આમ તો શિયાળાના બર્ફીલા હવામાનનું હંમેશા સ્વાગત કરવામાં નથી આવતું, પરંતુ ઘટતા તાપમાનની તમારા સ્વાસ્થ્ય પર ખૂબ જ હકારાત્મક અસર પડે છે. રાતો લંબાઈ રહી છે, તાપમાન ઘટી રહ્યું છે અને કડકડતી ઠંડી સામે લડાઈ ચાલુ થઈ ચૂકી છે. ઠંડા વાતાવરણમાં વાઇરસ વધુ સારી રીતે ટકી શકતા હોવાને કારણે શરદી અને ફ્લૂ થવાની પણ શક્યતા રહેલી છે. તેમ છતાં સ્વાસ્થ્યની વાત આવે ત્યારે શિયાળો સાવ ખરાબ પુરવાર થતો નથી. રિસર્ચને આધારે એવું માલૂમ પડ્યું છે કે થરમોમીટરનો ગગડતો પારો આપણાં શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. જે આપણને સ્થૂળતા સામે લડવા, વધારે સારી રીતે આરામ કરવામાં અને વધુ સ્પષ્ટ રીતે વિચારવામાં મદદરૂપ થાય છે. તો મેડિકલી શિયાળાના શું ફાયદા છે અને કેવી રીતે તે આપણાં સ્વાસ્થ્યમાં સુધારો કરે છે? આવો જાણીએ.
વધારે કેલરી બાળો
એક સંશોધન અનુસાર શિયાળામાં વજન ઘટાડવું હોય તો ચાલવા જવું. કારણકે જ્યારે તાપમાન નીચું જાય છે ત્યારે આપણું શરીર પોતાનું મૂળ તાપમાન (કે જે 37° સેલ્સિયસ છે) જાળવવા માટે વધારે મેહનત કરે છે. જેના લીધે વધારે બળતી કેલરી વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે. જે સામાન્ય રીતે ગરમીના દિવસોમાં નથી થતું. 2017માં થયેલા એક અભ્યાસ અનુસાર હાઈકર્સ જ્યારે 10° સેલ્સિયસ તાપમાનમાં હાઈકિંગ પર નીકળ્યા ત્યારે જે કેલરી બળી હતી એના પ્રમાણમાં એમની 34% ટકા કેલરી વધારે બળી જ્યારે તેઓ -5° સેલ્સિયસ તાપમાનમાં હાઈકિંગ કરવા નીકળ્યા.
માણો વધારે સારી ઊંઘ
દિવસ દરમ્યાન આપણાં શરીરનું તાપમાન ઉપર નીચે થયા કરે છે પણ જેવી આપણે ઊંઘવાની તૈયારી કરીએ એટ્લે આપણાં શરીરનું તાપમાન ઓછું થવા માંડે. નિષ્ણાતોના મતે ઊંઘવા માટેનું આદર્શ તાપમાન 18° સેલ્સિયસ છે, મતલબ કે ઉનાળા કરતાં શિયાળામાં ઊંઘવું વધારે આસાન છે. એ જ પ્રમાણે મોડી રાતે જમવાથી શરીરના તાપમાનમાં જે વધારો થાય છે એ પણ શિયાળાની ઠંડી રાતોમાં કાબુમાં આવી જાય છે. જેના કારણે ઊંઘ સારી આવે છે. બ્રિટિશ સ્લીપ સોસાયટીના મેમ્બર અને સ્લીપ એક્સપર્ટ ડો. નીલ સ્ટેન્લી કહે છે કે “શિયાળામાં વધારે ઊંઘ આવવા પાછળ એક કારણ એ પણ છે કે શિયાળામાં રાત લાંબી હોવાથી અંધારું પણ જલ્દી થઈ જાય છે જે ઊંઘવા માટે એક સારો સંકેત છે.”
ઠંડીના કારણે તમે વધારે સારી રીતે વિચારી શકો છો
વર્જિનિયા યુનિવર્સિટીમાં એક અભ્યાસ હાથ ધરાયો હતો. જેમાં એક ગ્રૂપને ઠંડા અને બીજા ગ્રૂપને ગરમ વાતાવરણ વાળા રૂમમાં રાખવામા આવ્યા હતા. પછી એમની સામે ફોનની બે ઓફર મૂકવામાં આવી. જેમાં પહેલી જોતાંવેંત આકર્ષક લાગે એવી હતી પણ ઊંડા ઉતરતા ઓફર બોગસ છે એવું માલૂમ પડતું હતું. જે લોકોને ઠંડા રૂમમાં રાખવામાં આવ્યા હતા એમાંથી 50 ટકાથી પણ વધારે લોકોએ બંને ઓફરો ચકાસીને જે સારી હતી એ પસંદ કરી. જ્યારે ગરમ રૂમમાંથી ફક્ત 25 ટકા લોકોએ જ આવું કર્યું. વૈજ્ઞાનિકોના મતે આપણું મગજ ઠંડા વાતાવરણમાં વધારે સારી રીતે કામ કરે છે કારણકે ગરમીમાં શરીરના તાપમાનને ઠંડુ રાખવામાં જ મોટા ભાગનું ગ્લુકોઝ (ઉર્જાનો મોટો સ્ત્રોત) વપરાઇ જાય છે જેના લીધે તર્ક અને વિચારવા જેવા કામો માટે પૂરતી ઉર્જા મળતી નથી. શિયાળામાં મગજ પાસે પૂરતો ગ્લુકોઝ હોવાથી એ વધારે જટિલ અને જ્ઞાનવર્ધક કામો કરી શકે છે.
આનંદિત રહો
એક સર્વે અનુસાર લોકો બીજા મહિનાની સરખામણીએ ડિસેમ્બરમાં વધુ સેક્સ માણે છે. પુરુષો શિયાળામાં વધુ રમતિયાળ બને છે. એક અભ્યાસમાં પુરૂષોને સ્ત્રીઓના ચેહરાના અને બિકિની પહેરેલા ફોટાઓ બતાવીને સ્ત્રીઓ વર્ષના કયા મહિનામાં વધારે આકર્ષક લાગે છે એ બાબતે પૂછવામાં આવ્યું. ત્યારે ચેહરાની આકર્ષકતા બાબતે આખા વર્ષ દરમ્યાન કોઈ ફરક જણાયો નહોતો પરંતુ શારીરક આકર્ષણ જૂન, જુલાઈ અને ઓગસ્ટ કરતાં શિયાળાના ઠંડા મહિના જેવા કે ડિસેમ્બર,જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં વધારે જોવા મળ્યું હતું.
ખુશ રહો
સાઉથ કોરિયાના રિસર્ચ પ્રમાણે બરફ પર સ્કી (Ski) કરવાથી તમારા માનસિક સ્વાસ્થ્યમાં ખૂબ જ ફાયદો થાય છે. વૈજ્ઞાનિકોએ એક સ્કી રિસોર્ટ પર 280 મુલાકાતીઓને ખુશી અને સંતોષ બાબતે કેટલાક સવાલો પૂછ્યા હતા. જેમાં એવું બહાર આવ્યું કે જે લોકો સૌથી વધુ આ પ્રવૃતિમાં સામેલ હતા તેઓ બાહ્ય ચિંતાઓ અને મુશ્કેલીઓથી તણાવમુક્ત રહ્યા. જે બાળકો સ્કી (Ski) કરે છે એ સ્કૂલમાં પણ વધારે સારી કામગીરી કરે છે. સ્કી (Ski) કરવાથી એમના શારીરક અને માનસિક વિકાસમાં ખૂબ જ ફાયદો થાય છે.
પિંપલને કહો બાય બાય
પિંપલથી કંટાળેલા લોકો અવારનવાર એવું કહેતા હોય છે કે ઉનાળાના તડકામાં એમનું મોઢું સાફ થઈ જાય છે પણ શિયાળામાં હાલત ખરાબ થઈ જાય છે પરંતુ કેટલાક સંશોધન આની સામે સવાલ ઉઠાવે છે. 2002માં ડરમેટોલોજીની જર્નલમાં આવેલા એક અભ્યાસ મુજબ જ્યારે 452 પિંપલ પીડિત લોકોને આ બાબતે પૂછવામાં આવ્યું ત્યારે 56% લોકોએ એવું કહ્યું કે ઉનાળાની ગરમી અને પરસેવામાં પિંપલ વધારે થાય છે જ્યારે 11% લોકોએ કહ્યું કે શિયાળામાં અમારી ચામડીની હાલત વધારે ખરાબ થાય છે. રિસર્ચર્સના મતે શિયાળો ખીલની તીવ્રતાને એટલી બધી અસર નથી કરતો જેટલી ઉનાળાની ગરમી અને પરસેવો કરે છે. પરંતુ ઠંડીમાં તમારી ત્વચા ઓઇલી હશે તો જ ફાયદો થશે નહિતર હાલત વધારે ખરાબ થઈ જશે.
દુખાવામાં રાહત
આપણામાંના મોટાભાગના લોકોને એવું લાગે છે કે સાંધાના અને સ્નાયુના દુખાવામાં ગરમ શેક કારગત નીવડે છે પરંતુ એ જ આરામ ઠંડી હવાની લહેરખી પણ આપી શકે છે. હકીકતમાં, કહેવાતી "કોલ્ડ એર એનેસ્થેસિયા" પહેલાથી જ કેટલીક ત્વચાની સારવારમાં ઉપયોગમાં લેવાય છે જ્યાં વધુ પડતા સૂર્યના સંપર્કને લીધે અકાળે વૃદ્ધ થઈ ગયેલી ત્વચાને નષ્ટ કરવા માટે લેઝરનો ઉપયોગ કરવામાં આવે છે. ઠંડીના અચાનક સંપર્કમાં આવવાથી નોરેડ્રેનાલિન નામના હોર્મોનમાં વધારો થવાનું માનવમાં આવે છે. જે શરીરમાં કુદરતી પેઇનકિલરનું કામ કરે છે.
0 ટિપ્પણીઓ