આવી રીતે નિષ્ફળતાનો સામનો ન કરશો
નિષ્ફળતા નોર્મલ છે. નિષ્ફળતાને જોવાનો પાયાનો સિદ્ધાંત ન હોવાના કારણે, જ્યારે પણ તમને જેની પરવા હોય છે એવી બાબતોમાં સફળ નથી થતાં, ત્યારે સૌથી પહેલો વિચાર તમારા મગજમાં એ જ આવે છે કે: હું હારી ગયો છું, હું કશાને લાયક નથી, મરવાને લાયક છું. મોટાભાગે, આવી લાગણીઓની સાથે ડર હોય છે માં – બાપના ક્રોધનો, મિત્રોના ચુકાદાઓનો, લોકોની નિરાશાઓનો.
તમે પડવાથી એટલા બધા ગભરાઈ જાઓ છો કે પછી સેમ લેવલનું રિસ્ક હોય એવી કોઈપણ સ્પર્ધા, ચેલેન્જ કે તકનો સામનો કરવાથી બચવાના બહાના શોધતા રહો છો. તમે નોકરી નથી બદલતા જાણે ઓફિસ સાથે લગ્ન કરી લીધા હોય. કારણકે નવી નોકરીમાં બધુ જ નવું હોય છે. નવું કામ, નવા લોકો, નવું વાતાવરણ. અને એ નવીનતા તમારી અંદર એક અનિશ્ચિતતાની લાગણી પેદા કરે છે. કદાચ હું ત્યાં નિષ્ફળ જઈશ. કદાચ મારે ત્યાં કઈક નવું શીખવું પડશે. એના લીધે તમે કઈ નવું કરી શકતા નથી.
તમે તમારી જાતને સામાન્ય સમજવા લાગો છો. હવે તમારું મગજ સલામત રસ્તાઓ જ શોધે છે, અને લોકોને પણ એવું સમજાવવા લાગો છો કે સામાન્ય હોવું જ સુરક્ષિત છે.
તમે એવું માનવા લાગો છો કે તે પસંદગીની બાબત છે પરીક્ષા માટે તૈયારી ન કરવી અને નિષ્ફળ જવું. તમને લાગે છે કે લોકો મારી સાથે હસી રહ્યા છે પરંતુ ખરેખર લોકો તમારી ઉપર હસી રહ્યા હોય છે. જે તમને ત્યારે સમજાય છે જ્યારે લોકો પોતાના જીવનમાં આગળ વધી ગયા હોય છે અને તમે મર્યાદિત વિકલ્પો સાથે સતત નિષ્ફળ થઈને ત્યાંના ત્યાં હોવ છો.
પોતાની જાતને નુકસાન પહોંચાડવાના આ વલણમાંથી બહાર આવવા માટે એ સમજવાની જરૂર છે કે નિષ્ફળતા નોર્મલ છે, અને એક એવો ઉપાય શોધવાનો છે જેથી આ બધી જ નકારાત્મક લાગણીઓ ઉપયોગી દિશા તરફ વળે. એ સમજવા માટે તમારે સૌથી પહેલા એ સમજવું પડશે કે ખરેખર સફળતા કેવી રીતે મળે છે.
માનસિક રીતે સફળતા કેવી રીતે મેળવવી
એની શરૂઆત થાય છે એક સવાલથી: શું તમે આ કરવા માંગો છો?
આ બહુ જ સાદો સવાલ લાગે છે, પરંતુ, કઈક કરવાની ઈચ્છા હોવી અને કઈક કરવું એ બેમાં ઘણો ફરક છે. મોટાભાગના લોકો આ દુનિયામાં જે કરી રહ્યા છે એ એટલે કરી રહ્યા છે કારણકે એમને કરવું પડે છે, એટલા માટે નહીં કે એમની ઈચ્છા છે. કરવા ખાતર કરવું એ તમારી ફરજ બની જાય છે જે તમારે બજાવવાની હોય છે. પોતાની ઇચ્છાથી કરવું પસંદગી છે. તેથી, સફળ થવા માટે સૌથી પહેલાં તમારે એ બાબતે સ્પષ્ટ થઈ જવું પડે, કે શું તમે ખરેખર આ કરવા માંગો છો?
જ્યારે તમે પસંદગીથી કોઈ કામ કરો છો ત્યારે એની બધી માલિકી તમારી પોતાની હોય છે. તમે એટલા માટે નથી કરતાં કે કોઈ તમારી પાછળ ઊભું છે. એક વાત યાદ રાખો, જ્યાં સુધી તમે કામને ગંભીરતાથી નહીં લો ત્યાં સુધી તમે સફળ નહીં થાવ. એટલે નક્કી કરી લો તમારે કરવું છે કે નહીં? આ પહેલું પગથિયું છે.
કોઈને એવો સવાલ થઈ શકે છે, જે વાજબી પણ છે, તો પછી આપણે ખરેખર જે કરવું છે એ ખબર પડી જાય ત્યાં સુધી રાહ જોઈને, પછી જ ન કરીએ?
આ સવાલની સમસ્યા એ છે કે તમને રાહ જોવાનું પરવડવું જોઈએ, જે દુનિયાના મોટાભાગના લોકોને નથી પરવડતું. જે નિયમો એમની પરિસ્થિતિનું નિયમન કરે છે એ એવું કહે છે: કે તમારે અત્યારે જ કઈ કરવું પડશે.
એટલે શું તમે આ કરવા માંગો છો? એ સવાલના ત્રણ જવાબ હોય શકે છે: હા, ના, મને નથી ખબર. ના અને મને નથી ખબર માં મોટાભાગના લોકો આવી જતાં હોય છે. તમે એટલે નિષ્ફળ છો કારણકે તમને નથી ખબર કે તમારે શું કરવું છે. આ બહુ જ ખોટી દલીલ છે. એનો મતલબ એવો થયો કે જેટલા પણ લોકો સફળ છે એ બધા જ પોતાના કામના ગળાડૂબ પ્રેમમાં છે. જે સાવ સાચું નથી. લોકો ઘણાબધા કારણોસર સફળ હોઈ શકે છે. કોઈને પૈસા, પ્રતિષ્ઠા કે સત્તાની ભૂખ હોય. કોઈને ગરીબી, હતાશા અને એવી પરિસ્થિતી દૂર કરવાની ભૂખ હોય જ્યાં તેઓ ફરી ક્યારેય જવા નથી માંગતા. કોઈને પોતાની જાત સમક્ષ સાબિત કરવાની ભૂખ હોય કે પોતે સક્ષમ છે. કોઈને સ્વજનોને અને જેઓ તેમના ઉપર આધારિત છે એમને પૂરું પાડવાની ભૂખ હોય.
જ્યાં સુધી સફળતાથી તમે ગાંડાની જેમ ખુશ થશો ત્યાં સુધી નિષ્ફળતાથી તમે અસહ્ય રીતે દુ:ખી થતાં રહેશો. પરિણામે, નિષ્ફળતા પછી ડર અને અનિશ્ચિતતાઓથી, અથવા સફળતા પછી અહંકાર અને વધુ પડતાં આત્મવિશ્વાસથી બચવું મુશ્કેલ થઈ જશે.
સફળતા પસંદગીની બાબત છે – તમને શેની ભૂખ છે એ મહત્વનુ નથી. એકવાર તમે પસંદગી કરી લીધી, નક્કી કરી લીધું, પછી આવે છે બીજું પગથિયું: તમે સફળતાને કેવી રીતે જુઓ છો.
દુનિયામાં બે પ્રકારની સફળતા જોવા મળે છે: પરંપરાગત સફળતા અને સાચી સફળતા.
પરંપરાગત સફળતામાં કોઈ સ્પર્ધાના પરિણામને આધારે હારનારા અને જીતનારા નક્કી થાય છે. સમાજ જીતનારાઓનું સન્માન કરે છે અને હારનારાઓને અવગણી કાઢે છે – જે જોઈને તમે મોટા થયા છો. હારનારાઓની કોઈને પરવા નથી હોતી એટલે હારવું પીડાદાયક હોય છે. જીતનારાઓની બધા જ પ્રશંસા કરતાં હોય છે એટલે જીતવું ક્ષમતાનું સર્ટિફિકેટ બની જતું હોય છે.
સાચી સફળતામાં વ્યક્તિ વારંવાર નિષ્ફળ થયા પછી સફળ થતો હોય છે. સાચી સફળતાનો સાર છે ક્યારેય હાર ન માનવી. જે લોકો તમારા રોલમોડેલ છે એ એટલા માટે છે કારણકે તેમણે સખત પરિશ્રમથી પોતાના ક્ષેત્રમાં કુશળતા પ્રાપ્ત કરી છે. એટલા માટે જ તમે એમની ભૂલોને, નિષ્ફળતાઓને અને હારને સમજીને એમને માફ કરો છો. તમને એમનામાં શ્રદ્ધા છે કારણકે તમને ખબર છે કે એ લોકો હાર માનવાવાળા નથી.
તેથી, તમારી માટે પરંપરાગત સફળતા લાગુ પડે છે. તમે જેમને ચાહો છો એમની માટે સફળતા એટલે ક્યારેય હાર ન માનવાની ભાવના સાથે બધુ જ કરી છૂટવું, અને સખત પરિશ્રમ થકી ઉત્કૃષ્ટ કુશળતા મેળવવી. તમે પોતાની માટે શું કામ આ લાગુ નથી કરતાં?
એની પાછળનું કારણ છે તમે પરંપરાગત સફળતા જોઈને મોટા થયા છો અને સમાજ એને જ વધારે મહત્વ આપે છે. પરંતુ તમે પરંપરાગત રીતે લાંબી સફળતા નથી મેળવી શકતા કારણકે, એ ટૂંકી દ્રષ્ટિવાળું છે. એ કોઈ ઘટના, પરીક્ષાનું પરિણામ અથવા કોઈ સ્પર્ધા કેન્દ્રિત હોય છે. એ ત્વરિત પ્રશંસાની જરૂરિયાતને અપીલ કરે છે. હું આ જીતી ગયો, હવે હું મહત્વનો છું, હું વિજેતા છું. જીતવું એ કોઈ એકલ દોકલ ઘટના નથી, એ કાયમ ચાલતી પ્રક્રિયા છે. એવા ઘણા લોકો છે જે વિચારે છે કે એક સમયે આખા ક્લાસમાં હું ટોપ પર હતો અને આજે હું ક્યાય નથી. શું થયું! તમે મળેલી સફળતાથી ખુશ થઈ જાઓ છો અને આવનારી અને વિતેલી બાબતોને ભૂલી જાઓ છો.
જ્યાં સુધી સફળતાથી તમે ગાંડાની જેમ ખુશ થશો ત્યાં સુધી નિષ્ફળતાથી તમે અસહ્ય રીતે દુ:ખી થતાં રહેશો. પરિણામે, નિષ્ફળતા પછી ડર અને અનિશ્ચિતતાઓથી, અથવા સફળતા પછી અહંકાર અને વધુ પડતાં આત્મવિશ્વાસથી બચવું મુશ્કેલ થઈ જશે.
વ્યવહારીક રીતે સફળ કેમ થવું
સાચી સફળતા તમારું ધ્યાન હાર કે જીત ઉપર નહીં, પરંતુ શીખવા પર કેન્દ્રિત કરે છે. તમે અત્યારે જે કાઇપણ કરી રહ્યા છો અથવા શીખી રહ્યા છો એને આ ત્રણ દ્રષ્ટિકોણથી જુઓ. ઉપયોગિતા, તક અને ક્ષમતા.
ઉપયોગિતા: તમે જે શીખી રહ્યા છો એ કેટલું ઉપયોગી છે? ક્યાં અને કેવી રીતે એ કામ લાગશે? એનાથી તમારી અંદર કેટલો આત્મવિશ્વાસ પેદા થશે? બજારમાં લાંબાગાળે એની કોઈ કિંમત છે? અને છેલ્લે, સફળતાની દ્રષ્ટિએ તમે જે કાઇપણ શીખી રહ્યા છો એ ખરેખર કેટલું ઉપયોગી નીવડશે? ઉપયોગીતાની દ્રષ્ટિએ વિચારવાથી તમને ખબર પડશે કે તમારી કૂવાની દુનિયાની બહાર પણ એક દુનિયા છે, જ્યાં ખરી સ્પર્ધા છે, અને તમે જે ટ્રોફીઓ જીતી રહ્યા છો એ માત્ર સૂચવે છે કે તમે સાચા રસ્તે છો, પરંતુ ખરેખર તમે સફળતા હાંસલ નથી કરી.
તક: તમે જે શીખી રહ્યા છો એનો ઉપયોગ કેવી રીતે કરશો? એ તમારી માટે કેટલા દરવાજા ખોલશે? કેટલી રીતે તમે એના દ્વારા કમાઈ શકશો? બજારમાં કેટલી તકો છે? તમારા કસબની દુનિયામાં ક્યાં બાજુ માંગ છે? તકની દ્રષ્ટિએ વિચારવાથી તમે મહત્વાકાંક્ષી બનશો. મહત્વાકાંક્ષી લક્ષ્યને લીધે તેની ઉપયોગિતાની પ્રકૃતિ તમારા મગજમાં સુધરશે અને ફરીથી બદલાશે.
ક્ષમતા: તમે જે શીખી રહ્યા છો એને કેટલી સારી રીતે કરી શકશો? તમારામાં એની માટે કોઈ કુદરતી પ્રતિભા છે? શું તમે બીજા લોકો કરતાં ઝડપથી શીખી શકો છો? જો ના, તો શું તમે વધારે પરિશ્રમ કરીને સ્પર્ધામાં બીજા લોકો કરતાં આગળ નીકળી શકો છો? સર્જનાત્મક રીતે વિચારીને, જે છે એમાંથી નવી તકો ઊભી કરી શકશો? ક્ષમતાની દ્રષ્ટિએ વિચારવાથી તમને ખબર પડશે કે અત્યારે તમે ક્યાં છો અને તમારી મહત્વાકાંક્ષા તમને ક્યાં લઈ જવા માંગે છે. એકવાર સફળતાને તમે આ દ્રષ્ટિકોણથી જોવાનું શરૂ કરશો એટલે તમને ક્લેરિટી અને વિઝન મળશે. હવે આપણે ત્રીજા પગથિયાં તરફ આગળ વધીએ: નિષ્ફળતાને કેમ જોવી?
નિષ્ફળ જવામાં ફક્ત એક જ નુકસાન છે કે તમારો રસ્તો લાંબો થશે, પણ આવનારા પાંચ વર્ષોમાં તમે કઈ મરી નથી જવાના. તમારી પાસે સમય છે
સાચી સફળતા એક સફર છે એ ખબર હોવા છતાં લોકો એકવાર નિષ્ફળ થયા પછી સફળતાની સંભાવના છોડી દેતા હોય છે. એની પાછળ એક મોટું કારણ એ છે કે તમે તમારા મગજમાં અમુક ચોક્કસ મર્યાદાઓ બાંધી લીધી છે. જેમ કે ફળાણી કોલેજમાં જવું, ચોક્કસ સમયમાં કોઈ કસબ શીખવું, અમુક ઉંમરે ક્યાંક પહોંચવું કે કઈક બનવું. તમારી યોજના પ્રમાણે તમે નક્કી કરેલી સમયમર્યાદામાં આ લક્ષ્યો પૂરા થઈ જવા જોઈએ જે તમારી જાતને એટલો વિશ્વાસ અપાવે કે તમે આ કરી શકો છો. અને જેવા તમે એમાંથી કોઈ એકપણ વસ્તુમાં નિષ્ફળ ગયા, પછી આખેઆખું સાહસ જ પડતું મૂકી દો છો.
વાસ્તવમાં, ઘણી મોટી શક્યતા છે કે તમે વારંવાર નિષ્ફળ થાઓ. તમારે એ સમયમર્યાદાને એટલે ગંભીરતાથી નથી લેવાની કારણકે એ તમારા મનમાંથી આવે છે, જે તમને જણાવે છે કે વસ્તુઓ કેવી રીતે થવી જોઈએ, નહીં કે વાસ્તવિક્તા, જે તમને દેખાડે છે કે વસ્તુઓ ખરેખર કેવી રીતે થાય છે.
જ્યારે કોઈ યોજના નિષ્ફળ થાય છે, ત્યારે તમે જે પણ નકારાત્મક નિષ્કર્ષ પર આવો છો એ પણ તમારા મનમાંથી જ આવતું હોય છે. તમારે એ સમજવાની જરૂર છે કે આ નિષ્ફળતાઓ તમારી સફરની રાહ બદલશે, દિશા નહીં. દાખલા તરીકે, તમારે કોઈ ડિગ્રી મેળવવી છે, પરંતુ તમારું એડમિશન તમને જે પ્રતિષ્ઠિત યુનિવર્સિટીમાં જોઈતું હતું ત્યાં ન થયું. તો શું થયું. તમારું ધ્યાન શીખવા પર હોવું જોઈએ. જ્યાં સુધી તમે જીવિત અને કાર્યરત છો ત્યાં સુધી બધા જ મહાન લોકોની વચ્ચેથી તમારી ટોચ પર આવવાની તકનું અસ્તિત્વ છે. કુશળતા પ્રાપ્ત કરવાનો બધો આધાર માત્ર તમારા સમર્પણ ઉપર જ છે. તમે એકવાર નક્કી કરી લીધું પછી તમને કોઈ રોકી નહીં શકે. નિષ્ફળ જવામાં ફક્ત એક જ નુકસાન છે કે તમારો રસ્તો લાંબો થશે, પણ આવનારા પાંચ વર્ષોમાં તમે કઈ મરી નથી જવાના. તમારી પાસે સમય છે, તેથી તમે ગમે ત્યાં હોવ તમારું ધ્યાન નિપુણતા પ્રાપ્ત કરવા પર કેન્દ્રિત કરો.
સફળ આવી રીતે થવાય છે. તમે કઈ કોલેજમાં ગયા કે 15 વર્ષે તમને કઈ ટ્રોફી મળી એ મહત્વનુ નથી, મહત્વનુ છે તમે અત્યારે ક્યાં છો, તમારી ક્ષમતાઓ શું છે, અને જ્યારે તમને તક મળે ત્યારે તમે શું કરી શકો છો. તેથી વિશ્વાસ રાખો આ એક એવી સફર છે જેમાં ઘણીબધી નિષ્ફળતાઓ મળવાની છે, એમાં કઈ ખોટું નથી. અંતે, તમારે જીતવા માટે એટલા શ્રેષ્ઠ બનવાનું છે કે કોઈ તમને અવગણી જ ન શકે.
નિષ્ફળતાઓ જ તમને જંગ જીતતા શીખવાડે છે
એકવાર તમે ‘નિષ્ફળતા નોર્મલ છે’ એ પાયાના સિદ્ધાંતનો સ્વીકાર કરી લો છો પછી જ્યારે પણ તમે નિષ્ફળ થાવ છો ત્યારે તમારું ધ્યાન દુ:ખી થવા કરતાં તપાસ હાથ ધરવા પર વધુ હોય છે. સૌથી પહેલા તો તમે નિષ્ફળતાની માલિકી લો છો. એ તદ્દન જુદી બાબત છે નિષ્ફળતાથી ઘાયલ થઈને વર્તવા કરતાં. બંનેમાં દ્રષ્ટિકોણ અલગ છે. એક તમને જવાબદાર બનાવે છે, જ્યારે બીજો પીડિત. એકવાર તમે નિષ્ફળતાની જવાબદારી પોતે લો છો, પછી એ નિષ્ફળતાની પહેલાની બધી જ બાબતો ચકાસણી હેઠળ આવી જાય છે, એ બધા જ લોકો, સંબંધો અને વૃત્તિઓ જે દોષ લઈ શક્યા હોત.
પછી મૂલ્યાંકન શરૂ થાય છે. મૂલ્યાંકનને આધારે તમારી ક્ષમતાઓ, આદતો, સંબંધો અને તમારા જીવનમાં રહેલા લોકો વિશે તારણો નીકળે છે. દાખલા તરીકે, કોઈ સ્પર્ધા માટે તમારો અભિગમ કેવો હતો – ગંભીર કે આળસુ? શું તમે કોઈ યોજના બનાવેલી? કે પછી બાકી દિવસો ગણીને પોતાને એવું મનાવતા રહ્યા કે પરિસ્થિતી કાબુમાં છે? દિવસના કેટલા કલાક તમે એની પાછળ ફાળવ્યા?
જે પણ તારણો નીકળ્યા હોય, તમારે જીવનમાં એનો સમાવેશ કરીને બદલાવ લાવવો પડશે. તમારે ભૂલો સ્વીકારીને તાત્કાલિક અભિગમ અને માનસિકતા બદલવી પડશે, જેથી ભવિષ્યમાં આવનારી નિષ્ફળતાને રોકી શકાય. અને તેથી જ નિષ્ફળતા જરૂરી છે – એ તમને એ બધુ જ શીખવાડે છે જે જંગ જીતવા માટે જરૂરી છે.
1 ટિપ્પણીઓ
વાહ ભાઈ વાહ
જવાબ આપોકાઢી નાખો