હવેથી એક અતિ મહત્વની વસ્તુ આપણે કરીશું એ છે પાયાના સિદ્ધાંતોની ચર્ચા. એટલે જુદી જુદી બાબતો પ્રત્યે તમારા દ્રષ્ટિકોણ પર પુનર્વિચારણા કરીશું અને જે બાબતો પ્રત્યે નહીં હોય એને ક્રિએટ કરીશું. દ્રષ્ટિકોણ મહત્વનો છે દોસ્ત, તમે કોઈ ઘટનાને કઈ રીતે જુઓ છો એ ખૂબ જ મહત્વનું છે. જો તમે એક ચોક્કસ રીતે વસ્તુઓને જોશો, તો તમને એનાથી થતી સતત પીડાથી બચી શકવાની ક્ષમતા મળશે. તો ચાલો શરૂઆત કરીએ.
નિષ્ફળતા જીવનનો હિસ્સો છે. તમે જેમને ચાહો છો એ લોકો પણ તમને નકારી દેવાના. હવે, જ્યારે આપણને ખબર છે કે નિષ્ફળતા જીવનનો હિસ્સો છે અને રોજ કોઈ ને કોઈ નિષ્ફળ થાય છે, આપણે એની તરફ જોવાનો દ્રષ્ટિકોણ જોઈશે જેથી આપણે એના પર કાબુ મેળવી શકીએ. આપણો પહેલો પાયાનો સિદ્ધાંત છે: નિષ્ફળતા સામાન્ય છે. નિષ્ફળતાને આવી રીતે જોવાનું શરૂ કરવામાં તમે મોડા પડ્યા હો એવું બની શકે છે કારણકે કદાચ ઘણા વર્ષો તમે નિષ્ફળતા અને નુકસાનથી હેરાન થઈને પસાર કર્યા હોય.
નિષ્ફળતા સામાન્ય રીતે જીવનના તમામ ક્ષેત્રોમાં બધાને મળતી જ હોય છે. એટલે ઉપર કહ્યું એમ એને તમારી સાથે કોઈ જ લેવાદેવા નથી, પણ તમે એને તાર્કિક રીતે જોવાને બદલે અહંકારથી જુઓ છો અને બધુ જ પોતાના પર લઈ લો છો. તમે એવી રીતે વર્તો છો જાણે તમારા એકલા સાથે જ આવું થયું છે. તેથી, ફરી એકવાર યાદ રાખો નિષ્ફળતા સામાન્ય છે. જીવનમાં બધાને મળે છે.
કિશોરાવસ્થામાં મળતી નિષ્ફળતા સૌથી વધારે ખરાબ હોય છે
નિષ્ફળતા જીવનના દરેક તબક્કે મળતી રહે છે તેમ છતાં કિશોરાવસ્થામાં મળતી નિષ્ફળતાની અસર ઘાતકી હોય છે, જ્યારે તમે વધારે પડતાં ઉત્સાહી, આશાવાદી અને હકદાર હોવ છો. તમારા સ્કૂલના વર્ષોમાં એવું બન્યું હોય કે તમે જે શિક્ષકનું ધ્યાન ખેંચવા માંગતા હતા એણે એક અનિચ્છનીય જાહેરાતની જેમ તમને સાઇડમાં ધકેલી દીધા હોય. અથવા કોઈ ગમતી વ્યક્તિએ કે સત્તાધારી વ્યક્તિએ એવું કર્યું હોય. ત્યારે તમે એટલા મૂંઝાઇ જાઓ છો કે તમે તમારા માં-બાપને પણ વાત નથી કરતાં. અને જો કરો છો તો એવી શક્યતા છે કે એમણે તમારું મગજ એવા બકવાસથી ભરી દીધું હોય કે સામેવાળી વ્યક્તિ ભૂલભરેલી છે એને ખબર જ નથી કે તું કેટલો મહાન છે, તેથી એને પડતો મૂક.
અલબત્ત, તમે એ વાત સાથે સંમત થતાં નથી, તે એ હકીકત સાથે સીધો વિરોધાભાસ છે કે તમે એમને પસંદ કરો છો તો સામે એ પણ તમને પસંદ કરે. એટલે અંતે તમે એવું વિચારો છો સમજણયુક્ત ખુલાસો ન હોવાના કારણે – કે મારામાં જ કઈ ખામી છે.
આ વર્ષો કોઈપણ વ્યક્તિના દ્રષ્ટિકોણ અને વ્યક્તિત્વની પ્રગતિના વર્ષો હોય છે, અને હાથમાં હોય છે ફક્ત એક અવિકસિત મગજ. માર્ગદર્શન વિના, નિષ્ફળતાની પ્રતિક્રિયા ભાગ્યે જ પરિપક્વ હોય છે. દિલ તૂટવાથી, તક ગુમાવી દેવાથી અને એકલતાના કારણે તમને એવું લાગે છે જાણે દુનિયા ખતમ થઈ ગઈ છે. તેથી, તમારા ડર, નિર્ભયતા, શક્તિ અને નબળાઈના આધારે તમે નિર્ણય લો છો કે હું ખાસ નથી નો જે અવાજ અંદરથી ઉઠી રહ્યો છે એનું શું કરવું. ટૂંકમાં, તમે દુ:ખી થઈ જાવ છો કારણકે તમને કોઈએ કહ્યું જ નથી કે નિષ્ફળતા નોર્મલ છે દોસ્ત.
નિષ્ફળતાથી પ્રેરિત થવું બહુ સારો વિચાર નથી
મોટાભાગે જ્યારે લોકો નિષ્ફળ થાય છે ત્યારે ત્રણ રીતે વિચારે છે. પહેલું તેઓ હાર માની લે છે. બીજું દુનિયાએ મારી નોંધ ન લીધી તેથી હવે હું સફળ થઈશ જેથી દુનિયા મારી નોંધ લે. હું સાબિત કરીશ કે હું એમનાથી ચડિયાતો છું અને મને નકારવા બદલ એમને અફસોસ થશે. અને ત્રીજું તેઓ એવું માની લે છે કે આ દુનિયા અન્યાયી છે, અને દોષારોપણ, નફરત થકી ઝેર ફેલાવવામાં પોતાની જાતને સમર્પિત કરી દે છે.
તમને એવું લાગશે કે બીજો વિકલ્પ સારો છે. પણ એવું નથી. એ વ્યક્તિ પછી એટલે સફળ થાય છે જેથી એ બીજા આગળ સાબિત કરી શકે કે હું પણ કઈક છું. એમ કરવા જતાં એ સફળતા પાછળ આંધળી દોટ મૂકશે, એને ખબર જ નહીં પડે કે એ ખરેખર શું ઈચ્છે છે કારણકે એનો મુખ્ય ઇરાદો બીજાને સંતુષ્ટ કરવાનો હોય છે, પોતાને નહીં. અને ખાટલે મોટી ખોટ એ છે કે જેની આગળ તમે કઈક સાબિત કરવા માંગો છો એને કઈ પડી જ નથી.
અને એવી પણ સંભાવના છે કે બીજો વિકલ્પ પસંદ કર્યા પછી તમને ધારી સફળતા ન મળે, પછી તમારી પાસે નિર્દયી બનીને દુ:ખી થવા સિવાય કોઈ વિકલ્પ બચશે? અને શું ગેરંટી છે કે સફળતા મળી ગયા પછી જેમની આગળ સાબિત કરવાનું હતું એ સંતુષ્ટ થશે જ? શું થશે જ્યારે તમે એવા લોકો આગળ તમારી શ્રેષ્ઠતા સાબિત કરશો જે તમારા કરતાં વધારે સફળ છે?
સમયની સાથે તમે જે કરો છો એની પ્રત્યેનો તમારો દ્રષ્ટિકોણ કડવો થતો જશે, કારણકે તમે એવું વ્યક્તિત્વ ઊભું કર્યું છે જે પોતાની જાતને સાબિત કરવા માટે બીજા પર આધાર રાખે છે. જે લોકોને શું કરવું છે એની ખબર પડી ગઈ છે એ લોકો શ્રેષ્ઠતાની પાછળ ભાગે છે પોતાની જાત આગળ સાબિત કરવા કે એ જે કરી રહ્યા છે તે શ્રેષ્ઠ છે. એમને ખ્યાલ છે કે એમને કોઈની મંજૂરીની જરૂર નથી કેમ કે એમને જે કરવું છે એ કરવાથી એમને હેતુ મળે છે, અને એ હેતુ પાર પાડવાથી એમને સંતોષ અને એક અર્થપૂર્ણ જિંદગી મળે છે.
0 ટિપ્પણીઓ