ખરેખર પ્રગતિ કેવી હોય છે
તમે વિચારો છો કે “હું છેલ્લા એક મહિનાથી દોડું છું, તો શું કામ મારા શરીરમાં કોઈ ફરક દેખાતો નથી?”
ધારો કે તમારી સામે ટેબલ પર બરફનો એક ટુકડો પડ્યો છે. રૂમમાં એટલી ઠંડક છે કે તમે તમારો શ્વાસ જોઈ શકો છો. એ તાપમાન 25 ડિગ્રી છે. ધીમે ધીમે તાપમાન વધતું જાય છે.
26°
27°
28°
બરફનો ટુકડો હજી પણ એમનો એમ જ પડ્યો છે.
29°
30°
31°
હજી પણ કઈ જ ફરક નથી પડ્યો.
પછી 32 ડિગ્રી અને બરફ પીગળવા લાગે છે. આની પહેલા એક–એક ડિગ્રી વધવાથી કઈ ખાસ ફરક ન પડ્યો, પરંતુ આ એક ડિગ્રીએ બહુ મોટો ફરક પાડી દીધો.
સફળતાની પળો ઘણીવાર અગાઉ કરેલા કામોનું જ પરિણામ હોય છે, જે મોટા પરિવર્તન માટે જરૂરી શક્યતાઓને તૈયાર કરે છે. આવું તમને દરેક જગ્યાએ જોવા મળશે. કેન્સર પોતાનો 80 ટકા સમય પકડાયા વગર જ વિતાવે છે, પછી મહિનાઓની અંદર જ આખા શરીર પર કબ્જો જમાવી લે છે. વાંસ પહેલા પાંચ વર્ષોમાં ભાગ્યે જ વધતું જોવા મળે છે કારણકે એ જમીનમાં પોતાના મૂળિયાં મજબૂત કરતું હોય છે અને પછી 6 જ અઠવાડિયાની અંદર એ નેવું ફૂટ સુધી વધી જતું હોય છે. એવી જ રીતે, ઘણીવાર આદતોથી કોઈ જ ફરક નથી દેખાતો જ્યાં સુધી તમે એક પ્રારંભિક સીમા ઓળંગીને નવા પ્રભાવી સ્તર સુધી નથી પહોંચી જતાં. કોઈપણ કામની શરૂઆત અને મધ્યમાં ઘણીવાર નિરાશા જ સાંપડતી હોય છે. તમે સીધી લીટીમાં પ્રગતિની આશા રાખો છો પરંતુ જ્યારે દિવસો અને મહિનાઓ સુધી કોઈ જ ફરક નથી દેખાતો તો તમે હતાશ થઈ જાઓ છો. એવું લાગતું જ નથી કે તમે ક્યાંય જતાં હોવ. એ કોઈપણ કમ્પાઉન્ડિંગ પ્રક્રિયાની ખાસિયત છે: સૌથી શક્તિશાળી પરિણામોમાં વિલંબ થાય છે.
લોકો થોડાઘણા નાના ફેરફારો કરે છે, અને નક્કર પરિણામ ન મળતા રોકાઈ જાય છે. તમે વિચારો છો કે “હું છેલ્લા એક મહિનાથી દોડું છું, તો શું કામ મારા શરીરમાં કોઈ ફરક દેખાતો નથી?” એકવાર જ્યારે આવા વિચારો હાવી થઈ જાય તો પછી સારી આદતોને પડતી મૂકવી આસાન છે. પરંતુ અર્થપૂર્ણ પરિવર્તન માટે, આદતો દ્રઢતાપૂર્વક ચાલુ રાખવી જરૂરી છે જ્યાં સુધી તમે ગર્ભિત શક્યતાઓનો પહાડ (Plateau of Latent Potential) પાર ન કરી લો.
જો તમે સારી આદતો બનાવવા માટે કે ખરાબ આદતો છોડવા માટે સંઘર્ષ કરી રહ્યા છો તો એનો મતલબ એવો નથી કે તમે તમારી સુધરવાની ક્ષમતા ખોઈ ચૂક્યા છો. એવું થાય છે કારણકે ઘણીવાર તમે ગર્ભિત શક્યતાઓનો પહાડ પાર નથી કર્યો હોતો. કઠોર પરિશ્રમ કર્યા પછી પણ સફળતા ન મળવાની ફરિયાદ કરવી એ તાપમાનને 25 થી 31 ડિગ્રી સુધી લઈ ગયા પછી પણ બરફ પીગળતો ન હોવાની ફરિયાદ કરવા જેવુ છે. તમારું કરેલું વ્યર્થ નથી જતું. એ ભેગું થાય છે. જે કઈ થવાનું છે એ 32 ડિગ્રી પર થશે.
અંતે જ્યારે તમે ગર્ભિત શક્યતાઓનો પહાડ પાર કરો છો, તો લોકો એને રાતોરાત મળેલી સફળતા ગણવા લાગે છે. દુનિયા તમારા પરિશ્રમને બદલે ફક્ત આ નાટકીય ઘટના જ જુએ છે. પરંતુ તમે જાણો છો કે આ તમારી અગાઉ કરેલી મહેનત જ છે જેના લીધે આજે આટલી લાંબી છલાંગ શક્ય બની – જ્યારે એવું લાગતું હતું કે તમે કોઈ જ પ્રગતિ નથી કરી રહ્યા.
લક્ષ્યો પર નહીં સિસ્ટમ પર ધ્યાન આપો
સિસ્ટમ અને લક્ષ્યની વચ્ચે શું તફાવત છે? લક્ષ્ય એ ફળ છે જે તમે હાંસલ કરવા માંગો છો. સિસ્ટમ એ પદ્ધતિ છે જે તમને એ ફળ સુધી લઈ જશે.
દાખલા તરીકે, જો તમે એક કોચ છો તો તમારું લક્ષ્ય ચેમ્પિયનશીપ જીતવાનું હોય છે. સિસ્ટમ એ પદ્ધતિ છે જેના આધારે તમે ખેલાડીઓની ભરતી કરો છો, તમારા સહાયક કોચનું સંચાલન કરો છો અને પ્રેક્ટિસ કરાવો છો.
હવે એક રસપ્રદ સવાલ : જો તમે સંપૂર્ણરીતે લક્ષ્યોને અવગણીને માત્ર સિસ્ટમ પર ધ્યાન આપો તો શું તમે સફળ થઈ શકો? દાખલા તરીકે, તમે એક બાસ્કેટબોલ કોચ છો અને તમે તમારા ચેમ્પિયનશીપ જીતવાના લક્ષ્યને અવગણીને ફક્ત દરરોજ તમારી ટીમ કેવી રીતે પ્રેક્ટિસ કરે છે એના પર જ ધ્યાન આપો છો, શું તમને પરિણામ મળશે?
હા મળશે.
એનો શું મતલબ છે? લક્ષ્યોનો કોઈ અર્થ જ નથી? બિલકુલ નહીં. લક્ષ્યોથી દિશા નક્કી થાય છે પરંતુ આગળ વધવા માટે સિસ્ટમ શ્રેષ્ઠ છે. જ્યારે તમે લાંબા સમય સુધી લક્ષ્યો વિશે વિચાર્યા કરો છો અને સિસ્ટમ પર ધ્યાન નથી આપતા ત્યારે મુઠ્ઠીભર સમસ્યાઓ ઊભી થાય છે.
પહેલી સમસ્યા: જીતનાર અને હારનાર બંનેના લક્ષ્યો સમાન હોય છે
આપણે એવું લાગે છે કે સામેવાળી વ્યક્તિ પોતાના મહત્વાકાંક્ષી લક્ષ્યને લીધે જીતી ગઈ અને એ વાત અવગણી નાખીએ છીએ કે હારનારાનું પણ લક્ષ્ય તો એ જ હતું તેમ છતાં એ જીતી ન શક્યો. દરેક ખેલાડી ગોલ્ડ મેડલ જીતવા માંગે છે. દરેક ઉમેદવાર નોકરી મેળવવા માંગે છે. જો સફળ અને નિષ્ફળ બંને વ્યક્તિઓનું લક્ષ્ય સરખું હોય છે, તો પછી લક્ષ્ય જીતનારાને હારનારાથી જુદા નથી પાડતું. સફળતા ત્યારે મળે છે જ્યારે તમે સતત નાના સુધારાઓની સિસ્ટમ અમલમાં લાવો છો.
બીજી સમસ્યા: લક્ષ્ય હાંસલ કરવાથી ક્ષણિક પરીવર્તન આવે છે
ધારો કે તમારો રૂમ ખૂબ જ ગંદો છે અને તમે એને સાફ કરવાનું નક્કી કરો છો. તમે તમારી બધી શક્તિ કામે લગાડીને સાફ કરી પણ નાખો છો. પરંતુ જો તમે તમારી એ આદતો નહીં બદલો જેના લીધે તમારો રૂમ ગંદો થયો હતો, તો થોડા દિવસમાં રૂમ ફરી હતો એવો થઈ જશે. આપણે એવું વિચારીએ છીએ કે આપણે પરિણામો બદલવાની જરૂર છે, પરંતુ સમસ્યા પરિણામો નથી. ખરેખર આપણે એ સિસ્ટમ બદલવી જોઈએ જેના લીધે પરિણામ મળે છે. તમારે સિસ્ટમ લેવલથી સમસ્યાઓ ઉકેલવી પડશે. ઈનપુટ બરાબર હશે તો આઉટપુટ એની જાતે જ બરાબર આવશે.
ત્રીજી સમસ્યા: લક્ષ્યો તમારી ખુશીઓને સીમિત કરી નાખે છે
કોઈપણ લક્ષ્યની પાછળ ગર્ભિત ધારણા એવી હોય છે કે: “એકવાર હું મારા લક્ષ્ય સુધી પહોંચી જાઉં તો પછી હું ખુશ થઈ જઈશ.” લક્ષ્ય આધારિત માનસિકતા રાખવાથી જ્યાં સુધી તમે પડાવ પાર કરી નથી લેતા ત્યાં સુધી તમે ખુશ નથી થઈ શકતા. એટલું જ નહીં, કાં તો તમે લક્ષ્ય હાંસલ કરીને સફળ થાઓ છો કાં પછી નિષ્ફળ થઈને હતાશ થઈ જાઓ છો. તમે વિચાર્યું હોય એ પ્રમાણે જ બધું થાય એવું જરૂરી નથી. જ્યારે તમે પરિણામ કરતાં પ્રક્રિયાના પ્રેમમાં પડો છો તો પછી ખુશ થવા માટે તમારે રાહ નથી જોવી પડતી. તમે ગમે ત્યારે ખુશ થઈ શકો છો કારણકે સિસ્ટમ કામ કરી રહી છે. અને એક સિસ્ટમ તમારી કલ્પના કરતાં પણ બીજી ઘણી રીતે સફળ થઈ શકે છે.
ચોથી સમસ્યા: લક્ષ્યો લાંબી પ્રગતિ માટે બાધારૂપ છે
ઘણા ખેલાડીઓ મહિનાઓ સુધી કઠોર પરિશ્રમ કરે છે પરંતુ જેવા એ લોકો જીતે છે, પછી ટ્રેનીંગ પડતી મૂકી દે છે. જ્યારે તમે તમારું બધું ધ્યાન કોઈ એક લક્ષ્યને હાંસલ કરવા પર કેન્દ્રિત કરી દો છો તો પછી તમારી પાસે બચે છે શું જ્યારે તમે એ લક્ષ્ય હાંસલ કરી લો છો. લક્ષ્ય નિર્ધારિત કરવાનો ઉદ્દેશ રમત જીતવાનો છે. સિસ્ટમ બનાવવાનો ઉદ્દેશ રમત રમતા રહેવાનો છે.
0 ટિપ્પણીઓ