ક્લાસના પ્રથમ દિવસે, ફ્લોરિડા યુનિવર્સિટીના પ્રોફેસર જેરી યુલ્સમેને, એમના ફિલ્મ ફોટોગ્રાફીના વિદ્યાર્થીઓને બે ગ્રુપમાં વિભાજિત કર્યા.
ડાબી બાજુવાળા વિદ્યાર્થીઓને “Quantity” ગ્રુપ નામ આપ્યું. એમનું મૂલ્યાંકન ફક્ત અને ફક્ત તેઓએ કેટલું કામ કર્યું છે તેના આધારે કરવામાં આવશે. ક્લાસના છેલ્લા દિવસે દરેક વિદ્યાર્થીએ જમા કરેલા ફોટાઓની ગણતરી થશે. 100 ફોટાવાળાને A ગ્રેડ, 90 ફોટાવાળાને B ગ્રેડ, 80 ફોટાવાળાને C ગ્રેડ એ રીતે મૂલ્યાંકન કરવામાં આવશે.
જ્યારે જમણી બાજુવાળા વિદ્યાર્થીઓને “Quality” ગ્રુપ નામ આપ્યું. એમનું મૂલ્યાંકન ફક્ત અને ફક્ત તેઓએ કેવું કામ કર્યું છે તેના આધારે કરવામાં આવશે. એમને આખા સેમેસ્ટર દરમ્યાન ફક્ત એક જ ફોટો જમા કરાવવાનો છે પરંતુ એ ફોટો પરફેક્ટ હોવો જોઈએ.
સત્રને અંતે પ્રોફેસરને એ જોઈને આશ્ચર્ય થયું કે બધા જ શ્રેષ્ઠ ફોટાઓ Quantity ગ્રુપ માંથી આવ્યા હતા. સેમેસ્ટર દરમ્યાન આ વિદ્યાર્થીઓ ફોટોગ્રાફીના જુદા જુદા પાસાઓ ઉપર પ્રયોગ કરવામાં વ્યસ્ત હતા. સેંકડો ફોટાઓ પાડવાની પ્રક્રિયામાં એમના કસબની ધાર નીકળી. જ્યારે Quality ગ્રુપ પરફેકશનના અનુમાનો લગાવતું રહ્યું. અંતે એમની પાસે એક સરેરાશ ફોટા સિવાય કઈ નહોતું.
આને લેખક દરખાસ્ત અને કાર્ય વચ્ચેના તફાવત તરીકે ઓળખાવે છે. બંને લાગે છે એટલું સરખું નથી. જ્યારે તમે કઈક વિચારો છો ત્યારે તમે યોજના ઘડો છો, વ્યૂહરચના બનાવો છો અને શીખો છો. જે સારી વાત છે. પરંતુ એનાથી કોઈ પરિણામ મળતું નથી.
જ્યારે કાર્ય એવું વર્તન છે પરિણામ આપે છે. હું કોઈ લેખ લખવા માટે વીસ ટોપિક અલગ તારવું છું તો એ દરખાસ્ત કહેવાશે. અને હું બેસીને ખરેખર કોઈ લેખ લખું છું તો એ કાર્ય કહેવાશે. હું સારા ડાયેટ પ્લાન વિશે પુસ્તકો વાંચું છું એ દરખાસ્ત થઈ. અને હું ખરેખર પૌષ્ટિક આહાર લેવાનું શરૂ કરું તો એ કાર્ય થયું.
જ્યારે વિચાર કરવાથી કોઈ પરિણામ નથી મળતું તો પછી શું કામ આપણે વિચાર કરીએ છીએ? કારણકે વિચાર કરવાથી આપણને એવું લાગે છે કે આપણે પ્રગતિ કરી રહ્યા છીએ, નિષ્ફળ થવાનું જોખમ લીધા વિના. આપણે ટીકાની અવગણના કરવામાં માહેર છીએ. જાહેરમાં નિષ્ફળ જવું સારું નથી લાગતું, એટલે જ્યાં એવું થવાનું હોય એવી પરિસ્થિતિઓ આપણે ટાળીએ છીએ. અને આ જ સૌથી મોટું કારણ છે કે આપણે કામ કરવાને બદલે વિચાર કર્યા કરીએ છીએ. આપણે નિષ્ફળ જવા નથી માંગતા.
જો તમે કોઈ કામમાં નિપુણ થવા માંગો છો તો મહત્વનુ છે પુનરાવર્તન, નહીં કે પરફેકશન. તો ત્રીજા નિયમનો પહેલો સાર છે: પુનરાવર્તન.
તો હવે સવાલ એ છે કે નવી આદત બનાવવામાં ખરેખર કેટલો સમય લાગે છે?
આદતોનું નિર્માણ એક એવી પ્રક્રિયા છે જેમાં પુનરાવર્તન થકી એક વર્તન ક્રમશઃ આપોઆપ થવા લાગે છે. જેટલું વધારે તમે કોઈ પ્રવૃત્તિનું પુનરાવર્તન કરશો એટલું જ તમારા મગજનું બંધારણ એ પ્રવૃત્તિને અસરકારક રીતે કરવા માટે બદલાશે. ન્યુરોસાયન્ટિસ્ટ આને લાંબા ગાળાની ક્ષમતા કહે છે, જેનો સંદર્ભ હાલની પ્રવૃત્તિની પેટર્નના આધારે મગજમાં ન્યુરોન્સ વચ્ચેના જોડાણોની મજબૂતી સાથે છે. દરેક પુનરાવર્તન સાથે ન્યુરલ કનેક્શન વધારે મજબૂત થાય છે.
આદતોના પુનરાવર્તનને લીધે મગજમાં ખરેખર શારીરિક બદલાવ જોવા મળે છે. સંગીતકારોમાં નાનું મગજ કે જે જટિલ શારીરિક હલનચલન માટે જવાબદાર હોય છે એ સામાન્ય લોકો કરતાં મોટું હોય છે. જ્યારે ગણિતશાસ્ત્રીઓમાં ગ્રે મેટર વધારે જોવા મળે છે, જે ગણતરીઓ કરવામાં મહત્વનો ભાગ ભજવે છે. જેનો સીધો સંબંધ ગણિતશાસ્ત્રીએ કેટલો સમય કામમાં વિતાવ્યો છે એની સાથે છે. ગણિતશાસ્ત્રી જેટલો અનુભવી એટલું ગ્રે મેટર વધારે.
દરેક વખતે જ્યારે તમે કોઈ પ્રક્રિયાનું પુનરાવર્તન કરો છો, ત્યારે તમે એ આદત સાથે જોડાયેલી ચોક્કસ ન્યુરલ સર્કિટને સક્રિય કરો છો. એનો મતલબ કોઈપણ નવી આદતને કાયમી બનાવવા માટેનું સૌથી જરૂરી પગલું છે પુનરાવર્તન. એટલે જ જે વિદ્યાર્થીઓએ પુષ્કળ ફોટાઓ લીધા એમના કસબની ધાર નીકળી જ્યારે જે વિદ્યાર્થીઓ પરફેક્ટ ફોટાની ચર્ચાઓ કરતાં રહ્યા એમનું કઈ ન ઉપજ્યું.
મહત્વનુ એ નથી કે નવી આદત બનાવવામાં કેટલો સમય લાગે છે? મહત્વનુ છે કે આદતનું કેટલીવાર પુનરાવર્તન થાય છે. તો આદત બનાવવા માટે પુનરાવર્તન જરૂરી છે અને એ કેવી રીતે થશે એ આપણે હવે જોઈશું.
ઉર્જા કિંમતી છે અને મગજ જ્યારે પણ શક્ય હોય એને બચાવવા માટે ટેવાયેલું છે. ઓછામાં ઓછો પ્રયાસ કરવો એ માનવસહજ સ્વભાવ છે, જે દર્શાવે છે કે જ્યારે પણ આપણે કોઈ બે સરખા વિકલ્પની પસંદગી કરવાની આવે ત્યારે સ્વાભાવિક રીતે જ આપણે એવા વિકલ્પ તરફ વળીએ છીએ જેમાં ઓછી મહેનત હોય. તમારા જીવનનો મોટાભાગનો સમય ખાઈ જતાં કોઈપણ વર્તન તરફ જોશો તો ખ્યાલ આવશે કે એ કામ કરવા માટે ખૂબ જ નહિવત પ્રેરણાની જરૂર પડે છે. ફોન વાપરવામાં કે ટીવી જોવામાં કલાકો નીકળી જાય છે કારણકે એ બધા કામો કરવામાં બહુ મહેનત નથી કરવી પડતી.
એનો અર્થ એવો નથી કે તમારે ફક્ત સરળ કામો જ કરવાના છે અને અઘરા કામો કરવાના જ નથી. તમારે કામને શક્ય એટલું સરળ બનાવવાનું છે જેથી તમે એને આસાનીથી કરી શકો.
ઓછી મહેનતે વધારે પરિણામ કેવી રીતે મેળવશો
ધારો કે તમે એક પાણીનો પાઇપ પકડીને ઊભા છો જે વચ્ચેથી વળેલો છે. પાણી વહી રહ્યું છે પણ ધીમું. જો તમારે પાણીનો ફોર્સ વધારવો હોય તો બે વિકલ્પો છે. એક નળ થોડો વધારે ખોલી દો અને બીજું પાઇપ જ્યાંથી વળેલો છે ત્યાંથી એને સીધો કરી દો.
કોઈપણ અઘરી આદતને ટકાવી રાખવા માટે પ્રેરિત થવું એ પહેલો વિકલ્પ અપનાવવા જેવું છે. તમે કરી તો શકો છો પરંતુ એ ખૂબ મહેનત માંગી લેશે અને એના લીધે તમારી જિંદગીમાં તણાવ પેદા થશે. જ્યારે આદતોને સરળ બનાવવું એ બીજો વિકલ્પ અપનાવવા જેવું છે. સંઘર્ષનો સામનો કરવાને બદલે તમે એને ઘટાડી દો છો.
આ પણ વાંચો - ખરાબ આદતો પાછળના કારણો શોધીને એને કેવી રીતે દૂર કરશો
તમારી આદત સાથે જોડાયેલા સંઘર્ષને ઘટાડવાના સૌથી અસરકારક રસ્તાઓમાંથી એક છે તમારી આસપાસના વાતાવરણને અનુકૂળ બનાવો. આદતો આસાન બની જાય છે જ્યારે એ તમારા રોજિંદા જીવન સાથે બંધબેસતી હોય. જો તમારે આખા દિવસ દરમ્યાન પૂરતા પ્રમાણમા પાણી પીવું છે તો પાણીની બોટલ હાથવગી રાખો. એવું વાતાવરણ ઊભું કરો જ્યાં યોગ્ય કામ કરવું ખૂબ જ સરળ હોય. સારી આદતો બનાવવા માટે સંઘર્ષ શક્ય હોય એટલો ઘટાડી દો અને ખરાબ આદતો છોડવા માટે સંઘર્ષ શક્ય હોય એટલો વધારી દો.
0 ટિપ્પણીઓ