Atomic Habits Book Summary in Gujarati
એકવાર એક અનુભવી નર્સ કોઈ કાર્યક્રમમાં ગઈ અને ત્યાં પહોંચતાની સાથે જ એણે પોતાના સસરાને જોઈને ચિંતિત થઈને કહ્યું “તમે બરાબર નથી લાગી રહ્યા.”
એના સસરાએ હસતાં – હસતાં કહ્યું “એમ તો તું પણ બરાબર નથી લાગતી.”
“ના. તમારે હમણાં જ હોસ્પિટલ જવું જોઈએ.” એણે આગ્રહ કર્યો.
થોડા કલાકો પછી એ વ્યક્તિનું જીવન બચાવવા માટે ઓપરેશન થઈ રહ્યું હતું. નિદાનમાં એવું બહાર આવ્યું કે એમની એક મોટી ધમની બ્લોક હોવાના લીધે હાર્ટઅટેકનું જોખમ હતું. પુત્રવધુના અંતર્જ્ઞાન વગર એ વ્યક્તિનું મૃત્યુ નીપજયું હોત.
એ નર્સે શું જોયું? એણે કેવી રીતે એમની પર તોળાઈ રહેલા હાર્ટઅટેક વિશે અનુમાન લગાવ્યું?
જ્યારે મોટી ધમનીઓ બ્લોક થઈ જાય, ત્યારે શરીર ત્વચાની સપાટીથી નજીકના ગૌણ અંગોને લોહી મોકલવાને બદલે જટિલ અંગોને લોહી મોકલવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. પરિણામે ચહેરા પરની બ્લડ સર્ક્યુલેશનની પેટર્ન બદલાઈ જાય છે. વર્ષો સુધી હાર્ટફેલ્યોરના દર્દીઓ સાથે કામ કરવાને લીધે, એ સ્ત્રીમાં અજાણતા જ આ પેટર્ન ઓળખી લેવાની ક્ષમતા વિકસિત થઈ હતી. એને પોતાને પણ નહોતી ખબર કે એણે એના સસરાના ચહેરા પર એવું તે શું જોયું, પરંતુ એટલું જાણતી હતી કે કઈક ગરબડ છે.
ખરાબ આદતો બદલવાનું પહેલું પગલું એ છે કે તમે એનું નિરીક્ષણ કરો. તમારા કાર્યો અને વિચારોનું કોઈપણ જાતના ચુકાદા કે આંતરિક ટીકા વગર નિરીક્ષણ કરો.
આવી જ વાર્તાઓ બીજા ક્ષેત્રોમાં પણ છે. લશ્કરી વિશ્લેષકો એક જ ગતિએ આગળ વધતી, સરખી ઊંચાઈએ ઊડતી, અને બધી રીતે સમાન લાગતી હોવા છતાં આસાનીથી ઓળખી શકે છે કે રડારની સ્ક્રીન પર જોવાતી કઈ મિસાઇલ દુશ્મનની છે અને કઈ મિસાઇલ પોતાના કાફલાની છે. મ્યુઝિયમ ક્યુરેટર્સ પ્રમાણિક કલાકૃતિ અને ચતુરાઈપૂર્વક બનાવેલી બનાવટી કલાકૃતિ વચ્ચેનો ભેદ આસાનીથી પારખી શકે છે. અનુભવી રેડિઓલોજિસ્ટ સ્પષ્ટ લક્ષણો દેખાય એની પહેલા જ મગજનું સ્કેન જોઈને સ્ટ્રોક વિશે અનુમાન લગાવી શકે છે.
માનવ મગજ એક આગાહી મશીન છે. એ સતત તમારી આસપાસથી આવતી માહિતીઓનું વિશ્લેષણ કરતું રહે છે. જ્યારે પણ તમે કંઈક વારંવાર અનુભવો છો ત્યારે તમારું મગજ મહત્વની બાબતોને ધ્યાનમાં રાખવાનું શરૂ કરી દે છે, વિગતોને આધારે વર્ગીકરણ કરીને અને સંબધિત સંકેતોને હાઇલાઇટ કરીને, ભવિષ્યના ઉપયોગ માટે માહિતીની યાદી બનાવવાનું શરૂ કરી દે છે.
આપણને એ વાતનો અંદાજ જ નથી કે આપણું મગજ અને શરીર વગર વિચાર્યે કેટલું બધું કરી શકે છે. તમે તમારા વાળને વધવા માટે, હ્રદયને ધબકવા માટે, ફેફસાંને શ્વાસ લેવા માટે અથવા તમારા પેટને ખોરાક પચાવવા માટે કહેતા નથી. તોપણ આ અને બીજી કેટલીય બાબતો તમારું શરીર એની જાતે સંભાળે છે. આપણી આદતો વિશેની આ સૌથી આશ્ચર્યજનક જાણકારી છે. કોઈ આદત શરૂ કરવા માટે તમારે એના સંકેત વિશે જાગૃત રહેવાની જરૂર નથી. તમે તક જોઈને સભાનપણે ધ્યાન આપ્યા વગર જ એક્શન લઈ લો છો. આ જ બાબત આદતને ઉપયોગી બનાવે છે.
આ જ કારણોસર એ ખતરનાક પણ બની જાય છે. આદતો બનતાની સાથે જ તમે અચેતન મગજના નિર્દેશોના આધારે કામ કરવા લાગો છો. શું થઈ રહ્યું છે એનો ખ્યાલ આવે એની પહેલા તમે તમારી જૂની આદતોમાં ઢળી ચૂક્યા હોવ છો. જેટલી વધારે તમે એ આદતોને દોહરાવશો, એટલી તમે શું કરી રહ્યા છો અને શું કામ એ કરી રહ્યા છો એ સવાલ પૂછવાની શક્યતા ઓછી થતી જશે. સંકેતોની સાથે આપણાં પ્રતિભાવો એટલા ઊંડાણપૂર્વક જોડાઈ ગયા હોય છે કે આપણને ખબર જ નથી પડતી કે એવું કરવાની ઈચ્છા ક્યાંથી આવે છે. આ જ કારણોસર, વર્તન પરિવર્તનની પ્રક્રિયા આપણે સભાનતા સાથે શરૂ કરવી પડશે.
અસરકારક રીતે નવી આદતો બનાવીએ એની પહેલા, આપણે આપણી જૂની આદતો સાથે કામ પાર પાડવું પડશે. લાગે છે એટલું સહેલું નથી કારણકે એકવાર આદત તમારા જીવનમાં વણાઈ ગયા પછી એ અચેતન અને સ્વચાલિત બની જતી હોય છે. સાયકોલોજિસ્ટ કાર્લ જંગ કહે છે “જ્યાં સુધી તમે અચેતનને ચેતન નથી બનાવતા ત્યાં સુધી એ તમારા જીવનને ચલાવે છે અને તમે એને ભાગ્ય કહો છો.”
ખરાબ આદતો બદલવાનું પહેલું પગલું એ છે કે તમે એનું નિરીક્ષણ કરો. તમારા કાર્યો અને વિચારોનું કોઈપણ જાતના ચુકાદા કે આંતરિક ટીકા વગર નિરીક્ષણ કરો. ભૂલો બદલ તમારી જાતને દોષી ન ઠેરવો. સફળતા બદલ તમારી જાતની તારીફ ન કરો. જો તમે વધારે પડતું ખાઓ છો તો ખાલી ધ્યાન રાખો કે તમે જરૂરિયાત કરતાં વધારે કેલરી લઈ રહ્યા છો. જો તમે ઇન્ટરનેટ ઉપર સમય બગડી રહ્યા છો તો ધ્યાન રાખો કે તમે એવી રીતે તમારું જીવન વ્યતીત કરી રહ્યા છો જેવી રીતે તમે કરવા નથી માંગતા.
હવે એ ખરાબ આદતને સુધારવા માટે તમે પોઈન્ટ એન્ડ કોલિંગ પદ્ધતિનો ઉપયોગ કરી શકો છો. તમે જે કામ કરવાનું વિચારી રહ્યા છો તે અને એનું શું પરિણામ આવશે તેને મોટા અવાજે બોલો. જો તમે તમારી જંક ફૂડ ખાવાની આદતને છોડવા માંગો છો પરંતુ તમે હજી એક કોળિયો લઈ રહ્યા છો તો જોરથી બોલો “હું આ ખાઈ રહ્યો છું પરંતુ મને એની જરૂર નથી. આ ખાવાથી મારું વજન વધશે અને મારા સ્વાસ્થ્યને નુકશાન પહોંચશે.”
મોટેથી બોલાયેલી તમારી ખરાબ ટેવોને સાંભળ્યા પછી પરિણામો વધુ વાસ્તવિક લાગે છે. તેનાથી મગજ દોડાવ્યા વગર જૂના રૂટિનમાં સરી પડવાને બદલે તમારા કામમાં વજન પડશે. આ અભિગમ તમને કોઈ કામ યાદ રાખવામાં પણ મદદરૂપ થશે. ખાલી જોરથી બોલો “આવતીકાલે બપોરે જમ્યા પછી મારે પોસ્ટ-ઓફિસ જવાનું છે.” તમે ખરેખર એવું કરશો એની સંભાવનાઓ વધી જાય છે. તમે પોતે જ તમારી જાતને કામની જરૂરિયાત વિશે જણાવી રહ્યા છો – અને બધો ફરક એનાથી જ પડશે. વર્તન પરિવર્તનની પ્રક્રિયા હંમેશા સભાનતાથી શરૂ થતી હોય છે.
0 ટિપ્પણીઓ