Ad Code

Ticker

6/recent/ticker-posts

દુનિયા કોરોના વાઇરસ પછી : યુવલ નોઆહ હરારી (ભાગ - 2)

THE SOAP POLICE




ખરેખર સમસ્યાનું મૂળ જ આ છે, લોકોને પ્રાઈવસી અને સ્વાસ્થ્ય બેમાંથી એકની પસંદગી કરવા કહેવું. કારણ કે આ ખોટી પસંદગી છે. આપણે સ્વાસ્થ્ય અને પ્રાઈવસી બંને મળવું જોઈએ. કોરોના વાઇરસના સંકટથી આપણે આપણી જાતને સર્વગ્રાહી સર્વેલન્સ સ્થાપીને નથી બચાવવાની બલ્કે નાગરિકોને સશક્ત કરીને બચાવવાની છે. તાજેતરના અઠવાડિયામાં કોરોના વાઇરસને રોકવા માટેના પ્રયાસોની સૌથી સફળ ગોઠવણ જો કોઈ દેશોએ કરી હોય તો એ છે દક્ષિણ કોરિયા, તાઇવાન અને સિંગાપોર. આ દેશોએ ટ્રેકિંગ એપ્લીકેશન્સનો થોડોક ઉપયોગ કરવાની સાથે, વ્યાપક પરીક્ષણ, પ્રમાણિક અહેવાલ અને સારી રીતે સહકાર આપવા તૈયાર કેળવાયેલી જનતા ઉપર વધારે આધાર રાખ્યો.

લોકો ફાયદાકારક ગાઈડલાઇન્સનું પાલન કરે તે માટે સેન્ટ્રલાઈઝડ મોનિટરિંગ અને કઠોર સજા જ એકમાત્ર રસ્તો નથી. જ્યારે લોકોને વૈજ્ઞાનિક તથ્યો જણાવવામાં આવે છે, અને લોકોને એ કહેનારા અધિકારીઓ પર ભરોસો હોય છે, ત્યારે નાગરિકો બિગ બ્રધરની દેખરેખ વગર પણ યોગ્ય રીતે કામ કરી શકે છે. એક સ્વ પ્રેરિત અને કેળવાયેલી જનતા સામાન્ય રીતે લાખ ગણી શક્તિશાળી અને અસરકારક હોય છે અભણ અને ડરેલી જનતા કરતાં. 

દાખલા તરીકે, સાબુથી હાથ ધોવા. માનવ સ્વચ્છતામાં આ અત્યાર સુધીની સૌથી મોટી પ્રગતિ છે. આ સરળ ક્રિયા દર વર્ષે લાખો લોકોનો જીવ બચાવે છે. આપણે તેને મહત્વ આપ્યું 19મી સદીમાં, જ્યારે વૈજ્ઞાનિકોએ સાબુથી હાથ ધોવાનું મહત્વ શોધી કાઢ્યું ત્યારે. એની પહેલાં, ડૉક્ટરો અને નર્સો પણ એક ઓપરેશન માંથી બીજા ઓપરેશનમાં હાથ ધોયા વગર જ જતાં રહેતાં હતા. આજે અબજો લોકો હાથ ધોવે છે, એટલા માટે નહીં કે એમને ડર છે, પરંતુ તેઓ હકીકત સમજે છે. હું સાબુથી મારા હાથ ધોવું છું કારણકે મને ખબર છે, વાઇરસ અને બેક્ટેરિયા બીમારી ફેલાવે છે, અને હું જાણું છું કે સાબુ તેમને દૂર કરી શકે છે.

પરંતુ આજ્ઞાપાલન અને સહકારના આવા સ્તરને પ્રાપ્ત કરવા માટે, તમારે વિશ્વાસની જરૂર છે. લોકોને જરૂર છે વિશ્વાસ રાખવાની, વિજ્ઞાન પર, જાહેર અધિકારીઓ પર અને મીડિયા પર. છેલ્લાં કેટલાંક વર્ષોમાં, બિનજવાબદાર રાજકારણીઓએ વિજ્ઞાન પર, જાહેર અધિકારીઓમાં અને મીડિયામાં જાણી જોઈને વિશ્વાસને નબળો પાડ્યો છે. હવે આ બેજવાબદાર રાજકારણીઓને સરમુખત્યાર શાહી તરફ લલચાવી શકાય છે, એવી દલીલ કરીને કે યોગ્ય કાર્ય કરવા માટે તમે ફક્ત જનતા પર વિશ્વાસ કરી શકતા નથી. 

સામાન્ય રીતે, વિશ્વાસ કે જે વર્ષોથી ખતમ થઈ ગયો છે તેને રાતોરાત પાછો મેળવી શકાતો નથી. પણ આ સમય સામાન્ય નથી. સંકટના સમયે, મન પણ ઝડપથી બદલાઈ શકે છે. તમને વર્ષોથી તમારા ભાઈ બહેન સાથે વિવાદ હોઈ શકે છે, પરંતુ જ્યારે કોઈ સંકટની ઘડી આવે છે, ત્યારે અચાનક જ તમારો વિશ્વાસ અને મૈત્રી જાગી ઊઠે છે, અને તમે એક બીજાને મદદ કરવા દોડી જાઓ છો. સર્વેલન્સ શાસન ઊભું કરવા કરતાં, લોકોમાં વિજ્ઞાન, જાહેર અધિકારીઓ અને મીડિયા પ્રત્યે વિશ્વાસ જગાડવામાં હજી મોડું નથી થયું. આપણે નવી ટેક્નોલૉજીનો પણ ચોક્કસપણે ઉપયોગ કરવો જ જોઈએ, પણ એ ટેક્નોલૉજી નાગરિકોને સશક્ત બનાવવી જોઈએ. હું મારા શારીરિક તાપમાન અને બ્લડપ્રેશરને મોનીટર કરવાના પક્ષમાં છું જ, પરંતુ તે માહિતીનો ઉપયોગ શક્તિશાળી સરકાર બનાવવા માટે થવો જોઈએ નહીં. તેના બદલે, એ માહિતી મને વધારે સારી રીતે નિર્ણયો લેવામાં અને સરકારને તેના નિર્ણયો બદલ જવાબદાર ઠેરવવા મદદરૂપ થવી જોઈએ. 

જો હું ચોવીસે કલાક મારી મેડિકલ કન્ડિશન ટ્રેક કરી શકું, તો હું ફ્ક્ત બીજા લોકોના આરોગ્ય માટે જોખમી છું કે નહીં તે જ નથી જાણી શકતો, પરંતુ એ ય જાણી શકું છું કે કઈ આદતો મારા સ્વાસ્થ્યમાં ફાળો આપે છે. અને જો હું કોરોનાવાયરસના ફેલાવા અંગેના વિશ્વસનીય આંકડા મેળવીને તેનું વિશ્લેષણ કરી શકું, તો હું એ નિર્ણય કરી શકીશ કે સરકાર મને સત્ય કહી રહી છે કે નહીં અને રોગચાળાને નાથવા માટે તે યોગ્ય નીતિઓ અપનાવી રહી છે કે કેમ. જ્યારે પણ લોકો સર્વેલન્સ વિશે વાત કરે છે, ત્યારે એ યાદ રાખવા જેવું છે કે સામાન્ય રીતે જે ટેક્નોલૉજીનો ઉપયોગ સરકારો લોકો પર નજર રાખવા કરે છે – એ જ ટેક્નોલૉજીનો ઉપયોગ લોકો સરકારો પર નજર રાખવા પણ કરી શકે છે. 

કોરોનાવાયરસ રોગચાળો આમ નાગરિકત્વની એક મોટી કસોટી છે. આગામી દિવસોમાં, આપણામાંના દરેકે પાયવિહોણી કાવતરાની માન્યતાઓ અને સ્વ સેવા આપતા રાજકારણીઓ પર વિશ્વાસ કરવાને બદલે સાયંટિફિક ડેટા અને તબીબી નિષ્ણાતો પર વિશ્વાસ કરવો જોઈએ. જો આપણે યોગ્ય પસંદગી કરવામાં નિષ્ફળ થઈશું, તો કદાચ આપણે આપણી સૌથી કિંમતી સ્વતંત્રતા ખોઈ બેસશું, એવું વિચારીને કે આપણા સ્વાસ્થ્યની રક્ષા કરવાનો આ એકમાત્ર રસ્તો છે.

WE NEED A GLOBAL PLAN




બીજી મહત્વપૂર્ણ પસંદગી જે આપણી સામે છે તે રાષ્ટ્રવાદી અલગતા અને વૈશ્વિક એકતા વચ્ચે છે. રોગચાળો પોતે અને પરિણામી આર્થિક સંકટ બંને વૈશ્વિક સમસ્યાઓ છે. વૈશ્વિક સહયોગથી જ તેને અસરકારક રીતે હલ કરી શકાય છે. સૌથી પહેલાં વાયરસને હરાવવા માટે આપણે વૈશ્વિક સ્તરે માહિતી શેર કરવાની જરૂર છે. વાઇરસ કરતાં માણસોને સૌથી મોટો ફાયદો એ છે. ચાઇનમાં રહેલો કોરોના વાઇરસ અને યુ.એસ.માં રહેલો કોરોના વાઇરસ એકબીજાને એ માહિતી નથી આપી શકતા કે ચેપ કઈ રીતે ફેલાવવો. પરંતુ ચાઈના યુ.એસ.ને કોરોના વાઇરસ પર કાબૂ કઈ રીતે મેળવવો એના ઘણા મૂલ્યવાન પાઠ ભણાવી શકે છે. એક ઇટાલિયન ડૉક્ટર વહેલી સવારે મિલાનમાં જે શોધે છે તેનાથી સાંજ સુધીમાં તેહરાનમાં જિંદગીઓ બચાવી શકાય છે. જ્યારે યુ.કે સરકાર ઘણી નીતિઓ બાબતે મૂંઝવણ અનુભવે છે, ત્યારે તે એક મહિના પહેલા આવી જ મૂંઝવણનો સામનો કરી ચૂકેલા કોરિયન લોકોની સલાહ મેળવી શકે છે. પરંતુ આ સાકાર કરવા માટે, આપણને વૈશ્વિક સહકાર અને વિશ્વાસની ભાવનાની જરૂર છે. દેશોએ માહિતીની આપ-લે કરવા માટે તૈયારી દાખવવી પડશે અને નમ્રતાથી સલાહ લેવી પડશે, અને પ્રાપ્ત થયેલ ડેટા અને આંતરસૂઝ પર વિશ્વાસ કરવા સક્ષમ હોવા જોઈએ. તબીબી સાધનોના ઉત્પાદન અને વિતરણ માટે પણ આપણને વૈશ્વિક પ્રયાસોની જરૂર છે, ખાસ કરીને ટેસ્ટિંગ કીટ્સ અને રેસ્પિરેટરી મશીન્સ. દરેક દેશ સ્થાનિક રીતે ઉપકરણો બનાવીને તેનો સંગ્રહ કરે એના કરતાં, સંકલિત વૈશ્વિક પ્રયત્નો મોટા પ્રમાણમાં ઉત્પાદનને વેગ આપી શકે છે અને લાઈફ સેવિંગ ઉપકરણોને વધુ પ્રમાણમાં વાજબી રીતે વિતરિત કરી શકે છે. જેમ યુદ્ધો દરમિયાન દેશો મુખ્ય ઉદ્યોગોનું રાષ્ટ્રીયકરણ કરે છે, તેમ કોરોનાવાયરસ સામેના માનવ યુદ્ધમાં આપણે નિર્ણાયક ઉત્પાદનોનું “માનવીકરણ” કરવાની જરૂર પડી શકે છે. એક સમૃદ્ધ દેશ કે જ્યાં કોરોના વાઇરસના કેસ ઓછા છે તેણે વધારે કેસ ધરાવતા ગરીબ દેશને મોંઘા સાધનોથી મદદ કરવાની તૈયારી દર્શાવવી જોઈએ, એવા વિશ્વાસ સાથે કે જ્યારે એને જરૂર પડશે ત્યારે બીજા દેશો એની વ્હારે આવશે. 

આપણે ચિકિત્સા કર્મીઓની બાબતમાં પણ આવી જ રીતે વૈશ્વિક પ્રયાસની વિચારણા કરી શકીએ છીએ. ઓછા ચેપગ્રસ્ત દેશો પોતાનો મેડિકલ સ્ટાફ વધુ ચેપગ્રસ્ત પ્રદેશોમાં મોકલી શકે છે, તેમની જરૂરિયાતની ઘડીમાં તેમને મદદ કરવા અને મૂલ્યવાન અનુભવ પ્રાપ્ત કરવા માટે. પછી જો રોગચાળાનું કેન્દ્ર બદલાય, તો મદદ વિરુદ્ધ દિશામાં વહેતી કરી શકાય છે. 

આર્થિક મોરચે પણ વૈશ્વિક સહયોગની આવશ્યકતા છે. અર્થતંત્ર અને પુરવઠાની સાંકળોની વૈશ્વિક પ્રકૃતિ જોતાં, જો દરેક સરકાર અન્ય લોકોની સંપૂર્ણ અવગણના કરીને પોતાનું કામ કરશે, તો પરિણામ અંધાધૂંધી આવશે અને સંકટ વધુ ઘેરાશે. આપણને વૈશ્વિક યોજનાની જરૂર છે, એ પણ ઝડપથી. 

બીજી આવશ્યકતા છે મુસાફરી અંગેના વૈશ્વિક કરારની. મહિનાઓ સુધી તમામ આંતરરાષ્ટ્રીય મુસાફરીને સ્થગિત કરવાથી જબરદસ્ત મુશ્કેલીઓ થશે અને કોરોનાવાયરસ સામેના યુદ્ધમાં અવરોધ આવશે. દેશોએ ઓછામાં ઓછા અનિવાર્ય મુસાફરો જેવાં કે વૈજ્ઞાનિકો, ડૉક્ટરો, પત્રકારો, નેતાઓ, ઉદ્યોગપતિઓ વગેરેને સરહદ ઓળંગવા દેવા સહકાર આપવાની જરૂર છે. આ કામ મુસાફરોને તેમના દેશમાં પ્રિ-સ્ક્રિનિંગ બાબતે વૈશ્વિક કરાર દ્વારા કરી શકાય છે. જો તમને ખબર હોય કે વિમાનમાં ફક્ત કાળજીપૂર્વક સ્ક્રિનિંગવાળા મુસાફરોને જ મંજૂરી આપવામાં આવી છે, તો તમે તેમને તમારા દેશમાં સ્વીકારવા માટે વધારે તૈયાર રહેશો. 

દુર્ભાગ્યવશ, હાલમાં દેશો ભાગ્યે જ આમાંથી કોઈ પણ કામ કરે છે. આંતરરાષ્ટ્રીય સમુદાયને સામૂહિક લકવો લાગી ગયો છે. જાણે કોઈ વડીલ જ નથી. કોઈએ પહેલેથી એવી અપેક્ષા રાખી હશે કે અઠવાડીયા પહેલાંની ઈમરજન્સી મિટિંગમાં વૈશ્વિક નેતાઓ સામાન્ય કાર્યવાહીની યોજના લઈને આવશે. G7 નેતાઓ ફક્ત આ અઠવાડિયામાં વિડિઓ કોન્ફરન્સનું સંચાલન કરવામાં સફળ થયા, અને તેનું પરિણામ આવી કોઈ યોજનામાં આવ્યું નહીં. 

અગાઉના વૈશ્વિક સંકટોમાં - જેમ કે 2008 નાણાકીય સંકટ અને 2014માં ઇબોલા રોગચાળો - યુ.એસ.એ વૈશ્વિક નેતાની ભૂમિકા સ્વીકારી હતી. પરંતુ હાલના યુ.એસ. વહીવટીતંત્રે આગેવાનીની કામગીરી છોડી દીધી છે. એણે ચોખ્ખા શબ્દોમાં કહી દીધું છે કે તેને માનવતાના ભાવિ કરતાં અમેરિકાની મહાનતાની વધારે પડી છે. 

આ પ્રશાસને તેના નજીકના સાથીઓને પણ છોડી દીધા છે. જ્યારે એણે યુરોપની બધી મુસાફરી પર પ્રતિબંધ મૂક્યો હતો, ત્યારે એણે યુરોપને આગોતરી સૂચના આપવાની પણ તસ્દી લીધી નહોતી – કે ચાલો આ કડક પગલાં વિશે યુરોપની સલાહ લઈએ. તેણે જર્મનીને બદનામ કર્યું છે ત્યાંની ફાર્માસ્યુટિકલ કંપનીને નવી COVID-19 ની રસીના એકાધિકાર અધિકાર મેળવવા માટે 1 બિલિયન ડોલરની ઓફર કરીને. જો વર્તમાન વહીવટીતંત્ર આખરે બદલાઇ જાય છે અને વૈશ્વિક પગલાની યોજના સાથે આવે છે, તો પણ બહુ ઓછા લોકો એવા નેતા પર વિશ્વાસ કરશે જે ક્યારેય જવાબદારી લેતો નથી, જે ક્યારેય ભૂલો સ્વીકારતો નથી, અને જે કાયમ બધી ક્રેડિટ પોતે લઈ લે છે ને દોષનો ટોપલો બીજાના માથે નાખી દે છે. 

જો યુ.એસ. દ્વારા છોડાયેલ શૂન્યાવકાશ બાકી દેશો દ્વારા ભરવામાં નહીં આવે, તો વર્તમાન રોગચાળાને રોકવું જ મુશ્કેલ નહીં બને, પરંતુ એનો વારસો આવનારા વર્ષોમાં વૈશ્વિક સંબંધો માટે ઝેર બની રહેશે. છતાં દરેક કટોકટી એક તક પણ હોય છે. આપણે આશા રાખીએ છીએ કે વર્તમાન રોગચાળો માનવજાતને વૈશ્વિક ભાગલા દ્વારા ઉદભવતા તીવ્ર જોખમ વિશે ભાન કરાવવામાં મદદરૂપ થશે. 

માનવતાએ પસંદગી કરવાની જરૂર છે. શું આપણે ભેદભાવના માર્ગ પર મુસાફરી કરીશું, અથવા આપણે વૈશ્વિક એકતાનો માર્ગ અપનાવીશું? જો આપણે ભાગલા પસંદ કરીશું, તો એ ફક્ત કટોકટીને લંબાવશે જ નહીં, પરંતુ ભવિષ્યમાં કદાચ વધુ ખરાબ આપત્તિમાં પરિણમશે. જો આપણે વૈશ્વિક એકતા પસંદ કરીશું, તો તે માત્ર કોરોનાવાયરસ સામે જ નહીં, પણ ભવિષ્યના તમામ રોગચાળાઓ અને કટોકટીઓ સામે વિજય હશે, જે 21 મી સદીમાં માનવજાત પર હુમલો કરી શકે છે.


Reactions

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ