Ad Code

Ticker

6/recent/ticker-posts

બીજો નિયમ : એને આકર્ષક બનાવો | તમારી આદતોને આકાર આપવામાં કુટુંબ અને મિત્રોની ભૂમિકા



1965માં લાસ્લો પોલ્ગર નામના હંગેરિયન વ્યક્તિને કઠોર પરિશ્રમમાં અડગ શ્રદ્ધા હતી. તેનું માનવું હતું કે ઇરાદાપૂર્વકની પ્રેક્ટિસ અને સારી આદતોના વિકાસ દ્વારા બાળક કોઈપણ ક્ષેત્રમાં પ્રતિભાશાળી બની શકે છે. લાસ્લોને પોતાના વિચાર ઉપર એટલો બધો વિશ્વાસ હતો કે એણે પોતાના બાળકો પર આ અજમાવવાનું વિચાર્યું. લાસ્લોએ ચેસનું ક્ષેત્ર પસંદ કર્યું અને પોતાના બાળકોને ચેસના મહારથી બનાવવા માટે યોજના ઘડી કાઢી. એણે નક્કી કર્યું કે છોકરાઓને ઘરે જ ભણાવવા. ઘરને ચેસના પુસ્તકોથી અને ચેસના પ્રખ્યાત ખેલાડીઓના ફોટાઓથી ભરી દેવામાં આવ્યું. બાળકો સતત એકબીજા સામે રમશે અને દરેક શ્રેષ્ઠ સ્પર્ધાઓમાં ભાગ લેશે. કુટુંબ બાળકોએ સામનો કરેલા દરેક હરીફ સાથેની ટૂર્નામેન્ટના ઇતિહાસની એક નાની ફાઇલ રાખશે. એમનું જીવન ચેસને સમર્પિત હશે.

પોલ્ગર પરિવારને ત્યાં ત્રણ દીકરીઓ જન્મી. સુસાન, સોફિયા અને જુડિટ. સૌથી મોટી દીકરી સુસાને ચાર વર્ષની ઉંમરથી ચેસ રમવાનું શરૂ કરી દીધું હતું. 6 મહિનાની અંદર તે પુખ્ત વયના લોકોને હરાવવા લાગી. વચલી દીકરી સોફિયાએ તો તેનાથી પણ વધારે સારું કર્યું. ચૌદ વર્ષની ઉંમરે એ વિશ્વ વિજેતા હતી અને પછીના વર્ષોમાં ગ્રાન્ડ માસ્ટર બની ગઈ. સૌથી નાની જુડિટ બધા કરતાં શ્રેષ્ઠ પુરવાર થઈ. 5 વર્ષની ઉંમરે તે પોતાના પિતાને હરાવી શકતી હતી. 12 વર્ષની ઉંમરે વિશ્વના ટોચના 100 ખેલાડીઓમાં સૌથી યુવાન ખેલાડી તરીકે સ્થાન પામી. 15 વર્ષ અને 4 મહિનાની ઉંમરે તે અત્યાર સુધીની સૌથી યુવાન ગ્રાન્ડ માસ્ટર બની ગઈ – અગાઉના રેકોર્ડ ધારક બોબી ફિશર કરતાં પણ નાની. 27 વર્ષો સુધી તે વિશ્વની પ્રથમ ક્રમાંકિત મહિલા ચેસ ખેલાડી હતી.

પોલ્ગર બહેનોનું બાળપણ અસામાન્ય હતું. તેમ છતાં, તમે તેમને તેના વિશે પૂછો, ત્યારે તેઓ દાવો કરે છે કે તેમનું બાળપણ આકર્ષક અને આનંદપ્રદ પણ હતું. પોલ્ગર બહેનો એવા વાતાવરણમાં મોટી થઈ જ્યાં ચેસને બીજી બધી જ બાબતો કરતાં પ્રાથમિકતા આપવામાં આવી – જેની માટે તેમની પ્રશંસા થતી, ઇનામો મળતા. એમની માટે ચેસનું વળગણ સામાન્ય હતું. અને આપણે જોઈએ છીએ કે આપણી સંસ્કૃતિમાં જે પણ આદતો સામાન્ય હોય છે એ સૌથી આકર્ષક વર્તણૂક લાગતી હોય છે.

સામાજિક ધોરણોનું મોહક ખેંચાણ

મનુષ્યો ટોળાના પ્રાણીઓ છે. આપણે લોકો જોડે સાનુકૂળ થઈ સંબંધો બાંધવા, અને સાથીઓ પાસેથી આદર અને સંમતિ મેળવવા માંગીએ છીએ. આવું વલણ આપણાં અસ્તિત્વ માટે જરૂરી છે. આપણાં મોટાભાગના ઉત્ક્રાંતિના ઈતિહાસમાં, આપણાં પૂર્વજો ટોળામાં જ રહેતા હતા. ટોળામાંથી છૂટા પડવું અથવા એથીય ખરાબ બાકાત થવું - મૃત્યુદંડની સજા હતી. “એકલું વરુ મરી જાય, પરંતુ ઝુંડ બચી જાય.”

તે દરમિયાન, જે લોકો એકબીજા સાથે જોડાયેલા રહ્યા એ લોકોએ વધારાની સુરક્ષા, સમાગમની તકો અને સંસાધનોનો લાભ લીધો. પરિણામે, મનુષ્યોની સૌથી ગહન ઈચ્છાઓમાંની એક છે જોડાયેલા રહેવું. અને આ પ્રાચીન પસંદગી આપણી આધુનિક વર્તણૂક પર શક્તિશાળી પ્રભાવ પાડે છે.

આપણે આપણી પ્રારંભિક આદતોની પસંદગી નથી કરતાં, આપણે મિત્રો, પરિવાર, સ્થાનિક સમુદાય અને મોટા પ્રમાણમાં સમાજનું અનુકરણ કરીએ છીએ. મોટાભાગે, સમુદાય સાથે જવામાં કોઈ ભાર નથી લાગતો. દરેકને જોડાયેલા રહેવું ગમે છે. ખાસ કરીને આપણે ત્રણ પ્રકારના લોકોનું અનુકરણ વધારે કરીએ છીએ. નજીકના લોકોનું, ટોળાનું અને શક્તિશાળી લોકોનું. દરેક સમૂહ વર્તન પરિવર્તનના બીજા નિયમનો લાભ ઉઠાવવાની તક આપે છે અને આપણી આદતોને વધારે આકર્ષક બનાવે છે.

નજીકના લોકોનું અનુકરણ

નિકટતાનો આપણાં વર્તન ઉપર જોરદાર પ્રભાવ પડતો હોય છે. આપણે આપણી આસપાસના લોકોની આદતોની નકલ કરીએ છીએ. આપણાં માતાપિતા જે રીતે વહેવાર કરે છે, આપણાં સાથીઓ એકબીજા સાથે જેવી રીતે ફ્લર્ટ કરે છે એની આપણે નકલ કરીએ છીએ. વ્યાપક રીતે, જેટલા આપણે કોઇની નજીક રહીશું એટલી સંભાવના વધારે છે કે આપણે એમની અમુક આદતોની નકલ કરીશું. એક અભ્યાસમાં 12 હજાર લોકોને 32 વર્ષ સુધી ટ્રેક કરવામાં આવ્યા અને એવું માલૂમ પડ્યું કે “એક વ્યક્તિની મેદસ્વી થવાની શક્યતા 57% વધી જાય છે જો એનો મિત્ર મેદસ્વી હોય તો.” બીજી બાજુ સંબંધોમાં જો એક વ્યક્તિ વજન ઓછું કરે છે તો બીજી વ્યક્તિનું વજન પણ થોડા સમયમાં ઓછું થઈ જાય છે.

સારી આદતો બનાવવા માટેની સૌથી અસરકારક બાબતોમાંની એક છે તમે એવા લોકો સાથે જોડાઈ જાવ જ્યાં તમારી ઇચ્છિત વર્તણૂક સામાન્ય હોય. નવી આદતો બનાવવી આસાન થઈ જાય છે જ્યારે તમે બીજા લોકોને દરરોજ એવું કરતાં જુઓ છો. જો તમે સ્વસ્થ લોકોથી ઘેરાયેલા રહેશો, તો એવી શક્યતા વધુ છે કે તમે કસરતને સામાન્ય આદત તરીકે જોશો. તમારી સંસ્કૃતિ તમારી માટે શું સામાન્ય છે એની ધારણાઓ નક્કી કરતી હોય છે. તમારી જાતને એવા લોકોથી ઘેરી લો જેમની આદતો એવી હોય જેવી આદતો તમે અપનાવવા માંગો છો. તો તમે સાથે ઉપર ઊઠશો.

ટોળાંનું અનુકરણ 1950માં મનોવૈજ્ઞાનિક સોલોમન એશ એ સંખ્યાબંધ પ્રયોગો કર્યા, જે હવે દર વર્ષે અસંખ્ય સ્નાતકોને શીખવાડવામાં આવે છે. દરેક પ્રયોગ શરૂ કરવા માટે, એક વ્યક્તિ કેટલાક અજાણ્યા લોકો સાથે એક રૂમમાં પ્રવેશતો. જે ખરેખર તો વૈજ્ઞાનિકોએ ગોઠવેલા માણસો હતા જેમને અમુક ચોક્કસ સવાલોના પહેલેથી નક્કી કરેલા જવાબો આપવાના હતા. ગ્રુપમાં બધાને બે કાર્ડ બતાવવામાં આવતા જેમાં પહેલામાં એક લીટી દોરેલી હતી અને બીજામાં અનેક લીટીઓ દોરેલી હતી. પ્રયોગમાં જે બે કાર્ડ વાપરવામાં આવ્યા હતા એની આકૃતિ નીચે આપેલી છે.



પ્રયોગની શરૂઆતમાં બધા જ સાચો જવાબ આપતા હતા. અમુક રાઉન્ડ પછી જાણી જોઈને ટોળાંના લોકો ખોટો જવાબ આપતા. વૈજ્ઞાનિકોની યુક્તિથી અજાણ પેલો વ્યક્તિ આશ્ચર્યચકિત થઈ જતો. એને પોતાના પર હસવું આવતું. એ બધાના જવાબોને ફરીવાર ચકાસતો. એનો ઉશ્કેરાટ ત્યારે વધી જતો જ્યારે એક પછી એક બધા જ લોકો ખોટો જવાબ આપવા લાગતાં. ટૂંક સમયમાં, વ્યક્તિને પોતાની આંખો પર શંકા થવા લાગે છે. આખરે, પોતે સાચો છે એ ખબર હોવા છતાં ખોટો જવાબ આપે છે.

એશે નોંધ્યું કે એક બે જણ ખોટો જવાબ આપે ત્યાં સુધી પેલા વ્યક્તિને કોઈ ફરક નથી પડતો. પરંતુ જેમ જેમ ખોટો જવાબ આપનારા લોકોની સંખ્યા વધતી જાય તેમ પેલા વ્યક્તિને પોતાના નિર્ણય પર શંકા થવા લાગે. પ્રયોગને અંતે, 75 ટકા લોકો સાચા હોવા છતાં ખોટા જવાબ સાથે સહમત થતાં હતા.

જ્યારે પણ આપણને શું કરવું એની ખબર ન પડે ત્યારે આપણે લોકો તરફ નજર કરવા લાગીએ છીએ. બીજા લોકો શું કરી રહ્યા છે? પરંતુ એનું એક નુકસાન પણ છે. ઘણીવાર આપણે કોઈ કામ અસરકારક રીતે કરતાં હોવા છતાં ટોળાંમાં ભળવાના ચક્કરમાં ઓછી અસરકારકતાથી કામ કરવા લાગીએ છીએ. ઘણીવાર સ્વીકૃતિ પામવાનું મહત્વ દલીલ જીતવી, હોશિયાર દેખાવું કે સત્ય શોધવા કરતાં પણ વધી જતું હોય છે. મોટાભાગના દિવસોમાં, આપણે પોતે સાચા હોવાને બદલે ટોળાંમાં ખોટા હોઈએ છીએ.

જ્યારે આદતો બદલવાનો અર્થ ટોળાંને પડકારવું હોય ત્યારે બદલાવ અનાકર્ષક લાગે છે. જ્યારે આદતો બદલવાનો અર્થ ટોળાંમાં ભળવું હોય ત્યારે બદલાવ આકર્ષક લાગે છે.

શક્તિશાળી લોકોનું અનુકરણ

માણસો દરેક જગ્યાએ મોભો, શક્તિ અને પ્રતિષ્ઠાનો પીછો કરે છે. આપણે સ્વીકૃતિ, માન્યતા અને પ્રશંસા ઝંખીએ છીએ. આ વલણ નિરર્થક લાગે છે, પરંતુ એકંદરે ચતુરીભર્યું છે. ઐતિહાસિક રીતે, વધારે શક્તિશાળી અને મોભાદાર વ્યક્તિ પાસે વધારે સંસાધનો રહેતા, અસ્તિત્વ ટકાવી રાખવાની ચિંતા ઓછી રહેતી અને આકર્ષક સાથીદાર સાબિત થતો.

આપણે એવી વર્તણૂકો તરફ દોરવાઈએ છીએ જે આપણને આદર, મંજૂરી, પ્રશંસા અને દરજ્જો અપાવે. આપણે સફળ લોકોની વર્તણૂકોની નકલ કરીએ છે કારણકે આપણે પોતે સફળ થવા માંગીએ છે. આપણી મોટાભાગની રોજિંદી આદતો આપણે જેના પ્રશંસક હોઈએ છીએ એની નકલ જ હોય છે. જે વર્તન આપણને મંજૂરી, આદર અને પ્રશંસા અપાવે, તે આકર્ષક લાગે છે.

આ પણ વાંચો : બીજો નિયમ: એને આકર્ષક બનાવો | આદતોને અનિવાર્ય કેવી રીતે બનાવવી

જે વર્તણૂકો આપણી પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડે એનાથી દૂર પણ રહીએ છીએ. આપણે સતત એવું વિચારતા હોઈએ છીએ કે “લોકો આપણાં વિશે શું કહેશે” અને જવાબને આધારે આપણે આપણાં વર્તનમાં ફેરફાર કરીએ છીએ.


WhatsApp Group Link

Telegram Channel Link


Reactions

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ