Ad Code

Ticker

    Loading......

દુનિયા કોરોના વાઇરસ પછી : યુવલ નોઆહ હરારી (ભાગ-1)



માનવજાત અત્યારે એક વૈશ્વિક સંકટનો સામનો કરી રહી છે. કદાચ આપણી પેઢીનું સૌથી મોટું સંકટ. આગામી થોડાક અઠવાડિયામાં સરકાર અને લોકો જે નિર્ણયો લેશે એ કદાચ આવનારા વર્ષોની દુનિયાને આકાર આપશે. એનાથી ફક્ત હેલ્થકેર સિસ્ટમ જ નહીં પરંતુ આપણું અર્થતંત્ર, રાજકારણ અને સંસ્કૃતિ પણ આકાર પામશે. આપણે ઝડપથી અને નિર્ણાયક રીતે કાર્ય કરવું જોઈએ. આપણે આપણી ક્રિયાઓની લાંબા ગાળાની અસરોને પણ ધ્યાનમાં રાખવી પડશે. વિકલ્પોની પસંદગી કરતી વખતે, તાત્કાલિક ભયમાંથી જ બહાર નથી આવવાનું, પરંતુ આપણે આપણી જાતને એ પણ પૂછવાનું છે કે જ્યારે આ વાવાઝોડું શમી જશે ત્યારે આપણે કેવી દુનિયામાં રહીશું. હા, આ વાવાઝોડું શમી જશે, માનવજાત બચી જશે, આપણાંમાંથી ઘણા બધા જીવતા હોઈશું – પણ એક અલગ દુનિયામાં.

ઘણા ટૂંકા ગાળાના કટોકટીનાં પગલાં આપણાં જીવનનો એક ભાગ બની જશે. કટોકટીનો આ જ સ્વભાવ છે. તે ઘણી ઐતિહાસિક ઘટનાઓને ઝડપી બનાવી દે છે. સામાન્ય સંજોગોમાં જે નિર્ણયો વર્ષોની વિચારણાઓ પછી લેવાતા હોય છે તે કલાકોમાં જ લેવાઈ જાય છે. અપરિપક્વ અને ખતરનાક ટેક્નોલૉજીને પણ કામે લગાડી દેવાય છે, કારણ કે કઈ ન કરવામાં જોખમ વધારે હોય છે. શું થશે જ્યારે બધા જ ઘરેથી કામ કરવા લાગશે અને એક અંતરેથી વાત કરશે? શું થશે જ્યારે બધી જ સ્કૂલો અને યુનિવર્સિટીઓ ઓનલાઈન જતી રહશે? સામાન્ય સંજોગોમાં સરકારો, વ્યવસાયિક અને શૈક્ષણિક સમિતિઓ ક્યારેય આવા પ્રયોગો કરવા સહમત થાય નહીં. પણ આ સામાન્ય સંજોગો નથી.

આ સંકટના સમયમાં, આપણે મહત્વના એવા બે વિકલ્પોનો સામનો કરી રહ્યા છીએ. એક તો સર્વગ્રાહી દેખરેખ અને નાગરિક સશક્તિકરણ. બીજું રાષ્ટ્રવાદી અલગતા અને વૈશ્વિક એકતા.

UNDER-THE-SKIN SURVEILLANCE



રોગચાળાને રોકવા, આખી વસ્તીને ચોક્કસ નિયમોનું પાલન કરવાનું છે. જેને પાર પાડવા માટે મુખ્ય બે રીતો છે. એક સરકાર લોકો પર નજર રાખે અને જે નિયમભંગ કરે એને સજા કરે. આજે, માનવ ઈતિહાસમાં પહેલીવાર, ટેક્નોલૉજી દ્વારા ચોવીસે કલાક લોકો પર નજર રાખવું શક્ય છે. પચાસ વર્ષ પહેલાં, KGB (KGB એ રશિયાની જાસૂસી સંસ્થા છે જેવી રીતે આપણે ત્યાં RAW છે એવી રીતે) ચોવીસે કલાક સોવિયેત નાગરિકો ઉપર નજર રાખી શકતી નહોતી. ન તો મળેલી બધી જ માહિતી પર અસરકારક રીતે પ્રક્રિયા કરી શકતી હતી. KGBએ માનવીય એજન્ટો અને વિશ્લેષકો પર જ આધાર રાખવો પડતો અને એ દરેક નાગરિકનુ ધ્યાન રાખવા એની પાછળ એજન્ટ મૂકી શકતી નહોતી. પણ હવે સરકારો સર્વવ્યાપક સેન્સર્સ અને પાવરફૂલ એલ્ગૉરિધમના સહારે આવું કરી શકે છે. ઘણી બધી સરકારોએ કોરોના વાઇરસ સામેની લડતમાં પહેલેથી જ આવા જાસૂસી સાધનો ઉપયોગમાં લઈ લીધા છે. સૌથી નોંધપાત્ર દાખલો ચાઈનાનો છે. નજીકથી લોકોના સ્માર્ટફોન્સ પર નજર રાખીને, હજારો ફેસ રેક્ગનાઇઝિંગ કેમેરાનો ઉપયોગ કરીને, અને લોકોને તેમનું શારીરિક તાપમાન અને મેડિકલ કન્ડિશન તપાસ કરાવીને જાણ કરવાની ફરજ પાડીને, ચાઇનીઝ અધિકારીઓએ ઝડપથી કોરોના વાઇરસના વાહકોને ઓળખી કાઢવાની સાથે સાથે એમની ગતિવિધિઓ અને એ લોકો કોના કોના સંપર્કમાં આવ્યા હતા તે પણ જાણી લીધું. ઢગલાબંધ મોબાઈલ એપ્સે નાગરિકોને ચેપગ્રસ્ત દર્દીઓની નજીક જતાં ચેતવ્યાં. આ પ્રકારની ટેક્નોલૉજી ફક્ત પૂર્વ એશિયા સુધી જ સીમિત નથી. હમણાં ઈઝરાયેલના પીએમ બેંજામિન નેતયાનહૂ એ ત્યાંની સિક્યોરિટી એજન્સીને જે સર્વેલન્સ ટેક્નોલૉજી લડાકુ આંતકવાદીઓ પર નજર રાખવા વપરાતી હતી તેને કોરોના વાઇરસના દર્દીઓને ટ્રેક કરવા માટે વાપરવાની પરવાનગી આપી.

તમે એવી દલીલ કરશો કે આમાં કઈ નવું નથી. તાજેતરનાં કેટલાક વર્ષોમાં સરકારો અને કોર્પોરેશનોએ લોકોને ટ્રેક કરવા, નજર રાખવા અને મેનીપ્યુલેટ કરવા એનાથી પણ વધારે સંસ્કારી ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો છે. તેમ છતાં જો આપણે સાવચેતી ન રાખીએ, તો રોગચાળો સર્વેલન્સના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ બદલાવ કરી શકે છે. માત્ર એટ્લે નહીં કે એવા દેશો જે અત્યાર સુધી એને નકારી રહ્યા હતા ત્યાં જથ્થાબંધ સર્વેલન્સ ટૂલ્સ વાપરવું સામાન્ય થઈ જશે, પણ એના કરતાય વધારે, કારણ કે એ દર્શાવે છે કે સર્વેલન્સ નાટકીય રીતે “ચામડીની ઉપર” થી “ચામડીની અંદર” રૂપાંતર થશે.

અત્યાર સુધી, જ્યારે તમારી આંગળી સ્માર્ટફોનની સ્ક્રીનને ટચ કરીને કોઈ લિન્ક ઉપર ક્લિક કરતી હતી, ત્યારે સરકાર જાણવા માંગતી હતી કે તમારી આંગળી ખરેખર શેના પર ક્લિક કરી રહી છે. પણ કોરોના વાઇરસની સાથે, જિજ્ઞાસાનું કેન્દ્ર બદલાય છે. હવે સરકારને ચામડીની અંદર રહેલું તમારી આંગળીનું તાપમાન અને બ્લડ પ્રેશર પણ જાણવું છે.

THE EMERGENCY PUDDING



જે સમસ્યાઓના સમાધાન માટે આપણે સર્વેલન્સ હેઠળ ઉભા છે તે પૈકી એક સમસ્યા એ છે કે આપણાં માંથી કોઈને ખબર જ નથી કે આપણો સર્વે કેવી રીતે કરવામાં આવી રહ્યો છે અને આવનારા વર્ષો શું લઈને આવશે. સર્વેલન્સ ટેક્નોલૉજી ખતરનાક સ્પીડે આગળ વધી રહી છે, અને દસ વર્ષ પહેલાં જે સાયન્સ-ફીકશન જેવુ લાગતું હતું એ આજે જૂનું થઈ ગયું છે. પ્રયોગ ખાતર વિચારો, ધારો કે એક કાલ્પનિક સરકાર એવી આવે જે માંગણી કરે કે દરેક નાગરિકે ચોવીસે કલાક એક બાયોમેટ્રિક બ્રેસલેટ પહેરી રાખવું પડશે જે શરીરનું તાપમાન અને હૃદયના ધબકારા માપશે. પરિણામરૂપી ડેટા ભેગો કરીને સરકારી અલ્ગોરિધમ દ્વારા તપાસવામાં આવશે. તમને ખબર પડે એ પહેલાં અલ્ગોરિધમને ખબર પડી જશે કે તમે બીમાર છો, અને તેને એ પણ ખબર પડી જશે કે તમે ક્યાં ગયા હતા ને કોને મળ્યા હતા. સંક્રમણની શૃંખલાને ખૂબ જ ટૂંકાવી શકાય છે અને સંપૂર્ણપણે રોકી પણ શકાય છે. આવી સિસ્ટમ ચોક્કસપણે ટ્રેકિંગને આધારે રોગચાળાને દિવસોમાં જ રોકી શકે છે. સુંદર લાગે છે, નહીં?

અલબત્ત, તેની નુક્સાનકારક બાજુ એ છે કે તે એક ભયાનક સર્વેલન્સ સિસ્ટમને કાયદેસર માન્યતા આપશે. દાખલા તરીકે, જો તમે જાણી શકો કે, મેં CNN ને બદલે ફોક્સ ન્યૂઝની લિન્ક પર ક્લિક કર્યું છે, તો તમે મારા પોલિટિકલ વ્યુઝ કે કદાચ મારી પર્સનાલિટી વિશે જાણી શકો. પરંતુ જો તમે એ પણ જાણી શકો કે વિડીયોક્લિપ જોતી વખતે મારા શરીરના તાપમાન, બ્લડપ્રેશર અને હૃદયના ધબકારામાં શું ફેરફાર થયો, તો તમે એ પણ જાણી શકો છો કે હું શા કારણે હસું છુ, શા કારણે રડું છું અને શેના લીધે મને ખરેખર ગુસ્સો આવે છે.

એ યાદ રાખવું જરૂરી છે કે તાવ અને ઉધરસની માફક ક્રોધ, આનંદ, કંટાળો અને પ્રેમ પણ જૈવિક ઘટનાઓ જ છે. જે ટેક્નોલૉજી ઉધરસની પરખ કરી શકે છે એ હાસ્યની પણ પરખ કરી શકે છે. જો સરકારો અને કોર્પોરેશનો આપણાં બાયોમેટ્રિક ડેટાને સંઘરવાનું શરૂ કરી દે છે, તો એ લોકો આપણી જાતને આપણે ઓળખીએ છીએ એના કરતાં વધારે સારી રીતે ઓળખી શકશે, અને પછી એ લોકો ફક્ત આપણી લાગણી વિશે અનુમાન જ નહીં લગાવે પણ એની સાથે ચેડાં કરીને જે ચાહશે તે વેચી શકશે – જે કોઈ પ્રોડક્ટ અથવા રાજકારણી હોય શકે. બાયોમેટ્રિક નિરીક્ષણથી કેમ્બ્રિજ એનાલિટીકાની ડેટાની દાવપેચ પાષાણ યુગની ઘટના લાગશે. કલ્પના કરો કે, જ્યારે 2030માં ઉત્તર કોરિયામાં દરેક નાગરિકે ચોવીસ કલાક બાયોમેટ્રિક બ્રેસલેટ પહેરવું પડશે. જો તમને ત્યાંના મહાન નેતાનું ભાષણ સાંભળતી વખતે ગુસ્સો આવ્યો અને બ્રેસલેટમાં એ પકડાઈ ગયું તો તમારું આવી બન્યું સમજો. 

અલબત્ત, તમે એવી દલીલ કરી શકો છો કે બાયોમેટ્રિક સર્વેલન્સ કટોકટીની સ્થિતિ દરમિયાન કામચલાઉ ધોરણે ઉપયોગમાં લેવાઈ રહ્યું છે. એકવાર ઇમરજન્સી પતી ગયા પછી તે હટી જશે. પરંતુ કામચલાઉ ઉપાયોને કટોકટીમાંથી ઉગરી જવાની બૂરી આદત છે, ખાસ કરીને જ્યારે ક્ષિતિજે નવી કટોકટી છુપાયેલી હોય. જ્યારે કોરોના વાઇરસનો ચેપ ખતમ થઈ જશે, ત્યારે પણ અમુક ડેટા-ભૂખી સરકારો એવી દલીલ કરશે કે આપણે બાયોમેટ્રિક સર્વેલન્સ ચાલુ રહેવા દઈએ કારણ કે એમને ડર છે કે કોરોના વાઇરસ ફરીથી હુમલો કરશે, કારણ કે મધ્ય આફ્રિકામાં નવા ઇબોલાનો તણાવ વિકસિત થઈ રહ્યો છે, કારણ કે... તમે સમજી ગયા ને. તાજેતરનાં વર્ષોમાં આપણી પ્રાઈવસીને લઈને એક મોટી લડાઈ ચાલી રહી છે. કોરોના વાઇરસની આપત્તિ લડાઈનો ટીપિંગ પોઈન્ટ બની શકે છે. જ્યારે લોકોને પ્રાઈવસી અને સ્વાસ્થ્ય વચ્ચે પસંદગી કરવાની હોય છે, ત્યારે સામાન્ય રીતે લોકો સ્વાસ્થ્યની પસંદગી કરે છે. 

Reactions

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ