તમારી સાથે ઘણીવાર એવું બનતું હશે કે તમે કોઈ સામાજિક મેળાવડામાં જાઓ અને ત્યાં તમને સાવ ઔપચારિક સવાલો ભટકાય. જેમકે “તમે શું કરો છો?” “તમે ક્યાથી આવો છો?”
આવા પ્રિડિકટેબલ અને કંટાળાજનક સવાલો પૂછવાવાળાને જોઈને થાય કે “શું મારે આની જોડે વાત કરવી જોઈએ?” પ્રોબ્લેમ એ છે કે આપણામાંના મોટા ભાગના લોકો કાયમ આવા ફાલતુ સવાલો જ પૂછતાં હોય છે જેના કારણે વાતચીત આગળ વધી શકતી નથી.
સત્ય એ છે કે જ્યારે આપણે સામેવાળાને કંટાળો આવે એવી વાતો કરતાં હોઈએ છે ત્યારે આપણે ખબર જ નથી હોતી કે આપણે એવું કરી રહ્યા છીએ. ઊલટાનું આપણે એવું લાગે છે કે સામેવાળા આપણી વાતોથી મોહિત થઈને હા માં હા મિલાવે છે. પાંચ સવાલો પર જતાં પહેલા કેટલીક ધ્યાનમાં રાખવા જેવી બાબતો જોઈ લઈએ જેથી તમારી વાતચીત વધારે અસરકારક નીવડે.
- બહુ લાંબુ ન ખેંચો. ટૂંકમાં પતાવો અને સીધા પોઈન્ટ ઉપર આવો.
- થોડીક સ્પીડ રાખો જો તમે બહુ જ ધીમે બોલતા હોવ અને તમને વારે ઘડીએ રોકાવું પડતું હોય વિચારવા તેમજ શબ્દો ગોઠવવા.
- જો તમને એક સારી છાપ પાડવી હોય અને લોકોને તમારી તરફ આકર્ષવા હોય તો નાત-જાત, ધર્મ અને રાજકારણ વિશે બોલવાનું ટાળો.
- સાવ ગંભીર બનીને કે એકધારી રીતે બોલવા કરતાં તમારી વાતોમાં લાગણીઓ પણ ઉમેરો. બીજા લોકોના જોક્સ પર હસો (જો હસવા લાયક હોય તો) અને તમારી વાત ઉત્સાહપૂર્વક કહો.
- તમારી બોડી લેન્ગ્વેજ પર પણ ધ્યાન આપો. લોકો સામે સ્મિત લહેરાવો, ખુલ્લી અને સ્વાગતની મુદ્રા રાખો, સામેવાળાની આંખોમાં જુઓ, વાત સમજાય તો હકારમાં માથું હલાવો અને રસ દાખવવા એમની તરફ ઝૂકો. (જો બેઠા હોય તો)
- કઈક આપવાની ઈચ્છા રાખો મેળવવાની નહીં. ઘણા લોકોને એવી આદત હોય છે કે વાતચીત દરમ્યાન સામેવાળા પાસેથી બધુ જ કઢાવી લેવું અને પોતે કઈ જ ન કહેવું. તેના કરતાં વાતચીત દરમ્યાન સામેવાળાને એક કિમતી અનુભવ કરાવો.
- દરેક વાતચીત કઈક શીખવાની માનસિકતા સાથે શરૂ કરો. કોઇની ઉપર પોતાનું ડહાપણ લાદવા કરતાં એની પાસેથી કઈક શીખો. ખુલ્લા દિલે વાતો કરો અને એક વ્યક્તિ તરીકે વિકસિત થાઓ એવું વલણ રાખો.
એક રસપ્રદ વાર્તાલાપ માટે સૌથી પહેલા તમારું ધ્યાન તમારી જાત પરથી હટાવીને બીજા પર આપો. કારણકે સામાન્ય રીતે લોકોને કોઈ ધ્યાનથી સાંભળે કે જુએ એ વધારે પસંદ પડે છે. એટ્લે સાવ ફાલતુ અને કંટાળાજનક સવાલો પૂછવાને બદલે તમારી વાતચીત શરૂ કરો આ પાંચ રસપ્રદ સવાલો પૂછીને.
- તમારી કહાની શું છે?
પોતાની દાસ્તાન સંભળાવવી કોને ન ગમે? તમારા આવા સવાલને કારણે શરૂઆતમાં સામેવાળાને આંચકો લાગી શકે છે પણ પછી વાતચીત ખૂબ જ રસપ્રદ બની શકે છે. આવો સવાલ પૂછીને તમે સામેવાળાને ખુલ્લા દિલે પોતાની જિંદગી, સપનાઓ અને ધ્યેય વિશે વાત કરવાનો રસ્તો ખુલ્લો કરી આપો છો.
- સવારે ઉઠતાની સાથે કઈ વાત તમને ખુશ કરી દે છે?
આવો સવાલ તમારી વાતચીતને એક હકારાત્મક દિશામાં લઈ જાય છે. સામેવાળાનો પણ ઉત્સાહ વધી જાય છે કારણકે આ એક એવો ટોપીક છે જેની માટે એ પોતે પણ ઉત્સાહી અને રૂચિકર છે.
- એવું કયું પુસ્તક છે જેણે તમને સૌથી વધુ પ્રભાવિત કર્યા હોય?
આ સવાલને કારણે જો કોઈ એવું પુસ્તક હશે જેણે એમને પ્રભાવિત કર્યા હશે તો તમને એમની જિંદગીના બીજા પાસાઓ વિશે પણ જાણવાનો મોકો મળશે. જો તેઓ સારા વાચક ન હોય તો તમે ફિલ્મ કે કોઈ ફેમસ પર્સનાલિટી વિશે વાત કરી શકો છો.
- એવું શું છે જે અત્યારે તમને સૌથી વધારે ઉત્તેજિત કરે છે?
આ સવાલ પેશનને લગતો છે. પોતાના પેશન વિશે બોલવું કોને ન ગમે? પેશન ગમે તે હોય શકે છે. એક સમૃદ્ધ કારકિર્દી, નવી નોકરી અથવા ધંધાનો મહત્વનો તબક્કો. એ વ્યક્તિગત પણ હોય શકે છે. નવાં બાળકનો જન્મ, કેન્સર જેવી ગંભીર બીમારીને હરાવી હોય કે કોઈ પ્રેમાળું જીવનસાથી જડયો હોય. ગમે તે હોય પણ આ રીતે તમે પણ બીજા સાથે જોડાઈ શકો છો જ્યારે કોઈ એક બાબતે તમારા બંને વચ્ચે સામ્ય હોય.
- તમારા વિશે એવી કઈ મહત્વની બાબત છે જે મારે જાણવી જોઈએ?
બીજા બધા જ સવાલ કરતાં આ સવાલ લાગણીઓને વધારે ઉત્તેજિત કરશે અને વાતચીતને વધારે રસપ્રદ બનાવવાની સાથે તમે એકબીજા સાથે કનેક્ટ પણ કરી શકશો. આ સવાલ દ્વારા તમે જાણી શકશો કે સામેની વ્યક્તિ કઈ બાબતે ઉત્સાહી છે, એનામાં શું નવીનતા છે કે કઈ બાબતે એ હતાશ છે? જેથી તમે એને પ્રોત્સાહિત કરી શકો કે એના જીવનમાં કઈક હકારાત્મક બદલાવ લાવી શકો.
ઉપરના પાંચ સવાલોમાં તમે કઈ નોંધ્યું? તમારે વાતની શરૂઆત સામેવાળી વ્યક્તિથી કરવાની છે. કારણકે પોતાના વિશે બોલવું બધાને ગમે છે. આવી રીતે સામેવાળી વ્યક્તિ વિશે વાત શરૂ કરીને એને આકર્ષણનું કેન્દ્ર બનાવીને તમે તમારું વર્ચસ્વ ઊભું કરી શકો છો.
લાઈક કરો અમારા ફેસબુક પેજને આવી જ માહિતી વાંચતાં રહેવા માટે
0 ટિપ્પણીઓ