Atomic Habits Book Summary in Gujarati
બ્રિટિશ સાઈકલિંગનું નસીબ 2003માં એક દિવસ બદલાઈ ગયું. ગ્રેટ બ્રિટનમાં પ્રોફેશનલ સાઈકલિંગનું સંચાલન કરનારી સંસ્થાએ હાલમાં જ નવા પર્ફોર્મન્સ ડાયરેક્ટર ડેવ બ્રેઇલ્સફોર્ડની નિમણૂક કરી હતી. આ એ સમય હતો, જ્યારે બ્રિટનના પ્રોફેશનલ સાયકલ સવારો ખૂબ જ કપરા સમયમાંથી પસાર થઈ રહ્યા હતા. બ્રિટિશ સાયકલ સવારોએ 1908 થી લઈને અત્યાર સુધીમાં ઓલિમ્પિકમાં ફક્ત એક જ ગોલ્ડ મેડલ જીત્યો હતો, અને સાઈકલિંગની સૌથી મોટી રેસ ‘ટૂર દ ફ્રાન્સ’માં તો એનાથી પણ ખરાબ દેખાવ કર્યો હતો. 110 વર્ષમાં કોઈપણ બ્રિટિશ સાઇકલ સવારે આ સ્પર્ધા જીતી નહોતી.
હકિકતમાં, બ્રિટિશ સાઇકલ સવારોનો દેખાવ એટલો બધો નિરાશાજનક હતો કે યુરોપની ટોચની સાઇકલ બનાવનારી કંપનીઓમાની એકે તો ટીમને પોતાની સાઈકલો આપવાની જ ના પાડી દીધી કારણકે એમને ડર હતો કે બીજા પ્રોફેશનલ્સ જોશે કે બ્રિટિશરો એમની સાઇકલ વાપરી રહ્યા છે, તો એમનું વેચાણ ઘટી જશે.
બ્રેઇલ્સફોર્ડની નિમણૂક બ્રિટિશ સાઈકલિંગને એક નવા માર્ગે લઈ જવા માટે કરવામાં આવી હતી. એમની એક વ્યૂહરચના ‘નાના – નાના લાભોનું એકત્રીકરણ’ એમને બીજા કોચોથી અલગ પાડતી હતી. એનો મતલબ તમે જે કઈપણ કરો એમાં મામૂલી સુધારો શોધતા રહો. બ્રેઇલ્સફોર્ડ કહેતાં “સાઈકલિંગને લગતી જેટલી પણ બાબતો છે એ બધાનું નાના – નાના ભાગોમાં વિભાજન કરીને એ બધી જ બાબતોમાં 1 ટકાનો સુધારો કરીને જ્યારે એને જોડશો તો તમને નોંધપાત્ર સુધારો જોવા મળશે.”
બ્રેઇલ્સફોર્ડ અને એમના કોચોએ નાના – નાના ફેરફારોથી શરૂઆત કરી. એમણે સાઈકલની સીટોને રીડિઝાઇન કરી જેથી એ વધુ આરામદાયક બને. સારી પકડ માટે ટાયરો પર આલ્કોહોલ ઘસ્યું. એમણે સવારોને ઇલેક્ટ્રિકલી હીટેડ પેન્ટ પહેરવાનું કહ્યું જેથી સવારી કરતી વખતે સ્નાયુઓનું આદર્શ તાપમાન જળવાઈ રહે અને બાયોફિડબેક સેન્સરની મદદથી જોયું કે પ્રત્યેક ખેલાડી અમુક ખાસ કસરતો પ્રત્યે કેવી પ્રતિક્રિયા આપે છે. જુદાં જુદાં કપડાઓનું વિન્ડ ટનલમાં પરીક્ષણ કર્યું અને આઉટડોરમાં સાઇકલ ચલાવવા માટે ઈનડોર સૂટનો પ્રયોગ કર્યો જે વધારે હલકા અને એરોડાયનેમિક સાબિત થયા.
પરંતુ તેઓ આટલેથી ન અટક્યા. બ્રેઇલ્સફોર્ડ અને તેની ટીમે અનઅપેક્ષિત અને અવગણાયેલા ક્ષેત્રોમાં પણ 1 ટકાનો સુધારો શોધવાનું ચાલુ રાખ્યું. એમણે જુદાં જુદાં પ્રકારના મસાજ જેલનો પ્રયોગ કરીને જોયું કે કયા જેલથી સ્નાયુઓમાં સૌથી ઝડપી રિકવરી આવે છે. એમણે ખેલાડીઓને હાથ ધોવાની સૌથી શ્રેષ્ઠ રીત શીખવાડવા માટે એક ડૉક્ટર રાખ્યા જેથી તેઓ બીમાર ન પડે. એમણે દરેક ખેલાડીને રાતે શ્રેષ્ઠ ઊંઘ મળે એ માટે ગાદલાં અને ઓશિકાનો પ્રકાર પણ નિર્ધારિત કર્યો. એમણે સાઇકલ લઈ જતી ટ્રકને સફેદ રંગે રંગાવી, જેથી ધૂળની નાનામાં નાની રજકણો જોવાઈ જાય જેની પર સામાન્ય રીતે કોઈનું ધ્યાન જતું નહોતું પરંતુ તેના લીધે સરસ રીતે તૈયાર કરેલી સાઈકલોની કામગીરીમાં ફરક પડતો હતો.
આ અને આવા સેંકડો નાના – નાના સુધારા એકઠા થયા, તો પરિણામ કલ્પના કરતાં ખૂબ ઝડપથી મળ્યું.
જો તમે આજે પૈસા બચાવશો તો કાલે અમીર નથી થઈ જવાના. જો તમે સળંગ ત્રણ દિવસ જિમ જશો તો પણ તમે બેડોળ જ રહેશો. જો તમે આજે રાત્રે એક કલાક અંગ્રેજીનો અભ્યાસ કરશો તો આવતીકાલથી તમને સડસડાટ અંગ્રેજી આવડી નથી જવાનું.
બ્રેઇલ્સફોર્ડના પદ સંભાળ્યાના માત્ર પાંચ વર્ષ પછી જ બ્રિટિશ સાઈકલિંગ ટીમે બીજિંગ ઓલિમ્પિકમાં 60 ટકા ગોલ્ડ મેડલ જીત્યા. ચાર વર્ષ પછી જ્યારે લંડનમાં ઓલિમ્પિકનું આયોજન થયું, ત્યારે બ્રિટિશ સાઈકલિંગ ટીમે 9 ઓલિમ્પિક રેકોર્ડ્સ અને 7 વર્લ્ડ રેકોર્ડ્સ સ્થાપ્યા.
તે જ વર્ષે, બ્રેડલી વિગિન્સ, 'ટૂર દ ફ્રાન્સ' જીતનાર પ્રથમ બ્રિટીશ સાયક્લિસ્ટ બન્યો. પછીના વર્ષે તેનો સાથી ક્રિસ ફ્રોમ આ રેસ જીત્યો, અને 2015, 2016 અને 2017માં પણ એ જ જીત્યો. 6 વર્ષમાં પાંચ વખત બ્રિટિશ ટીમ 'ટૂર દ ફ્રાન્સ' જીતી.
2007 થી 2017 દરમ્યાન દસ વર્ષના ગાળામાં, બ્રિટિશ સાઇકલ સવારો 178 વર્લ્ડ ચેમ્પિયનશીપ અને 66 ઓલિમ્પિક અથવા પેરાલિમ્પિક ગોલ્ડ મેડલ જીતી ચૂક્યા હતા, સાથે જ 5 વખત 'ટૂર દ ફ્રાન્સ' જીતી જે સાઈકલિંગના ઈતિહાસમાં સૌથી સફળ દોડ ગણવામાં આવે છે.
આ કેવી રીતે થાય છે? કેવી રીતે સાવ સામાન્ય ખેલાડીઓ નાના – નાના ફેરફારોને લીધે વર્લ્ડ ચેમ્પિયનમાં પરિવર્તિત થાય છે? જે પહેલી નજરે એક સાધારણ તફાવત લાગે છે. શા માટે નાના સુધારાઓ આવા નોંધપાત્ર પરિણામોમાં એકત્રિત થાય છે અને તમે તમારા પોતાના જીવનમાં આ અભિગમને કેવી રીતે અમલમાં લાવી શકો છો?
શું કામ નાની આદતોથી મોટો ફરક પડે છે
રોજિંદા જીવનમાં કોઈ એક નિર્ણાયક ક્ષણના મહત્વનુ વધુ પડતું મૂલ્યાંકન કરવું અને નાના – નાના સુધારાઓનુ મહત્વ ઓછું આંકવું ખૂબ જ સહેલું છે. ઘણીવાર, આપણે એવું માનીએ છીએ કે જબ્બર સફળતા મેળવવા માટે મોટા પ્રયાસોની જરૂર છે. ભલે ને પછી એ વજન ઘટાડવાનું હોય, ધંધો જમાવવો હોય, પુસ્તક લખવાનું હોય, ચેમ્પિયનશીપ જીતવાની હોય અથવા બીજું કોઈ લક્ષ્ય હાંસલ કરવાનું હોય, આપણે આપણી જાત ઉપર એટલું બધુ દબાણ નાખીએ છે કે જેથી કોઈ એવો બદલાવ આવે જેના વિશે બધા ચર્ચા કરતાં થઈ જાય.
તે દરમ્યાન, એક ટકાના સુધારાનું એટલું મહત્વ નથી રહેતું – કેટલીકવાર તો તે નોંધનીય પણ નથી હોતું, પરંતુ લાંબાગાળે તે અર્થપૂર્ણ હોઈ શકે છે. નાના સુધારાને લીધે સમય સાથે જે તફાવત પેદા થાય છે તે આશ્ચર્યજનક હોય છે. જો દરરોજ તમે એક ટકાનો પણ સુધારો લાવો છો તો વર્ષને અંતે તમે 37 ગણા વધારે સારા બની શકો છો. એનાથી ઊલટું, જો દરરોજ તમે એક ટકો બગડતા જાઓ છો તો વર્ષને અંતે તમે ઝીરોની નજીક પહોંચી જશો. ભલેને શરૂઆત નાની હાર કે નાની જીતથી થઈ હોય એ ભેગું થઈને મોટું સ્વરૂપ ધારણ કરી લે છે.
આ વિચારની રોજિંદા જીવનમાં કદર કરવી અઘરું છે. આપણે ઘણીવાર નાના ફેરફારોને એટલે નકારી કાઢીએ છીએ કારણકે તે ક્ષણે એ એટલા નોંધપાત્ર નથી લાગતાં. જો તમે આજે પૈસા બચાવશો તો કાલે અમીર નથી થઈ જવાના. જો તમે સળંગ ત્રણ દિવસ જિમ જશો તો પણ તમે બેડોળ જ રહેશો. જો તમે આજે રાત્રે એક કલાક અંગ્રેજીનો અભ્યાસ કરશો તો આવતીકાલથી તમને સડસડાટ અંગ્રેજી આવડી નથી જવાનું. આપણે થોડાઘણા ફેરફાર કરીએ છીએ, પરંતુ પરિણામો તરત ન મળવાને કારણે આપણે ફરી પાછા જૂના રૂટિન તરફ વળી જઈએ છે.
દુર્ભાગ્યે, બદલાવની ધીમી ગતિને કારણે આપણે ખરાબ આદતો તરફ આસાનીથી વળી જતાં હોઈએ છે. જો તમે આજે જંક ફૂડ ખાશો તો તમે આવતીકાલે જાડા નહીં થઈ જાઓ. જો તમે આજે રાત્રે પરિવારને અવગણીને મોડે સુધી કામ કરશો તો એ લોકો તમને માફ કરી દેશે. જો તમે આજે વિલંબ કરીને આવતીકાલ સુધી તમારું કામ મુલતવી રાખશો તો તમારી પાસે સામાન્ય રીતે પછીથી તેને સમાપ્ત કરવાનો સમય હશે. એક નિર્ણય બરતરફ કરવું સરળ છે.
પરંતુ જ્યારે આપણે દરરોજ ખોટા નિર્ણયો લઈને એક ટકા ભૂલનું પુનરાવર્તન કરતાં રહીએ છે, સાથે જ બહાનાઓને યોગ્ય ઠેરવતા રહીએ છે, તો અંતે આપણી આ જ પસંદગીઓ ભેગી થઈને ખરાબ પરિણામો આપી શકે છે.
એવું કહેવાય છે કે, અત્યારે તમે કેટલા સફળ કે નિષ્ફળ છો એ મહત્વનુ નથી. મહત્વનુ એ છે કે તમારી આદતો તમને સફળતાના માર્ગે લઈ જાય છે કે નહીં. તમારે તમારા હાલના પરિણામોની સરખામણીએ તમારા હાલના માર્ગની વધારે ચિંતા કરવી જોઈએ. જો તમે કરોડપતિ છો પરંતુ દર મહિને તમારી કમાણી કરતાં વધારે ખર્ચો કરો છો તો તમે ખોટા રસ્તે છો. એનાથી ઊલટું, જો તમે નાદાર છો પરંતુ દર મહિને થોડીઘણી બચત કરો છો તો તમે નાણાકીય સ્વતંત્રતા (financial freedom)ના રસ્તે છો – ભલે તમે ધાર્યા કરતાં ધીમી ગતિએ આગળ વધતાં હોવ.
આદતો બેધારી તલવાર જેવી છે. જેવી રીતે સારી આદતો તમને વધારે બહેતર બનાવી શકે છે એવી જ રીતે ખરાબ આદતો તમને ખતમ પણ કરી શકે છે, તેથી જ એની વિગતો સમજવી જરૂરી છે. તમારે જાણવું જરૂરી છે કે આદતો કેવી રીતે કામ કરે છે અને કેવી રીતે તમારી પસંદગી અનુસાર એને ઢાળી શકો છો. જેથી તમે આ બેધારી તલવારની બીજી ધારથી બચી શકો.
0 ટિપ્પણીઓ