Ad Code

Ticker

6/recent/ticker-posts

સારી આદતો બનાવવાના 4 આસાન પગથિયાં

Atomic Habits Book Summary in Gujarati

1898માં એડવર્ડ થોર્ન્ડાઇક (Edward Thorndike) નામના મનોવૈજ્ઞાનિકે એક પ્રયોગ કર્યો, જેણે આપણી આદતો કેવી રીતે ઘડાય છે અને આપણાં વર્તનનું માર્ગદર્શન કરનારા નિયમો વિશેની સમજનો પાયો નાખ્યો.

પઝલ બોક્સ નામના ડિવાઇસની અંદર એ દરેક બિલાડીને રાખતો. બોક્સની રચના એવી રીતે કરવામાં આવી હતી જેથી બિલાડી કેટલાક સરળ કાર્ય દ્વારા દરવાજામાંથી બહાર આવી શકે. જેમ કે, દોરીનો ગાળો ખેંચવો, લિવર દબાવવું અથવા પ્લેટફોર્મ ઉપર ચઢવું. મોટાભાગની બિલાડીઓ બોક્સમાં મૂકતાંની સાથે જ બહાર નીકળવા મથતી. થોડી મિનિટોના પ્રયાસ પછી બિલાડીઓ પેલા જાદુઇ લિવરને દબાવીને બહાર નીકળવામાં કામયાબ થતી. થોર્ન્ડાઇકે જોયું કે શરૂઆતમાં બિલાડીઓ આમતેમ ફર્યા કરતી. પરંતુ જેવુ લિવર દબાયું અને દરવાજો ખૂલ્યો એવી જ શીખવાની પ્રક્રિયા શરૂ થઈ. ધીરે ધીરે, દરેક બિલાડી લિવર દબાવવાની પ્રક્રિયાને બોક્સમાંથી બહાર નીકળવાના અને ખોરાક મેળવવાના પુરસ્કાર સાથે જોડવાનું શીખવા લાગી. વીસથી ત્રીસ ટ્રાયલ પછી, આ વર્તન એટલું ઓટોમેટિક અને સામાન્ય થઈ ગયું કે બિલાડીઓ ગણતરીની સેકંડોમાં જ બહાર આવવા લાગી.

આ અભ્યાસથી થોર્ન્ડાઇકે શીખવાની પ્રક્રિયાનું વર્ણન કરતાં જણાવ્યું કે “સંતોષકારક પરિણામો આપતી વર્તણૂકોનું પુનરાવર્તન થાય છે અને અસંતોષકારક પરિણામો આપતી વર્તણૂકોનું પુનરાવર્તન થવાની શક્યતા ઓછી છે.” એનો પ્રયોગ પરફેક્ટ શરૂઆત છે આપણાં જીવનમાં આદતો કેવી રીતે ઘડાય છે એની ચર્ચા કરવા માટે. એનાથી કેટલાક પાયાના સવાલો જેવા કે આદતો શું છે? અને શું કામ આપણુ મગજ એને ઘડવાની જહેમત ઉઠાવે છે? એના પણ જવાબો મળે છે.

સારી નાણાકીય આદતો વગર તમે કાયમ એક-એક રૂપિયા માટે સંઘર્ષ કરતાં રહેશો. સારી આરોગ્યપ્રદ આદતો વગર તમે કાયમ નબળાઈ અનુભવતા રહેશો.

આદત એક એવું વર્તન છે જેને પૂરતાં સમય સુધી દોહરાવવામાં આવે છે જેથી એ ઓટોમેટિક બની જાય. આદત ઘડાવાની પ્રક્રિયા ટ્રાયલ એન્ડ એરરથી શરૂ થતી હોય છે. જ્યારે પણ જીવનમાં તમે કોઈ નવી સમસ્યાનો સામનો કરો છો, તમારા મગજે નિર્ણય લેવો પડતો હોય છે. પહેલીવાર જ્યારે તમે કોઈ સમસ્યાનો સામનો કરો છો ત્યારે તમને ખબર નથી હોતી કે એને કેમ ઉકેલવી. થોર્ન્ડાઇકની બિલાડીની જેમ તમે બધું અજમાવીને જુઓ છો કે શું કામ કરે છે.

આ સમય દરમ્યાન મગજમાં ન્યુરોલોજીકલ એક્ટિવિટી ખૂબ વધી જતી હોય છે. તમે ધ્યાનથી પરિસ્થિતિનું વિશ્લેષણ કરીને કેવી રીતે વર્તવું એનો સભાનપણે નિર્ણય લો છો. તમે ઘણીબધી નવી માહિતી ગ્રહણ કરીને એને સમજવાનો પ્રયાસ કરો છો. દિમાગ સૌથી અસરકારક પ્રક્રિયા શીખવામાં વ્યસ્ત હોય છે. જેવી રીતે બિલાડી લિવર દબાવતી હતી એવી જ રીતે ઘણીવાર અચાનક તમે કોઈ ઉકેલ પર પહોંચો છો. તમે આખા દિવસના કામથી માનસિક રીતે થાકેલા હોવ છો અને તમે જુઓ છો કે વિડિઓ ગેમ્સ રમવાથી રાહતનો અનુભવ થાય છે. તમે શોધ્યા કરો છો અને અચાનક પુરસ્કાર મળે છે.

અણધાર્યો પુરસ્કાર મળ્યા પછી બીજીવાર તમે તમારી વ્યૂહરચના બદલી નાખો છો. તમારું મગજ તૈયારીમાં જ પુરસ્કાર મળવા પહેલાની ઘટનાઓની યાદી બનાવવાનું શરૂ કરી દે છે. એક મિનિટ – આ સારું લાગ્યું. આની બરાબર પહેલા મેં શું કર્યું હતુ?

દરેક માનવીય વર્તણૂકની પાછળ આવી જ ફિડબેક લૂપ હોય છે: અજમાવો, નિષ્ફળ થાઓ, શીખો, કઈક જુદું અજમાવો. અભ્યાસની સાથે, નકામી ગતિવિધિઓ ભૂંસાતી જાય છે અને કામની ગતિવિધિઓ મજબૂત થતી જાય છે. આદત આવી રીતે ઘડાય છે.

આદતો અનુભવે શીખેલા માનસિક શોર્ટકટ્સ છે. એક રીતે, આદતો તમે ભૂતકાળમાં કોઈ સમસ્યાના ઉકેલ માટે લીધેલા પગલાની મેમરી જ છે. જ્યારે પણ પરિસ્થિતીઓ યોગ્ય હોય છે ત્યારે મેમરીમાંથી યાદ કરીને ઉકેલ લાગુ કરી દો છો. આપણું મગજ ભૂતકાળ યાદ રાખે છે એનું પ્રાથમિક કારણ જ એ છે કે ભવિષ્યમાં શું કામ લાગશે એની સારી રીતે આગાહી કરી શકાય. આદતો બૌદ્ધિક ભાર ઓછો કરીને માનસિક ક્ષમતા વધારે છે જેથી તમે તમારું ધ્યાન બીજા કામો માટે ફાળવી શકો.

આદતોની કાર્યક્ષમતા હોવા છતાં, કેટલાક લોકો આદતોના ફાયદા વિશે આશ્ચર્ય અનુભવતા હોય છે. એવી દલીલ હોય છે કે: “શું આદતો મારું જીવન નિસ્તેજ બનાવી દેશે? હું મારી જિંદગીને એવા ચોક્ઠામાં ગોઠવવા નથી માંગતો જે મને પસંદ નથી. વધારે પડતું રૂટિન જીવનની જીવંતતા અને સહજતા છીનવી નહીં લે?” ભાગ્યે જ. આવા સવાલો ખોટો વિરોધાભાસ ઊભો કરે છે. એ તમને એવું વિચારવા પ્રેરે છે કે તમારે આદતો બનાવવી અને સ્વતંત્ર રહેવું એ બેમાંથી એકની પસંદગી કરવાની છે. વાસ્તવમાં, બંને એકબીજાના પૂરક છે.

આદતો સ્વતંત્રતાને સીમિત નથી કરતી બલ્કે એનું સર્જન કરે છે. હકિકતમાં, જે લોકો પોતાની આદતો નિયંત્રિત નથી કરતાં ઘણીવાર એમની જ પાસે સ્વતંત્રતા ઓછામાં ઓછી માત્રામાં હોય છે. સારી નાણાકીય આદતો વગર તમે કાયમ એક-એક રૂપિયા માટે સંઘર્ષ કરતાં રહેશો. સારી આરોગ્યપ્રદ આદતો વગર તમે કાયમ નબળાઈ અનુભવતા રહેશો. સારી શીખવાની આદતો વગર તમે કાયમ પછાત છો એવું અનુભવશો. જો તમે કાયમ સામાન્ય કામો વિશેના નિર્ણયો લેવામાં અટવાયેલા રહેશો તો આઝાદી માટે તમારી પાસે સમય જ નહીં રહે. જીવનના મૂળભૂત તત્વોને આસાન બનાવીને જ તમે સર્જનાત્મક અને મુક્ત રીતે વિચારવા માટેની જરૂરી માનસિક સ્વતંત્રતાનું સર્જન કરી શકો છો.

આદતો કેવી રીતે કામ કરે છે એનું વિજ્ઞાન

આદત ઘડાવાની પ્રક્રિયાને આપણે ચાર સરળ ભાગમાં વિભાજિત કરી શકીએ છીએ: સંકેત (Cue), ઈચ્છા (Craving), પ્રતિક્રિયા (Response), પુરસ્કાર (Reward). એને ચાર મૂળભૂત ભાગોમાં વિભાજિત કરવાથી આપણે સમજી શકીએ છીએ કે આદત શું છે, કેવી રીતે કામ કરે છે અને એને કેવી રીતે સુધારી શકીએ.

સૌથી પહેલા આવે છે સંકેત. સંકેત તમારા મગજને કોઈ વર્તણૂક કરવા માટે પ્રેરે છે. આપણાં પ્રાગૈતિહાસિક પૂર્વજો એવા સંકેતો પર ધ્યાન આપતા હતા કે જે એમને પ્રાથમિક પુરસ્કારો જેવા કે ભોજન, પાણી અને સેક્સ વિશેની જગ્યાઓની માહિતી આપતા હતા. આજે આપણે મોટાભાગે એવા સંકેતો પર ધ્યાન આપીએ છીએ જે આપણને ગૌણ પુરસ્કારો જેવા કે પૈસો અને પ્રતિષ્ઠા, પાવર અને હોદ્દો, પ્રશંસા અને મંજૂરી, પ્રેમ અને મિત્રતા વિશેની માહિતી આપે છે.

ઈચ્છા બીજું પગથિયું છે અને દરેક આદતની પાછળનું ચાલકબળ છે. કોઈપણ જાતની પ્રેરણા વિના – પરિવર્તનની લાલસા વિના – આપણી પાસે કામ કરવાનું કોઈ કારણ નથી હોતું. તમે આદતની પાછળ નથી ભાગતા પરંતુ એને લીધે સ્થિતિમાં જે પરીવર્તન આવે છે એની પાછળ ભાગો છો. તમને સિગારેટની તલપ નથી હોતી એને પીવાથી જે રાહત અનુભવાય છે એની તલપ હોય છે. તમે ટીવી ચાલુ કરવા નથી માંગતા તમે મનોરંજન ઈચ્છો છો. દરેક તલપ તમારી આંતરિક સ્થિતિ બદલવાની ઈચ્છા સાથે જોડાયેલી હોય છે.

ત્રીજું પગથિયું છે પ્રતિક્રિયા. પ્રતિક્રિયા એ વાસ્તવિક આદત છે જેનો તમે અમલ કરો છો, જે કોઈ વિચાર કે કાર્યનું સ્વરૂપ લઈ શકે છે. પ્રતિક્રિયા મળશે કે નહીં એ નિર્ભર કરે છે તમે કેટલા પ્રેરિત છો અને એ વર્તન કેટલું સંઘર્ષમય છે. જો કોઈ વર્તન શારીરિક કે માનસિક રીતે વધારે સંઘર્ષમય હશે તો તમે એ નહીં કરો. એક આદત ત્યારે જ બને છે જ્યારે તમે એ કરી શકવા સક્ષમ હોવ.

છેલ્લે, પ્રતિક્રિયા તમને પુરસ્કાર આપે છે. પુરસ્કાર દરેક આદતનું છેલ્લું લક્ષ્ય હોય છે. આપણે પુરસ્કારની પાછળ બે કારણોસર ભાગીએ છીએ. એક આપણને સંતોષ મળે છે અને બે આપણને શીખવા મળે છે.

પુરસ્કારનો પ્રાથમિક ઉદ્દેશ્ય તમારી ઈચ્છા સંતોષવાનો છે. ઓછામાં ઓછું એક ક્ષણ માટે પુરસ્કારો ઇચ્છાથી સંતોષ અને રાહત આપે છે. બીજું, પુરસ્કારો આપણને શીખવે છે કે કઈ ક્રિયાઓ ભવિષ્યમાં યાદ રાખવા યોગ્ય છે. સુખ અને દુ:ખની લાગણીઓ મગજને કામની અને નકામી ક્રિયાઓની વચ્ચેનો ભેદ સમજવામાં મદદ કરે છે. જો વર્તણૂક ચારમાંથી કોઈપણ તબક્કામાં અપૂરતી હશે તો એ આદત નહીં બને. જો પુરસ્કાર તમારી ઇચ્છાને સંતોષવામાં નિષ્ફળ જશે તો ભવિષ્યમાં એને દોહરાવવાનું કોઈ કારણ જ નહીં હોય. પહેલા ત્રણ તબક્કા વગર વર્તણૂક ઉદભવે જ નહીં. ચારેય તબક્કા વગર વર્તણૂકનું પુનરાવર્તન થશે જ નહીં.


હવે પછીના લેખોમાં આપણે જોઈશું કે કેવી રીતે વર્તન પરિવર્તનના ચાર નિયમો (પહેલું એને સ્પષ્ટ બનાવો, બીજું એને આકર્ષક બનાવો, ત્રીજું એને સરળ બનાવો અને ચોથું એને સંતોષકારક બનાવો) દ્વારા આપણે સારી આદતો બનાવી શકીએ અને ખરાબ આદતોથી છૂટકારો મેળવી શકીએ.


WhatsApp Group Link

Telegram Channel Link


Reactions

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ