Atomic Habits Book Summary in Gujarati
2001માં, ગ્રેટ બ્રિટનમાં બે અઠવાડિયા દરમિયાન કસરતની સારી ટેવ પાડવા માટે સંશોધનકર્તાઓએ 248 લોકો જોડે કામ કરવાનું શરૂ કર્યું. લોકોને ત્રણ જૂથમાં વિભાજિત કરવામાં આવ્યા.
પહેલાં જૂથને ફક્ત એટલી જ નોંધ રાખવાની હતી કે તેઓ કેટલીવાર કસરત કરે છે. બીજા જૂથને કસરતની નોંધ રાખવાની સાથે કસરત કરવાના ફાયદાઓ વિશે વાંચવાનું પણ કહેવામાં આવ્યું. સાથે જ સંશોધનકર્તાઓએ એ પણ સમજાવ્યું કે કેવી રીતે કસરત કરવાથી હ્રદયને લગતી બીમારીઓનું જોખમ ઘટી જાય છે અને તમે સ્વસ્થ રહી શકો છો. ત્રીજા જૂથને પણ બીજા જૂથ જેવી જ સૂચનાઓ આપવામાં આવી હતી. જોકે તેમને આવતા અઠવાડિયે તેઓ ક્યારે અને ક્યાં કસરત કરવાના છે તેનો પ્લાન ઘડવાનું કહેવામા આવ્યું. ખાસ કરીને, જૂથના દરેક સભ્યએ આ વાક્ય પૂરું કર્યું “આવતા અઠવાડિયા દરમિયાન, હું ફલાણા દિવસે, ફલાણા સમયે, ફલાણી જગ્યાએ, 20 મિનિટ સુધી જોરશોરથી કસરત કરીશ.”
પહેલા અને બીજા જૂથમાં, 35 થી 38 ટકા લોકોએ અઠવાડિયામાં ઓછામાં ઓછી એક વાર કસરત કરી. (રસપ્રદ રીતે, બીજા જૂથ સમક્ષ કરવામાં આવેલી પ્રેરણાત્મક રજૂઆતની એમની વર્તણૂકમાં કોઈ અર્થપૂર્ણ અસર જોવા મળી નહીં.) પરંતુ ત્રીજા જૂથના 91 ટકા લોકોએ અઠવાડિયામાં ઓછામાં ઓછી એક વાર કસરત કરી – સામાન્યથી બમણા કરતાં ય વધારે ટકાવારી.
ત્રીજા જૂથે જે વાક્ય પૂરું કર્યું એને સંશોધનકર્તાઓ અમલીકરણના હેતુ (Implementation Intentions) તરીકે જુએ છે, ક્યારે અને ક્યાં શું કરવું એ માટેની પહેલેથી બનાવેલી યોજના. તેનાથી નક્કી થાય છે કે, કેવી રીતે તમે કોઈ ખાસ આદતને અમલમાં મૂકવાનો ઇરાદો કરો છો.
કોઈપણ આદતને શરૂ કરવા માટેના સંકેતો વ્યાપક પ્રમાણમાં હોય છે જેમ કે, તમારા ખિસ્સામાં પડેલા ફોનનું વાગવું, ચોકલેટની સુગંધ, એમ્બ્યુલન્સના સાયરનનો અવાજ – પરંતુ બે સૌથી સામાન્ય સંકેતો છે સમય અને જગ્યા. અમલીકરણનો હેતુ આ બંને સંકેતોનો ઉપયોગ કરે છે. વ્યાપક રીતે કહીએ તો અમલીકરણનો હેતુ એટલે “જો ફલાણી પરિસ્થિતી ઊભી થશે તો હું ફલાણી રીતે વર્તીશ.”
સેંકડો અભ્યાસો એવું સૂચવે છે કે અમલીકરણનો હેતુ તમારા લક્ષ્યને વળગી રહેવા માટે અસરકારક છે, પછી ભલે તે કોઈ રોગ માટે રસી મૂકાવાની હોય અથવા કોઈ ડોક્ટરની એપોઇન્ટમેન્ટ લેવાની હોય. તેનાથી લોકોની સારી આદતોને વળગી રહેવાની શક્યતા વધી જાય છે.
કેટલાય લોકો આ મૂળભૂત વિગતો જાણ્યા વગર પોતાની આદતો બદલવાનો પ્રયત્ન કરતાં હોય છે. આપણે પોતાની જાતને એવું કહીએ છીએ “હવેથી હું સ્વાસ્થ્યપ્રદ ખોરાક લઇશ” અથવા “હવેથી હું વધારે કામ કરીશ” પરંતુ આપણે એ નથી જણાવતા કે આ આદતો ક્યાં અને ક્યારે શરૂ થશે. આપણે એને તક ઉપર છોડી દઈએ છીએ અને એવી આશા રાખીએ છીએ કે સાચા સમયે મોટીવેટેડ ફીલ કરીશું. અમલીકરણનો હેતુ અસ્પષ્ટ કલ્પનાઓ(“હું કસરત કરવા માંગુ છું”, અથવા “હું વધારે પ્રોડક્ટિવ બનવા માંગુ છું” )ને દૂર કરીને કામ કરવા માટે મજબૂત યોજના બનાવે છે. ઘણા લોકોને એવું લાગે છે કે એમનામાં મોટીવેશનનો અભાવ છે જ્યારે ખરેખર એમનામાં સ્પષ્ટતાનો અભાવ હોય છે. કેટલાક લોકો સાચા સમયની રાહ જોવામાં આખી જિંદગી વિતાવી દેતા હોય છે. એકવાર અમલીકરણનો હેતુ નક્કી થઈ ગયા પછી તમારે પ્રેરણા ઉદ્ભવવાની રાહ નથી જોવાની નક્કી કરેલી યોજના મુજબ કામે લાગી જવાનું છે.
કોઈપણ આદત અઠવાડિયા, મહિના કે વર્ષના પહેલા દિવસથી શરૂ કરવાનો પ્રયત્ન કરો. કારણકે ત્યારે તમે સૌથી વધારે આશાસ્પદ હોવ છો. તમને શું જોઈએ છે અને એ કેવી રીતે મળશે એ બાબતે સ્પષ્ટતા આવી જવાથી તમે એવી બાબતોને ના પાડી શકશો જે તમારી પ્રગતિમાં બાધારૂપ હોય છે, તમારું ધ્યાનભંગ કરે છે અને તમને રસ્તાથી ભટકાવી દે છે. જ્યારે તમારા સપનાઓ અસ્પષ્ટ હોય છે, ત્યારે આખો દિવસ નાના – નાના અપવાદોને યોગ્ય ઠેરવવું આસાન થઈ જાય છે અને સફળતા મેળવવા માટે તમારે જે કરવું જોઈએ એ બાબતો માટે ક્યારેય સ્પષ્ટ નથી થઈ શકતા.
અમલીકરણના હેતુને તમારા કામ અને જીવનમાં ઉપયોગમાં લેવાના ઘણા રસ્તાઓ છે. તેમાંનો એક છે “હેબિટ સ્ટેકિંગ” એટલે કે આદતોને ક્રમબદ્ધ ગોઠવવી. કોઈપણ નવી આદત શરૂ કરવાનો શ્રેષ્ઠ ઉપાય એ છે કે તમે દરરોજ જે આદતનું પુનરાવર્તન કરતાં હોવ એની સાથે નવી આદતને જોડી દેવી. દા.ત. દરરોજ સવારે ચા પીધા પછી હું એક મિનિટ સુધી ધ્યાન ધરીશ. મુદ્દો એ છે કે તમે જે કરવા માંગો છો એને તમે પહેલાથી જે કરી રહ્યા છો એની સાથે જોડી દો.
તમારી જૂની આદતો નવી આદતો સાથે મેળ ખાય એ પણ જરૂરી છે. જો તમે તમારી સવારની દિનચર્યામાં ધ્યાન (meditation) ઉમેરવાનો પ્રયાસ કરી રહ્યાં છો પરંતુ જો તમારી સવાર અસ્તવ્યસ્ત અને બાળકોની દોડધામથી ભરેલી છે તો એ સમય અને એ જગ્યા તમારી માટે બરાબર નથી. જુઓ કે સફળ થવાની સંભાવના સૌથી વધારે ક્યારે છે.
વર્તન પરિવર્તનનો પહેલો નિયમ છે એને સ્પષ્ટ બનાવો. અમલીકરણના હેતુઓ અને ક્રમબદ્ધ આદતો જેવી વ્યૂહરચનાઓ તમારી આદતો માટે સ્પષ્ટ સંકેત બનાવવા અને ક્યારે અને ક્યાં શું કરવું તે અંગેની એક સ્પષ્ટ યોજના બનાવવા માટેની સૌથી વ્યવહારિક રીતો છે.
0 ટિપ્પણીઓ