Atomic Habits Book Summary in Gujarati
એન થોર્ન્ડાઇક, બોસ્ટનની મેસેચ્યુસેટ્સ જનરલ હોસ્પિટલના પ્રાથમિક સંભાળ ચિકિત્સક (Primary Care Physician) પાસે એક ક્રેઝી આઇડિયા હતો. તેનું માનવું હતું કે તે હોસ્પિટલ આવતા હજારો મુલાકાતીઓ અને સ્ટાફની ખાવા-પીવાની ટેવો એમની ઈચ્છાશક્તિ અથવા ઈરાદાને સહેજ પણ બદલ્યા વિના સુધારી શકે છે. હકિકતમાં, તેણીએ એમની સાથે વાતચીત કરવાની પણ કોઈ યોજના બનાવી નહોતી.
થોર્ન્ડાઇક અને એના સાથીઓએ હોસ્પિટલના કાફેટેરિયાના આર્કિટેક્ચરને બદલવા માટે છ મહિનાનો અભ્યાસ ડિઝાઇન કર્યો. તેઓએ રૂમમાં પીણાંની ગોઠવણ બદલવાથી શરૂઆત કરી. અસલમાં, કાફેટેરિયામાં કેશ રજીસ્ટરની બાજુમાં આવેલા ફ્રિજ ફક્ત સોડાથી જ ભરેલા રહેતા હતા. સંશોધકોએ પાણીને એક વિકલ્પ તરીકે દરેકમાં ઉમેર્યું. આ ઉપરાંત, તેઓએ આખા રૂમમાં ફૂડ સ્ટેશનોની બાજુમાં પાણીની બોટલો મૂકી. સોડા હજીપણ મુખ્ય ફ્રીજોમાં હતી, પરંતુ પાણી હવે દરેક જગ્યાએ ઉપલબ્ધ હતું.
આગામી ત્રણ મહિનામાં, હૉસ્પિટલમાં સોડાનું વેચાણ 11.4% જેટલું ઘટી ગયું. જ્યારે પાણીનું વેચાણ 25.8% જેટલું વધી ગયું. તેઓએ એવી જ વ્યવસ્થા ખાવાની ચીજોમાં કરી અને ત્યાં પણ સરખું જ પરિણામ મળ્યું. ત્યાં ખાનારાઓને કોઈ જ સૂચના આપવામાં આવી નહોતી.
લોકો ઘણીવાર પ્રોડક્ટ શું છે તેના આધારે નહીં પરંતુ તે ક્યાં છે તેના આધારે પસંદગી કરતાં હોય છે. જો હું કિચનમાં જાઉં અને ત્યાં ટેબલ પર બિસ્કિટથી ભરેલી પ્લેટ જોઈશ તો હું એક પછી એક ઉપાડીને ખાવા લાગી જઈશ, ભેલેને પછી મને ભૂખ ન લાગી હોય. તમારી આદતો તમે ક્યાં છો અને તમારી સામે કેવા સંકેતો છે એના આધારે બદલાય છે. મનુષ્યના વર્તનને આકાર આપવામાં વાતાવરણ અદ્રશ્ય ભૂમિકા ભજવતું હોય છે.
જો તમને દરરોજ ગિટાર વગાડવાનો અભ્યાસ કરવો હોય તો એને તમારી આંખોની સામે રહે એવી રીતે લિવિંગ રૂમમાં મૂકો. જો તમે વધારે પાણી પીવા માંગો છો તો પાણીની બોટલો ભરીને ઘરમાં દરેક જગ્યાએ મૂકી દો.
પૃથ્વી પર વસતા દરેક જીવની દુનિયાને જોવાની અને સમજવાની પોતાની રીત હોય છે. ગરુડ પાસે નોંધપાત્ર રીતે લાંબે સુધી જોઈ શકવાની દ્રષ્ટિ છે. સાપ પોતાની અતિસંવેદનશીલ જીભ દ્વારા હવાને સૂંઘી શકે છે. શાર્ક નજીકની માછલીઓને લીધે પાણીમાં ઓછી માત્રામાં ઉત્પન્ન થતાં વિદ્યુત તરંગો અને કંપનો પકડી શકે છે. બેક્ટેરિયામાં પણ કીમોસેપ્ટર્સ હોય છે – જે એમને આસપાસના વાતાવરણમાંથી ઝેરી રસાયણો શોધવામાં મદદ કરે છે.
આપણે દુનિયાને દ્રષ્ટિ, અવાજ, ગંધ, સ્પર્શ અને સ્વાદ દ્વારા સમજીએ છીએ. જો કે, મનુષ્યોની ઇન્દ્રિયોમાં સૌથી શક્તિશાળી ઇન્દ્રિય દ્રષ્ટિ છે. માનવ શરીરમાં અગિયાર મિલિયન સંવેદનાત્મક રીસેપ્ટર્સ હોય છે. તેમાંથી આશરે દસ મિલિયન દૃષ્ટિને સમર્પિત છે. કેટલાક નિષ્ણાતોનો અંદાજ છે કે મગજના અડધા સંસાધનો દ્રષ્ટિ માટે વપરાય છે. એ જોતાં આપણે બીજી બધી ઇન્દ્રિયો કરતાં દ્રષ્ટિ ઉપર સૌથી વધારે આધાર રાખીએ છીએ, એમાં કોઈ આશ્ચર્ય નથી કે દ્રશ્ય દ્વારા મળતાં સંકેતો આપણાં વર્તનના સૌથી મોટા ઉત્પ્રેરક છે. આ જ કારણોસર, તમે જે જુઓ છો એમાં નાનકડો ફેરફાર કરવાથી તમે શું કરો છો એમાં બહુ મોટો બદલાવ આવી શકે છે. પરિણામે, તમે જોઈ શકો છો કે પ્રોડક્ટિવ હોય એવા સંકેતોથી ભરેલું અને અનપ્રોડક્ટિવ હોય એવા સંકેતોરહિત વાતાવરણ કેટલું જરૂરી છે. તમારે તમારા વાતાવરણના ભોગ બનવાની જરૂર નથી, તમે એના શિલ્પી પણ બની શકો છો.
સફળતા માટે તમારા આસપાસના વાતાવરણને કેવી રીતે ડિઝાઇન કરશો
![]() |
People illustrations by Storyset |
દરેક આદત એક સંકેતથી શરૂ થતી હોય છે, અને આપણે એવા સંકેતો પર વધારે ધ્યાન આપીએ છીએ જે સામે દેખાતા હોય છે. દુર્ભાગ્યે, આપણે જ્યાં રહીએ છીએ અને કામ કરીએ છીએ તે વાતાવરણ ઘણીવાર કેટલીક ક્રિયાઓ ન કરવાનું સરળ બનાવે છે કારણ કે વર્તનને ઉત્તેજીત કરવા માટે કોઈ સ્પષ્ટ સંકેત હોતા નથી. જ્યારે ગિટાર કબાટ પર ચઢાવેલું હોય ત્યારે એનો અભ્યાસ ન કરવો સરળ બની જાય છે. જ્યારે વિટામિન કિચનમાં તમારી નજરોથી દૂર હોય છે ત્યારે એ ન લેવું આસાન હોય છે. જ્યારે આદતને પ્રેરે એવા સંકેતો છુપાયેલા હોય છે ત્યારે એને અવગણવું સહેલું હોય છે.
જો તમારે દરરોજ દવાઓ લેવાનું યાદ રાખવું હોય તો એને પાણીના માટલાં કે ફ્રિજ પાસે મૂકો. જો તમને દરરોજ ગિટાર વગાડવાનો અભ્યાસ કરવો હોય તો એને તમારી આંખોની સામે રહે એવી રીતે લિવિંગ રૂમમાં મૂકો. જો તમે વધારે પાણી પીવા માંગો છો તો પાણીની બોટલો ભરીને ઘરમાં દરેક જગ્યાએ મૂકી દો. જો આદતોને તમે તમારા જીવનનો ભાગ બનાવવા માંગો છો તો સંકેતોને તમારા વાતાવરણનો ભાગ બનાવી દો.
આદતોની શરૂઆત કોઈ એક ચોક્કસ સંકેતના આધારે થતી હોય છે, પરંતુ સમયની સાથે તે ફક્ત કોઈ એક સંકેત પૂરતી ન રહેતા વર્તનની આસપાસના આખા સંદર્ભ સાથે સંકળાઈ જાય છે. દા.ત. ઘણા લોકો એકલા પીતા હોય એના કરતાં વધારે સામાજિક કાર્યક્રમોમાં પીતા હોય છે. ત્યારે કોઈ એક સંકેત નહીં, પરંતુ સમગ્ર પરિસ્થિતી જવાબદાર હોય છે. મિત્રોને પીતા જોવા, બારમાં વાગતું સંગીત, ટેબલ ઉપર પડેલો દારૂ.
આપણું વર્તન વાતાવરણમાં રહેલી વસ્તુઓને આધારે વ્યાખ્યાયિત નથી થતું પરતું તેની સાથેના સંબંધોને આધારે થાય છે. હકિકતમાં, આ એક ઉપયોગી રીત છે તમારા વર્તન ઉપર વાતાવરણના પ્રભાવ વિશે વિચારવાની. વાતાવરણને વસ્તુઓથી ભરેલું જોવાનું બંધ કરીને સંબંધોથી ભરેલું જોવાનું શરૂ કરો. કોઇની માટે સોફો રોજ રાત્રે વાંચવાની જગ્યા હોઈ શકે છે, તો કોઇની માટે કામ પછી આઇસક્રીમ ખાતાં – ખાતાં ટીવી જોવાની જગ્યા હોઈ શકે છે.
એક અભ્યાસમાં, વૈજ્ઞાનિકોએ અનિદ્રાથી પીડાતા લોકોને ઊંઘ આવે ત્યારે જ પોતાના પલંગ પર જવાનું કહ્યું. જો ઊંઘ ન આવે, તો ઊભા થઈને બીજા રૂમમાં જતાં રહેવું અને જ્યાં સુધી ઊંઘ ન આવે ત્યાં સુધી ત્યાં જ બેસવું. સમયની સાથે, લોકો પલંગને ઊંઘના સંદર્ભની સાથે જોડવા લાગ્યા, અને પછી એમની માટે પલંગ ઉપર પડતાની સાથે જ ઊંઘી જવું આસાન થઈ ગયું. એમના મગજે શીખ્યું કે ફકત સૂવું જ આ રૂમ સાથે સંકળાયેલું છે – ફોન વાપરવો, ટીવી જોવું કે ઘડિયાળ સામે તાકવું નહીં.
નવા વાતાવરણમાં આદતો બદલવી આસાન છે. એ તમને એવા સંકેતોથી છુટકારો મેળવવામાં મદદ કરે છે જે તમને તમારી વર્તમાન આદતો તરફ દોરી જાય છે. કોઈ નવી જગ્યાએ જાઓ અને ત્યાં એક નવું રૂટિન બનાવો.
બને ત્યાં સુધી એક આદતના સંદર્ભને બીજી આદતના સંદર્ભ સાથે ભેગું કરવાનું ટાળો. જ્યારે તમે સંદર્ભો ભેગા કરવાનું શરૂ કરો છો ત્યારે આદતો પણ ભેગી કરવા લાગો છો – અને ત્યારે સરળ આદતો જીતી જતી હોય છે. આ જ કારણોસર આધુનિક ટેક્નોલોજીની વૈવિધ્યતા તાકાત પણ છે અને નબળાઇ પણ છે. તમે એ બધા જ કામો માટે તમારા ફોનને વાપરી શકો છો જે તેને એક શક્તિશાળી ઉપકરણ બનાવે છે. પરંતુ જ્યારે તમે તેને લગભગ બધા જ કામો માટે વાપરો છો ત્યારે તેને કોઈ એક કાર્ય સાથે જોડવું મુશ્કેલ થઈ જાય છે. તમે પ્રોડક્ટિવ બનવા માંગો છો, પરંતુ જ્યારે તમે ફોન હાથમાં લો છો ત્યારે સોશિયલ મીડિયા વાપરવા, ઈમેઈલ જોવા અને ગેમ રમવા પણ ટેવાયેલા છો. આ સંકેતોનું મિશ્રણ છે.
જો તમે ઈચ્છો છો કે તમારું વર્તન સ્થિર અને ધાર્યા મુજબનું હોય તો તમારે એવા વાતાવરણની જરૂર છે જે સ્થિર અને ધાર્યા મુજબનું હોય. એક સ્થિર વાતાવરણ જ્યાં દરેક વસ્તુનું પોતાનું સ્થાન અને ઉદ્દેશ્ય હોય છે ત્યાં આદતો સરળતાથી બની જાય છે.
0 ટિપ્પણીઓ