Ad Code

Ticker

    Loading......

બીજો નિયમ : એને આકર્ષક બનાવો | ખરાબ આદતો પાછળના કારણો શોધીને એને કેવી રીતે દૂર કરશો



દરેક વર્તણૂકની સાથે એક ઈચ્છા જોડાયેલી હોય છે અને એની પાછળ એક મૂળભૂત હેતુ હોય છે. તમને ઘણીવાર મીઠાઇ ખાવાની ઈચ્છા થતી હશે. હવે જો તમને પુછવામાં આવે કે “શું કામ ખાવી છે?” તો તમે એમ તો નહીં જ કહો “કારણકે હું જીવતો રહેવા માંગુ છું.” પણ વાસ્તવમાં તમે એટલે જ મીઠાઇ ખાવા માટે પ્રેરિત થાઓ છો કારણકે જીવતા રહેવા માટે ખાવું જરૂરી છે. તમારી ઈચ્છા ચોક્કસપણે મીઠાઇ ખાવાની જ હોય તો પણ એની પાછળનો મૂળભૂત હેતુ ખોરાક અને પાણી મેળવવાનો છે.

ઈચ્છાઓ મૂળભૂત હેતુની એક નિશ્ચિત અભિવ્યક્તિ જ છે. તમને સિગારેટ પીવાની, સોશિયલ મીડિયા વાપરવાની કે વિડિયો ગેમ રમવાની ઈચ્છા નથી થતી. મૂળભૂત રીતે તમે ચિંતા દૂર કરવા, સામાજિક સ્વીકૃતિ અને મોભો મેળવવા માંગો છો.

મૂળભૂત હેતુને સંતોષવાના ઘણાબધા રસ્તા છે. એક વ્યક્તિ તણાવ દૂર કરવા માટે સિગારેટ પીવાનું શીખે છે. બીજી વ્યક્તિ તણાવથી આરામ મેળવવા માટે દોડવા જવાનું શીખે છે. તમારી હાલની આદતો તમે જે સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો એના નિરાકરણ માટેનો શ્રેષ્ઠ રસ્તો હોય એવું જરૂરી નથી. એ ફક્ત તે પદ્ધતિઓ છે જેનો ઉપયોગ કરવાનું તમે શીખી ગયા છો. એકવાર તમે જે સમસ્યા હલ કરવા માંગો છો એના ઉકેલને એ સમસ્યા સાથે સાંકળી દો છો, ત્યારબાદ વારંવાર તમે એ દોહરાવો છો. આદતો એ બીજું કઈ નહીં જોડાણો જ છે. જોડાણો જ નક્કી કરે છે કે આદત દોહરાવવા લાયક છે કે નહીં.

પહેલા નિયમ વખતે આપણે જોયું હતું એમ, તમારું મગજ સતત આસપાસના વાતાવરણ માંથી માહિતી ગ્રહણ કરતું રહે છે અને સંકેતોની નોંધ લેતું રહે છે. દરેક વખતે જ્યારે તમે કોઈ સંકેત જુઓ છો ત્યારે તમારું મગજ હવે પછી શું કરવું એની આગાહી કરે છે.

તમે જુઓ છો કે સગડી ગરમ છે. તમારું મગજ આગાહી કરે છે. જો હું સગડીને સ્પર્શ કરીશ તો હું બળી જઈશ એટલે તમે એમ કરવાનું ટાળો છો. તમે કોઈ સંકેત જુઓ છો, ભૂતકાળના અનુભવના આધારે તેનું વર્ગીકરણ કરો છો, અને યોગ્ય પ્રતિભાવ નક્કી કરો છો.

બે વ્યક્તિઓ એક જ સિગારેટની સામે જુએ છે, પહેલી વ્યક્તિને સિગારેટ પીવાની તીવ્ર ઈચ્છા થાય છે જ્યારે બીજો એની ગંધથી જ દૂર ભાગે છે. એક સરખો સંકેત તમારા અનુમાનને આધારે તમારી અંદર સારી કે ખરાબ આદતને જગાડે છે. તમારી આદતોનું કારણ વાસ્તવમાં તેમની પહેલાની આગાહી છે.

આ આગાહીઓ લાગણીઓ તરફ દોરી જાય છે, જેને આપણે સામાન્ય રીતે તૃષ્ણા કહીએ છીએ - એક લાગણી, એક ઇચ્છા, એક વિનંતી. લાગણીઓ આપણે જે સંકેતો જોઈએ છીએ અને જે અનુમાનો કરીએ છીએ તેને એક સિગ્નલમાં પરિવર્તિત કરે છે જેને આપણે લાગુ કરી શકીએ. તેઓ આપણને એ સમજવામાં મદદ કરે છે કે હાલમાં આપણે શું અનુભવી રહ્યા છીએ. દાખલા તરીકે, જાણતા કે અજાણતા, હાલ તમે કેટલી ઠંડી કે ગરમી અનુભવો છો એની નોંધ લઈ રહ્યા છો. જો તાપમાન દસ ડિગ્રી નીચે જશે તો તમને ઠંડી લાગશે અને તમે બીજા કપડાં પહેરશો. ઠંડી લાગવી એ સિગ્નલ હતું જેણે તમને કાર્ય કરવા માટે પ્રેરિત કર્યા. તમે સંકેતને સતત અનુભવી રહ્યા હતા, પરંતુ જ્યારે તમે અનુમાન કરો છો કે બીજી સ્થિતિમાં વધારે સારું લાગશે ત્યારે જ તમે પગલાં ભરો છો.

તૃષ્ણા દ્વારા આપણને ખબર પડે છે કે કઈક ખૂટી રહ્યું છે. તે તમારી આંતરિક સ્થિતિને બદલવાની ઈચ્છા છે. જ્યારે તાપમાન ઘટે છે, ત્યારે તમારું શરીર શું અનુભવી રહ્યું છે અને શું અનુભવવા માંગે છે એમાં તફાવત હોય છે. હાલની સ્થિતિ અને ઇચ્છિત સ્થિતિ વચ્ચેનો તફાવત જ કાર્ય કરવા માટેનું કારણ પૂરું પાડે છે.



ટૂંકમાં, કોઈ નિશ્ચિત ઈચ્છા અનુભવવી અને તમારી આદતોને અમલમાં મૂકવી ખરેખર તો મૂળભૂત હેતુઓને સંતોષવાનો પ્રયાસ જ છે. જ્યારે પણ કોઈ આદત સફળતાપૂર્વક કોઈ હેતુને સંતોષે છે ત્યારે તમે એને દોહરાવવાની ઈચ્છા વિકસિત કરી લો છો. સમય જતાં, તમે અનુમાન લગાવતા શીખી જાઓ છો કે સોશિયલ મીડિયા તમને પ્રેમ અનુભવવામાં મદદ કરે છે અથવા યુટ્યુબ જોવું તમને તમારા ડરને ભૂલી જવાની છૂટ આપે છે. આદતોને જ્યારે આપણે હકારાત્મક લાગણીઓ સાથે જોડીએ છીએ ત્યારે તે આકર્ષક લાગે છે, અને આ જાણકારીનો ઉપયોગ આપણે નુકસાનને બદલે આપણાં ફાયદા માટે કરી શકીએ છીએ.

અઘરી આદતોને માણવા માટે કઈ રીતે તમારા મગજને તૈયાર કરશો?

તમે અઘરી આદતોને વધારે આકર્ષક બનાવી શકો છો જો તમે એની સાથે કોઈ હકારાત્મક અનુભવ જોડતા શીખી જાઓ તો. ઘણીવાર જરૂર હોય છે માનસિકતામાં થોડું પરિવર્તન લાવવાની. આદતોની ખામીઓને બદલે ખૂબીઓ પર ધ્યાન આપવું એ આદતોને આકર્ષક બનાવવા માટેનો સૌથી ઝડપી અને સરળ રસ્તો છે.

ઘણા લોકો કસરતને પડકારરૂપ અને થકવી નાખનારી પ્રવૃત્તિ તરીકે જોતાં હોય છે. પોતાની જાતને “મારે સવારે દોડવા જવાનું છે.” એમ કહેવાને બદલે “દોડવાથી મારી સહનશક્તિ અને ઝડપ વધશે.” એમ કહો.

પૈસા બચાવવાને બલિદાન તરીકે જોવામાં આવે છે. પરંતુ જો તમે એમ વિચારશો કે આજે પૈસા બચાવવાથી આવતીકાલની મૂડી વધશે તો તમે બંધનને બદલે આઝાદી અનુભવશો. આ મહિને બચાવેલા પૈસાથી આવતા મહિનાની તમારી ખરીદ શક્તિ વધશે.

ઘણા લોકોને કોઈ મહત્વના કાર્યક્રમ (ખાસ કરીને કોઈ ઇન્ટરવ્યુ અથવા પ્રેઝેંટેશન) પહેલા પરસેવા છૂટી જતાં હોય છે. ગભરાટને લીધે હ્રદયના ધબકારા વધી જતાં હોય છે. તમે “હું નર્વસ છું” એમ વિચારવાને બદલે “હું ખૂબ જ ઉત્સાહિત છું અને આ ઉર્જા મને ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદરૂપ થશે.” એવું વિચારી શકો છો.


તમે હજી એક કદમ આગળ વધી શકો છો. તમને જે કામમાં મજા આવતી હોય એની સાથે તમારી આદતોને જોડી શકો છો. પછી જ્યારે પણ તમને પ્રેરણાની જરૂર પડે તમે એ સંકેતનો ઉપયોગ કરી શકો છો. દાખલા તરીકે દોડવા જતી વખતે તમને ગમતું ગીત સાંભળો. તમે એ ગીતને દોડવા સાથે જોડવાનું શરૂ કરી દેશો. પછી જ્યારે પણ તમે એ ગીત સાંભળશો દોડવા માટે તૈયાર થઈ જશો.

ખરાબ આદતોથી છૂટકારો મેળવવા માટે એની સાથે જોડાયેલી માનસિકતાને બદલો. આ એટલું આસાન નથી, પરંતુ જો તમે તમારા અનુમાનોને બદલશો તો તમે એક અઘરી આદતને આકર્ષક બનાવી શકશો.

WhatsApp Group Link

Telegram Channel Link





Reactions

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ