું ત્યારે રિક્ષામાં પણ જવું પડતું. ત્રણ-ચાર ફિલ્મો કર્યા પછી પણ લોકો મને ઓળખતા નહોતા. પણ હું નિરાશ ના થયો. ઊલટાનું હું વધારે કામ કરવા પ્રેરાતો.
પ્યાર કા પંચનામાં ના ઓડિશન વિશે મને ફેસબુક પરથી જ માહિતી મળી હતી. તે વખતે મારી પાસે એટલા રૂપિયા પણ નહોતા કે પોર્ટફોલિયો બનાવી શકું. એટ્લે મેં મારા કોલેજના આલ્બમમાંથી મારા ફોટા ક્રોપ કરીને એમને મોકલ્યા. એમણે મને ઓડિશન માટે બોલાવ્યો. આખરે છ મહિના પછી પ્યાર કા પંચનામાં મળી. ફિલ્મમાંનો મારો મોનોલોગ વાઇરલ થઈ ગયો. બધાના ફોનમાં એ જ જોવા મળતો. ચારે બાજુ છવાઈ ગયો ફેસબુક પર પણ. કેટલી રમૂજની વાત છે કે જે પ્લેટફોર્મ એ મને પ્યાર કા પંચનામાં અપાવી એણે જ મને ખ્યાતિ પણ આપી. લોકો મને “મોનોલોગ વાળો છોકરો” એમ કહીને સંબોધવા લાગ્યા. ફિલ્મ હિટ સાબિત થઈ.
સોનું કે ટીટૂ કી સ્વીટી પછી પરિસ્થિતી બદલાવા લાગી. એ શુક્રવાર જાદુઇ હતો. એ રાત સાત વર્ષના સંઘર્ષનું પરિણામ હતી. એ મારી જિંદગીનો ટર્નિંગ પોઈન્ટ હતો. અચાનક બધાનું ધ્યાન મારા પર આવી ગયું. લોકો કહેવા લાગ્યા કે અમને ખબર હતી કે એક દિવસ તું જરૂર કરી બતાવીશ. એના પછી લુકા છૂપી આવી એ મારા માટે લિટમસ ટેસ્ટ જેવી હતી. બધાની નજરો લુકા છૂપી પર હતી. લુકા છૂપીની સફળતા પછી ફિલ્મમેકર્સ મારામાં વિશ્વાસ કરવા લાગ્યા. પણ હું ક્યારેય મારા સંઘર્ષના દિવસો નહીં ભૂલું. હું આજે પણ મારા કોલેજના મિત્રો અને એ બાર જણાના સંપર્કમાં છું જેમની સાથે હું એપાર્ટમેન્ટમાં રહેતો હતો. મેં એ એપાર્ટમેંટ ખરીદી લીધો છે. હું એ યાદોને સંઘરી રાખવા માંગુ છું. છેલ્લે તો ફિલ્મમેકિંગ પણ એક બિઝનેસ છે, જ્યાં કશું જ વ્યક્તિગત નથી.
સફળતા કે નિષ્ફળતા મને બદલી શકતી નથી. મને હંમેશા નમ્ર રહેવા અને બીજાનો આદર કરતાં શીખવવામાં આવ્યું છે. સફળ એક્ટર કે સ્ટાર હોવું એ તો ગૌણ બાબત છે. મારૂ ફોકસ હંમેશા મારા કામ પર જ હોય છે. હું એની કદર કરું છું. મેં મારી આસપાસ ખુશામતખોરોને રહેવા જ નથી દીધા. જેના કારણે હું વાસ્તવિક્તા સાથે જોડાયેલો રહું છું. જો કઈક બદલાયું હોય તો હવે હું મારા મિત્રો ને પરિવારને પૂરતો સમય ફાળવી શકતો નથી. લોકોને મારૂ કામ ગમે છે. મને એ જોઈને ખુશી થાય છે કે બ્રાન્ડ્સ અને ફિલ્મમેકર્સ મારામાં ઇન્વેસ્ટ કરી રહ્યા છે. હું સારું કામ કરતો રહેવા માંગુ છું.
0 ટિપ્પણીઓ