Atomic Habits Book Summary in Gujarati
ગંભીર પ્રયાસો અને ક્યારેક ક્યારેક ઉઠતાં પ્રેરણાના ઉભરા છતાં સારી આદતો અમુક દિવસોથી વધારે સમય જાળવી રાખવી કઠિન લાગે છે. જ્યારે નેક ઈરાદા હોવા છતાં જંક ફૂડ ખાવું, ટીવી જોયા કરવું, કામને ટાળ્યા કરવું અને ધૂમ્રપાન જેવી ખરાબ આદતો છોડવી અશક્ય લાગે છે.
આદતો બદલવી બે કારણોસર પડકારજનક હોય છે: પહેલું આપણે ખોટી વસ્તુ બદલવાનો પ્રયાસ કરીએ છીએ અને બીજું આપણે ખોટી રીતે એને બદલવાનો પ્રયાસ કરીએ છીએ. આજે પહેલા કારણ વિશે ચર્ચા કરીશું. બીજા કારણ વિશે આવનારા દિવસોમાં ચર્ચા કરીશું.
વર્તન ત્રણ સ્તરે બદલાતું હોય છે.
પહેલું સ્તર તમારા પરિણામો બદલવા સાથે સંબંધિત છે. જેમ કે, વજન ઘટાડવું, પુસ્તક પ્રકાશિત કરવું, ચેમ્પિયનશીપ જીતવી. તમે નક્કી કરેલા મોટાભાગના લક્ષ્યો આ સ્તરના પરિવર્તન સાથે સંકળાયેલા હોય છે.
બીજું સ્તર તમારી આદતો અને પદ્ધતિ બદલવા સાથે સંબંધિત છે. જિમમાં નવું રૂટિન અમલમાં લાવવું, સારી રીતે કામ કરવા માટે ટેબલ સાફ કરવું, ધ્યાન ધરવાનો અભ્યાસ કરવો. મોટાભાગની આદતો જે તમે બનાવો છો એ આ સ્તર સાથે સંકળાયેલી હોય છે.
ત્રીજું અને સૌથી ગહન સ્તર તમારી માન્યતાઓ બદલવા સાથે સંબંધિત છે. દુનિયા પ્રત્યેનો તમારો દ્રષ્ટિકોણ, તમારી સેલ્ફ ઇમેજ, પોતાની જાત અને બીજા લોકો પ્રત્યેના તમારા ચુકાદાઓ. તમારી મોટાભાગની માન્યતાઓ, ધારણાઓ, પૂર્વગ્રહો આ સ્તર સાથે સંકળાયેલા હોય છે.
મોટાભાગના લોકો તેઓ શું મેળવવા માંગે છે તેના ઉપર ધ્યાન કેન્દ્રિત કરીને આદત બદલવાની પ્રક્રિયા શરૂ કરતાં હોય છે. જે આપણને પરિણામ આધારિત આદતો તરફ દોરી જાય છે. એનો વિકલ્પ વ્યક્તિત્વ આધારિત આદતો બનાવવાનો છે. આ અભિગમથી આપણે શું બનવા માંગીએ છીએ તેના ઉપર ધ્યાન કેન્દ્રિત કરીને શરૂઆત કરીએ છીએ.
ધારો કે બે વ્યક્તિ સિગારેટ છોડવા માંગે છે. જ્યારે એમની સામે સિગારેટ મૂકવામાં આવે છે ત્યારે પહેલી વ્યક્તિ કહે છે : “આભાર, પણ હું સિગારેટ છોડવાનો પ્રયત્ન કરી રહ્યો છું.” સાંભળવામાં સારું લાગે છે પરંતુ એ વ્યક્તિ હજી પણ પોતાને સ્મોકર ગણે છે જે બીજું કઈ બનવાનો પ્રયત્ન કરી રહ્યો છે. તેઓ એવી આશા રાખે છે કે એ જ જૂની માન્યતાઓને સાથે લઈને ચાલવાથી એમનું વર્તન બદલાઈ જશે.
જ્યારે બીજો વ્યક્તિ કહે છે : “આભાર, પણ હું સિગારેટ પીતો નથી.” બહુ જ મામૂલી ફરક છે પરંતુ આ વાક્ય વ્યક્તિત્વમાં ફેરફારનો સંકેત આપે છે. એ પહેલા ક્યારેક સિગારેટ પીતો હતો હવે નથી પીતો. એ હવે પોતાને સ્મોકર નથી ગણતો.
મોટાભાગના લોકો જ્યારે સુધરવાની શરૂઆત કરે છે ત્યારે વ્યક્તિત્વ પરિવર્તન વિશે વિચાર સુદ્ધાં નથી કરતાં. તેઓ વિચારે છે “મારે પાતળા થવું છે (પરિણામ) અને જો હું આ ડાયેટને વળગી રહીશ તો હું પાતળો થઈ જઈશ (પ્રક્રિયા).” તેઓ લક્ષ્ય નક્કી કરે છે અને લક્ષ્ય હાંસલ કરવા માટે નિર્ધારિત પગલાં ભરે છે. તેઓ એ માન્યતાઓને ધ્યાને લેતા જ નથી જે તેમના કાર્યને આગળ ધપાવે છે. તેઓ પોતાની જાત પ્રત્યેનો દ્રષ્ટિકોણ બદલતા નથી અને એ સમજતા જ નથી કે કેવી રીતે એમનું જૂનું વ્યક્તિત્વ પરિવર્તન માટેની તેમની નવી યોજનાઓને ખંડિત કરી નાખશે.
જાત સાથે અસંગત હશે એવું વર્તન લાંબુ નહીં ટકે. તમને વધારે પૈસા જોઈએ છે, પરંતુ જો તમારું વ્યક્તિત્વ એવા લોકોમાંથી છે જે કમાવા કરતાં ખર્ચ વધુ કરે છે, તો તમે હંમેશા બચત કરવાને બદલે ખર્ચ કરવામાં જ વ્યસ્ત રહેશો. તમે સારું સ્વાસ્થ્ય ઈચ્છો છો, પરંતુ જો તમે આરામને જ પ્રાથમિકતા આપતા રહેશો, તો તમે કસરત કરવાને બદલે આરામ જ કરતાં રહેશો. જો તમારી ભૂતકાળની વર્તણૂક તરફ દોરી જતી માન્યતાઓને નહીં બદલો તો તમારી ટેવો બદલવી મુશ્કેલ છે. તમારી પાસે નવું લક્ષ્ય અને નવી યોજના છે પરંતુ તમે કોણ છો એ તો બદલ્યું જ નહીં.
જેટલું તમે તમારા વ્યક્તિત્વના કોઈ પાસા વિશે ગર્વ અનુભવશો એટલા જ તમે એની સાથે જોડાયેલી આદતોને ટકાવી રાખવા માટે પ્રેરિત થશો. જો તમે તમારા વાળ પ્રત્યે ગર્વ અનુભવશો તો તમે એની કાળજી લેવા માટેની બધી જ આદતો વિકસાવશો. જો તમે તમારા ગૂંથેલા સ્કાર્ફ વિશે ગર્વ અનુભવશો તો તમે દર અઠવાડિયે વધુ ને વધુ સમય ગૂંથવામાં પસાર કરશો. એકવાર આદત સાથે સ્વમાન જોડાઈ ગયું તો પછી તમે ગમે તેમ કરીને એને ટકાવી રાખશો.
સાચું વર્તન પરિવર્તન એ વ્યક્તિત્વ પરિવર્તન છે. તમે પ્રેરણાને લીધે કઈ નવું શરૂ કરી દેશો પરંતુ એને ટકાવી રાખવા માટે એ તમારા વ્યક્તિત્વનો ભાગ બને એ જરૂરી છે. એક કે બે વાર જિમ જવા કે આરોગ્યવર્ધક ભોજન લેવા કોઈપણ પોતાને મનાવી શકે, પરંતુ જો તમે એ વર્તન પાછળની માન્યતાને નહીં બદલો તો પછી લાંબા ગાળાના ફેરફારો સાથે વળગી રહેવું મુશ્કેલ છે. જ્યાં સુધી તમે કોણ છો તેનો ભાગ ન બને ત્યાં સુધી સુધારાઓ અસ્થાયી છે.
ધ્યેય કોઈ પુસ્તક વાંચવાનું નથી, ધ્યેય એક વાચક બનવાનું છે. ધ્યેય મેરેથોન દોડવાનું નથી, ધ્યેય દોડવીર બનવાનું છે. ધ્યેય કોઈ સાધન શીખવાનું નથી, ધ્યેય એક સંગીતકાર બનવાનું છે.
તમારી વર્તણૂકો સામાન્ય રીતે તમારા વ્યક્તિત્વનું પ્રતિબિંબ હોય છે. તમે જે કરો છો એ સંકેત છે કે તમે પોતાને કેવા પ્રકારના વ્યક્તિ માનો છો – સભાનપણે કે અભાનપણે. રિસર્ચ દર્શાવે છે કે એકવાર કોઈ વ્યક્તિ તેના વ્યક્તિત્વના કોઈ ખાસ પાસા પર વિશ્વાસ કરે છે, તો એવી શક્યતા છે કે તેઓ એ માન્યતાને આધારે જ વર્તન કરશે.
આદત નિર્માણના બીજા પાસાંઓની જેમ આ પણ બેધારી તલવાર છે. જ્યારે એ તમારા પક્ષમાં કામ કરે છે ત્યારે વ્યક્તિત્વ પરિવર્તન સેલ્ફ ઈમ્પ્રુવમેન્ટ માટે ખૂબ જ શક્તિશાળી બળ છે. જ્યારે એ તમારી વિરુદ્ધ કામ કરે છે ત્યારે વ્યક્તિત્વ પરિવર્તન તમારી માટે શ્રાપ બની શકે છે. કેટલાય લોકો એમના વ્યક્તિત્વ સાથે જોડાયેલા માપદંડોનું આંધળું અનુકરણ કર્યા કરે છે.
“હું દિશાઓ બાબતે ભયંકર ખરાબ છું.”
“હું સવારે વહેલો ઉઠી શકતો નથી.”
“હું લોકોના નામ યાદ રાખી શકતો નથી.”
“હું કાયમ મોડો પહોચું છું”
“ટેક્નોલોજીના મામલે હું સારો નથી.”
“ગણિતથી મને બહુ દર લાગે છે.”
... અને બીજા હજાર જાતના માપદંડો.
જ્યારે તમે વર્ષો સુધી પોતાની જાતને એકની એક વાર્તા સંભળાવ્યા કરો છો, તો પછી એ માનસિક માળખામાં સરી પડવું અને એને જ હકીકત માની લેવું સરળ છે. થોડા સમય પછી તમે અમુક કાર્યો કરવાની ના પાડી દો છો કારણકે તમે એવું વિચારો છો કે “હું આ કરી જ નથી શકતો.” તમારી સેલ્ફ ઈમેજને જાળવી રાખવા અને તમારી માન્યતાઓ સાથે સુસંગત હોય એવી રીતે વર્તવા માટે તમારી અંદરથી દબાણ ઊભું થાય છે. તમે ગમે તે રીતે તમારી જાત સાથે વિરોધાભાસ ટાળવાનો પ્રયત્ન કરો છો.
તેનાથી એક મહત્વપૂર્ણ સવાલ ઊભો થાય છે: જો તમારી માન્યતાઓ અને દ્રષ્ટિકોણ તમારા વર્તનમાં આટલો બધો મહત્વનો ભાગ ભજવતા હોય, તો સૌથી પહેલા એ આવે છે ક્યાંથી? તમારું વ્યક્તિત્વ ખરેખર કેવી રીતે ઘડાય છે? અને તમે કેવી રીતે તમારા વ્યક્તિત્વના નવા પાસાંઓ પર ભાર મૂકી શકો છો જે તમને મદદ કરે અને તમને અવરોધતા પાસાંઓને ધીમે ધીમે ભૂંસી શકો?
0 ટિપ્પણીઓ