કોઇની પણ સાથે પનારો પાડતા પહેલા તમારે એ સમજવું પડે કે તમે કોની સાથે પનારો પાડી રહ્યા છો. એ સમજવાથી તમારા મનમાં એક ઇમેજ બનશે અને એના આધારે એના પ્રત્યે તમારી આશાઓ બંધાશે. આ કઈ એટલું અટપટું નથી. તમે લગભગ બધી જ બાબતોમાં આવું કરો છો. તમારા મનમાં સિંહ વિશે એક સ્ટ્રોંગ ઇમેજ છે. તમને ખબર છે કે સિંહ હુમલો કરે છે એટલે તમે એની સાથે એ હિસાબે વર્તો છો. એ જ રીતે, પાલતુ કુતરા વિશે તમારા મનમાં અલગ ઇમેજ છે, એટલે એની પાસેથી તમે મિત્રતાભર્યા અને રમતિયાળ વર્તનની અપેક્ષા રાખો છો અને એની સાથે એ હિસાબે વર્તો છો. હવે વાત આવે છે માણસોની: એમના વિશે તમારા મનમાં કેવી ઇમેજ છે?
આપણે વિચાર કરીએ એવા વિશેષણો વિશે જે તમે લોકો વિશે સાંભળ્યા અથવા વાપર્યા હશે. લોકો મૂર્ખ છે, બેવકૂફ છે, સ્વાર્થી છે, વિશ્વાસુ નથી, ગણતરીબાજ છે, લિસ્ટ લંબાતું જ જશે.
તમે જોયું હશે કે બોક્સિંગ જેવી રમતોમાં સામેવાળાને ધીબેડી નાખ્યા પછી સ્પર્ધાના અંતે હરીફો એકબીજાને ગળે મળીને અભિનંદન પાઠવતા હોય છે. આવું જોયા પછી લોકો સાવ વાહિયાત છે એ વાતનો છેદ ઊડી જતો હોય છે. પરંતુ લોકો અદ્ભુત જ છે એવું પણ તમે નથી માનતા. કારણકે લોકોએ તમને દુ:ખી કર્યા છે, છેતર્યા છે, તમારી સાથે દુર્વ્યવહાર કર્યો છે અને તમે બીજાની પણ આવી જ કહાની જોઈ, વાંચી અને સાંભળી છે. તમે જેમની પર ભરોસો કરો છો એવા લોકોએ તમને ચેતવ્યા પણ છે કે પોતાનું ધ્યાન રાખવું અને લોકો પર આંધળો વિશ્વાસ કરવો નહીં.
તો હવે શું એમ માનવાનું કે લોકો જટિલ છે? સગવડ ખાતર કોઈ એવું વિચારી શકે છે. શું તમે માનો છો? સત્ય એ છે કે તમે ખરેખર ક્યારેય એ વિશે વિચાર્યું જ નથી. તમે લોકો જટિલ છે એની સાથે સહમત થઈ જાઓ છો કારણકે એ તમને સૌથી તાર્કિક જવાબ લાગે છે. જાણવા અને સમજવા વચ્ચે આ જ તફાવત છે. તમે ઘણીબધી બાબતો વિશે જાણો છો પણ એને અમલમાં નથી મૂકી શકતા કારણકે તમે એને સમજી શકતા નથી. તમે જ્ઞાન ઉછીનું મેળવી શકો છો પરંતુ સમજણ નહીં. એકવાર તમે જાતે વિચારીને કોઈ નિષ્કર્ષ પર આવો છો, તો એ સમજણ કહેવાય. અને એકવાર તમે કઈક સમજી જાઓ છો, તો પછી એના પ્રત્યેનો તમારો દ્રષ્ટિકોણ કાયમ માટે બદલાઈ જાય છે. અને એ ત્યાં સુધી અંકબંધ રહે છે જ્યાં સુધી બીજી કોઈ અનુભૂતિ અસર ન કરે – આ છે શીખવાની અને વિકસવાની પ્રક્રિયા.
તમે મૂંઝવણમાં છો
એવી પૂરેપુરી શક્યતા છે કે એક પણ દિવસ એવો નહીં હોય જ્યારે તમે લોકોને વ્યાખ્યાયિત નહીં કર્યા હોય. અને આ વ્યાખ્યા સંદર્ભ, મૂડ અને વ્યક્તિગત પૂર્વગ્રહના આધારે બદલાતી રહે છે. લોકો મહાન છે, જો કોઈ સુંદર વાર્તા કહેનાર અને સંભાળનારના હૃદયને ઉષ્માથી ભરી દે છે. લોકો મૂર્ખ છે, જ્યારે એવું કોઈ ચૂંટાઈ જાય છે જેનો તમે સખત વિરોધ કરો છો.
તેથી એ સમજી શકાય એવું છે કે શું કામ તમારી માટે ખાતરીપૂર્વક લોકો વિશે કોઈ એક દ્રષ્ટિકોણ ધરાવવો મુશ્કેલ છે, જે બદલાતી પરિસ્થિતિઓમાં સતત ઉપયોગી થાય.
આગળ જોયું એમ, તમે સંપૂર્ણ રીતે ‘લોકો મૂર્ખ છે’ અથવા ‘લોકો અદ્ભુત છે’ એવું માની શકતા નથી. જો તમે વાસ્તવિક રીતે લોકોને જોવા માંગતા હોવ તો આમ કરવું યોગ્ય નથી. તો હવે બચે છે એક જ માન્યતા ‘લોકો જટિલ છે.’ પરંતુ એમાં એક સમસ્યા છે, એવું લાગે છે જાણે આપણે કોઈ એવી મશીનરી વિશે વાત કરી રહ્યા છીએ જેના વિશે આપણે બહુ જાણતા નથી. એના લીધે લોકો આપણને વધારે અતડા, રહસ્યમયી અને સમજવામાં અઘરા લાગે છે.
કોઈ જ દ્રષ્ટિકોણ ન હોવા કરતાં દ્રષ્ટિકોણ હોવો બહેતર છે, ભ્રામક દ્રષ્ટિકોણ હોય એના કરતાં તો બહેતર જ છે.
‘લોકો વિચિત્ર છે’ એમ ન માનીએ? વિચિત્ર શબ્દ નથી પૂરેપૂરો હકારાત્મક કે નથી નકારાત્મક. ઇન્ટરનેટ પર અવારનવાર લોકો પોતાને વિચિત્ર ગણાવે છે, જાણે પોતાને વખાણતા હોય એવી રીતે. જે હકારાત્મકતા અને સ્વીકૃતિની તરફ ઈશારો કરે છે. સાથે જ એ વિચિત્રતાના પણ ગુણો ધરાવે છે, જે લોકોને ક્યારેક વિચિત્ર રીતે વર્તવાની સ્વતંત્રતા આપે છે. એ રમૂજી ગુણો પણ ધરાવે છે, જે લોકોને કોઈપણ જાતના જજમેંટ વગર બેવકૂફી કરવા દે છે.
શા માટે લોકો વિચિત્ર છે એમ વિચારવું અદ્ભુત છે
શા માટે ‘લોકો વિચિત્ર છે’ એ દ્રષ્ટિકોણ તમારા વિકાસ માટે જરૂરી છે?
પહેલું, કોઈ જ દ્રષ્ટિકોણ ન હોવા કરતાં દ્રષ્ટિકોણ હોવો બહેતર છે, ભ્રામક દ્રષ્ટિકોણ હોય એના કરતાં તો બહેતર જ છે. આ દ્રષ્ટિકોણ શું કામ સારો છે એ સમજવા માટે આપણે પ્રકરણની શરૂઆતમાં જવું પડશે. તમારો કોઈ વસ્તુ પ્રત્યેનો દ્રષ્ટિકોણ એના પ્રત્યેની આશાઓ જગાવે છે. એ દ્રષ્ટિકોણ ક્યાંથી આવે છે? માહિતી. સિંહ વિશેનો તમારો દ્રષ્ટિકોણ બંધાય છે સિંહ વિશેની માહિતીમાંથી. એ લોકો શિકારી છે જે ખોરાકની દ્રષ્ટિએ માણસ અને બાળક વચ્ચે ફરક નથી કરતાં. સિંહ માટેની તમારી આશાઓ બંધાય છે એમના પ્રત્યેના દ્રષ્ટિકોણ દ્વારા જે આવે છે એમની વાસ્તવિક વર્તણૂકની માહિતીને આધારે.
એવા લોકો વિશે શું જેમની સાથે તમે મિત્રતા કરવા માંગો છો અથવા જેમના પ્રેમમાં પડવા માંગો છો? એમના પ્રત્યેની તમારી આશાઓ એવા દ્રષ્ટિકોણ દ્વારા બંધાય છે જેને વાસ્તવિક માહિતીનો કોઈ ટેકો જ નથી. તમે એવા લોકો દ્વારા દુ:ખી, નિરાશ અને રિજેક્ટ થાઓ છો જેમના વિશે તમારી પાસે કોઈ માહિતી જ નથી. તમારી પાસે હોય છે ફક્ત પહેલી મુલાકાતમાં એમના વિશેની તમારા મનમાં પડેલી છાપ. તમે જ્યારે કોઈને પહેલીવાર મળો છો ત્યારે શું થાય છે એ જોઈએ.
તમે કોઈને મળો છો એટલે એમના દેખાવ, વાણી, વર્તન અને વ્યવહારને આધારે તમારા મનમાં એક ફર્સ્ટ ઇમ્પ્રેશન ક્રિએટ થાય છે. જેના આધારે તમે એમના તરફ મિત્રતા અથવા પ્રેમભાવથી આકર્ષિત થાઓ છો. પછી તમારા મનમાં આશાઓ બંધાય છે. હું એમની જોડે મિત્રતા કરવા માંગુ છું. હું ઈચ્છું છું કે તેઓ મારા પર ધ્યાન આપે અને મને પસંદ કરે. હું એમને ખાતરી કરાવવા માંગુ છું કે હું સક્ષમ છું, સમજદાર છું, કિંમતી છું. આ ફર્સ્ટ ઇમ્પ્રેશનને આધારે તમે એવું વિચારો છો કે તેઓ પરફેક્ટ છે. આ જ મહત્વનો પડાવ છે. તમે જે વિચારો છો એની ખરાઈ કરવા માટે તમારી પાસે કોઈ વાસ્તવિક ડેટા નથી. તેથી તમારે એવું વિચારવું જોઈએ કે તેઓ જેવા દેખાય છે એવા ન પણ હોય. પરંતુ એવું કરવાને બદલે તમે તમારી કલ્પનાશક્તિ કામે લગાડીને એમને આદર્શ માનવા લાગો છો. પછી એ વ્યક્તિ તમારા માટે સૌથી ખાસ બની જાય છે. તમે એમના પર વધારે ધ્યાન આપવા લાગો છો અને એમના પ્રત્યેની તમારી આશાઓ વધારે મજબૂત થાય છે. પછી તમે એવું વિચારવા લાગો છો કે એમણે તમને સ્વીકારી લીધા છે અને તમે મનોમન યોજનાઓ ઘડવા લાગો છો. પરંતુ જ્યારે આમાનું કઈ જ નથી થતું ત્યારે તમે દુ:ખી થઈ જાઓ છો.
ઈમોશનલ નહીં, લોજિકલ બનો
ઉપર જણાવ્યુ એવું ફરી તમારી સાથે ન થાય તે માટે આટલી વાતો યાદ રાખો.
કોઈના પણ વિશે જ્યાં સુધી તમને રીઅલ ડેટા ન મળે ત્યાં સુધી એમના વિશે થતી વાતો કે એમણે ઊભી કરેલી હાઇપને આધારે કોઈપણ પ્રકારનો પૂર્વગ્રહ બાંધવો નહીં. રીઅલ ડેટા એટલે કોઈપણ વ્યક્તિના વિચારો અને એનું વર્તન જે એના કાર્યો થકી છતું થાય છે, નહીં કે એના શબ્દો થકી. લોકો જે બોલે છે એની પાછળની લાગણી આપણને ખૂબ જ દયાળુ, કાળજીભરેલી અને વિચારવંત લાગતી હોય છે. પરંતુ લોકો જે બોલે છે અને જે કરે છે એમાં ઘણીવાર બિલકુલ તફાવત હોય છે. રીઅલ ડેટા મળે છે એમણે પસંદ કરેલા વિકલ્પોમાંથી, નહીં કે તેઓ શું કરવા માંગે છે ની વાતો પરથી. લોકો શું કરવા માંગે છે એના પર નહીં, લોકો ખરેખર શું કરે છે એના પર ધ્યાન આપો.
આપણે માર્કેટિંગ અને જાહેરાતોની દુનિયામાં જીવીએ છીએ. કોઈ તમને ગમે તે વસ્તુ વેચી શકે છે – રીઅલ ડેટા ન હોવાના કારણે આ તક ઊભી થાય છે. જ્યાં સુધી સાબિત ન થાય ત્યાં સુધી ફર્સ્ટ ઇમ્પ્રેશનને સેલ્સમેનશીપ ગણીએ તો કેવું! પણ તમે એવું નહીં કરો, કારણકે એવું વિચારવું તમને કદાચ કઠોર અને ગેરવ્યાજબી લાગી શકે છે. તમે સામેવાળાને એક ચાન્સ આપવા માંગો છો કારણકે ફર્સ્ટ ઇમ્પ્રેશનના આધારે તમે એમને પસંદ કરવા લાગ્યા છો. કોઈ તમને બકવાસ વેચી રહ્યું છે એવું નહીં માનો એનું બીજું કારણ છે ખરાબ લોકો પ્રત્યેનો આપણો સાવ અજ્ઞાની દ્રષ્ટિકોણ, જે આવે છે સારા અને ખરાબના વધારે પડતી સરળતાથી ભાગલા પાડવાથી. તમારા મતે, ખરાબ વ્યક્તિ એટલે લુચ્ચો, ગણતરીબાજ, જુઠ્ઠો, ચાલાક અથવા ગુનાહિત માનસિકતાવાળો. જે આપણે ફિલ્મો અને ટીવીમાં જોઈને શીખ્યા છીએ. તેથી, જે તમને સારો અનુભવ કરાવે છે એના વિશે એવું નહીં માનો. તમારે એ સમજવાની જરૂર છે કે ખરાબ લોકો ફિલ્મો અને ટીવીથી વિપરીત તમને બરબાદ કરીને છાપરે ચઢીને પોકારવાના નથી કે અમે ખરાબ છીએ. જે લોકો તમારી સાથે સારું વર્તન કરે છે તેમજ જેઓ સ્વાર્થી અથવા બુરા ઈરાદા ધરાવે છે, બંને લોકો એક હકીકત સારી રીતે જાણે છે: તમારો વિશ્વાસ જીતવાનો અને તમારા જીવનમાં પ્રવેશ મેળવવાનો માત્ર એક જ રસ્તો છે – તમારી સાથે સારું વર્તન કરીને અને તમને સારો અનુભવ કરાવીને. એટલે જ્યાં સુધી તમને રીઅલ ડેટા ન મળે ત્યાં સુધી ‘લોકો વિચિત્ર છે’, જેનો અર્થ થાય છે હું તેમને બિલકુલ જાણતો નથી, જે તમને એવી મુસીબતોમાંથી બચાવી લેશે જેનાથી તમારા કેટલાય વર્ષો બરબાદ થઈ જાય છે અને કઈ નવું શીખવા પણ નથી મળતું. જેથી તમે શરૂઆતમાં સારો અનુભવ કરાવનાર વ્યક્તિ ખાસ છે એવું વિચારવાનું બંધ કરી દેશો.
1 ટિપ્પણીઓ
ખુબ સરસ
જવાબ આપોકાઢી નાખો