Ad Code

Ticker

6/recent/ticker-posts

ચોથો નિયમ – એને સંતોષકારક બનાવો



સારી આદતોની કિંમત તમારે વર્તમાનમાં ચૂકવવી પડે છે. ખરાબ આદતોની કિંમત તમારે ભવિષ્યમાં ચૂકવવી પડે છે.

1990 ના દાયકાના અંતમાં, સ્ટીફન લુબી નામના જાહેર આરોગ્ય કાર્યકર્તા (Public Health Worker) એ કરાચી પાકિસ્તાનની ફક્ત જવાની ટિકિટ લઈને તેનું વતન ઓમાહા, નેબ્રાસ્કા છોડી દીધું.

કરાચી દુનિયાના સૌથી ગીચ શહેરોમાંનું એક હતું. 1998 સુધીમાં 9 મિલિયન લોકોનું એ ઘર ગણાતું. આકર્ષક એરપોર્ટ્સ અને બંદરો ધરાવતું પાકિસ્તાનનું આર્થિક અને પરિવહન કેન્દ્ર હતું. શહેરના વ્યાવસાયિક ભાગોમાં તમામ પ્રમાણભૂત શહેરી સુવિધાઓ અને ધમધમતી શેરીઓ જોવા મળે. પરંતુ કરાચી દુનિયાના રહેવાલાયક ન હોય એવા શહેરોમાંનું પણ એક હતું.

કરાચીના 60 ટકાથી વધુ રહેવાસીઓ ગેરકાનૂની રીતે અને ઝૂંપડપટ્ટીમાં રહેતા હતા. ત્યાં ન તો કચરાના નિકાલની કોઈ વ્યવસ્થા હતી, ન તો વીજળીની કે ન તો ચોખ્ખા પાણીની સુવિધા હતી. જ્યારે શેરીઓ સૂકી હોય ત્યારે ધૂળ અને કચરાથી ભરેલી રહેતી અને જ્યારે ભીની હોય ત્યારે કાદવની ગટર બની જતી. બંધિયાર પાણીના ખાબોચિયામાં મચ્છરો ઉભરાતા અને બાળકો કચરામાં રમ્યા કરતાં.

આવી અસ્વચ્છ પરિસ્થિતિને લીધે બીમારી અને રોગચાળો ફેલાતો. ગીચતાને લીધે બેક્ટેરિયા અને વાઇરસનું સંક્રમણ ઝડપથી ફેલાતું. આ જાહેર આરોગ્ય સંકટ જ સ્ટીફન લુબીને પાકિસ્તાન ખેંચી લાવ્યું હતું.

લુબી અને એની ટીમને સમજાયું કે આવા ખૂબ જ અસ્વચ્છ વાતાવરણમાં જો લોકો હાથ ધોવા જેવી મામૂલી આદત અપનાવે તો પણ નિવાસીઓના સ્વાસ્થ્યમાં ખાસ્સો સુધારો આવી શકે છે. પરંતુ જલ્દી જ એમણે શોધ્યું કે ઘણા બધા લોકોને પહેલેથી જ હાથ ધોવાના મહત્વ વિશે ખબર છે. તેમ છતાં લોકો આડેધડ હાથ ધોતા હતા. સમસ્યા જાણકારીની નહીં સુસંગતતા(consistency)ની હતી.

ત્યારે લુબી અને એની ટીમે લોકોને સેફગાર્ડ સાબુ આપવાનું નક્કી કર્યું. સામાન્ય સાબુની સરખામણીએ સેફગાર્ડ સાબુ વાપરવાનો અનુભવ વધારે આનંદદાયક હતો. અભ્યાસમાં સામેલ લોકોએ કહ્યું કે એમને કેટલી મજા આવે છે. સાબુથી ફીણ સહેલાઇથી નીકળતો અને સુગંધ પણ સારી આવતી હતી. તરત જ હાથ ધોવું થોડું વધારે આનંદદાયક બની ગયું.

મહિનાઓની અંદર જ સંશોધકોએ બાળકોના સ્વાસ્થ્યમાં ઝડપી પરિવર્તન જોયું. ડાયેરિયા 52 ટકા, ન્યુમોનિયા 48 ટકા અને ચામડીના રોગો 35 ટકા સુધી ઘટી ગયા. લાંબા ગાળાની અસરો વધારે સારી હતી. લુબીની ટીમે જ્યારે 6 વર્ષ પછી ફરી મુલાકાત લીધી ત્યારે 95 ટકાથી વધારે ઘરો જેમને મફતમાં સાબુ આપીને હાથ ધોવા માટે પ્રોત્સાહિત કરેલાં એમને ત્યાં હાથ ધોવા માટે સાબુ અને પાણીની સુવિધા હતી. “અમે પાંચ વર્ષથી એમને કોઈ કોઈ સાબુ આપ્યો નહોતો પરંતુ પ્રયોગ દરમ્યાન એ લોકો હાથ ધોવાથી એટલા ટેવાઇ ગયેલા કે પછી એ ટેવ એમણે જાળવી રાખી.” લુબીની ટીમે કહ્યું. એ વર્તન પરિવર્તનના ચોથા અને છેલ્લા નિયમ: એને સંતોષકારક બનાવોનું મજબૂત ઉદાહરણ હતું.

જ્યારે અનુભવ સંતોષકારક હોય ત્યારે આપણી એ વર્તનનું પુનરાવર્તન કરવાની શક્યતા વધી જાય છે. આનંદ તમારા મગજને શીખવાડે છે કે વર્તન પુનરાવર્તન કરવા અને યાદ રાખવાલાયક છે. તેનાથી વિપરીત, જો અનુભવ સંતોષકારક નહીં હોય તો આપણી પાસે એને દોહરાવવાનું કોઈ કારણ નહીં હોય.

વર્તન પરિવર્તનના પહેલાં ત્રણ નિયમો – એને સ્પષ્ટ બનાવો, એને આકર્ષક બનાવો અને એને સરળ બનાવો – આ વખતે વર્તન થશે એની શકયતાઓ વધારે છે. વર્તન પરિવર્તનનો ચોથો નિયમ – એને સંતોષકારક બનાવો – વર્તન ફરીવાર દોહરાશે એની શકયતાઓ વધારે છે. એ આદતનું વર્તુળ પૂર્ણ કરે છે.

પરંતુ આ એક સમસ્યા છે. આપણે કોઈપણ પ્રકારના સંતોષની પાછળ નથી ભાગતા. આપણે ત્વરિત સંતોષની પાછળ ભાગીએ છીએ.



ત્વરિત અને વિલંબિત સંતોષ વચ્ચેનો તફાવત

આજના આધુનિક સમયમાં, તમે પસંદ કરેલા મોટાભાગના વિકલ્પોથી તરત ફાયદો નથી થતો. તમે નોકરી સારી રીતે કરશો તો પગાર તમને આવતા મહિને મળશે. તમે આજે કસરત કરશો તો તમારું વજન મહિનાઓ પછી વધશે કે ઘટશે. જો તમે આજે પૈસા બચાવશો તો દસકાઓ પછી નિવૃત્તિના સમયે તમારી પાસે પૂરતા પૈસા હશે. તમને તમારું ઇચ્છિત પરિણામ મળે એની પહેલા તમે વર્ષો સુધી કામ કરો છો.

આધુનિક માનવીના સૌથી જૂના પૂર્વજો કે જેને હોમો સેપિયન્સ તરીકે ઓળખવામાં આવે છે, એ લગભગ બે લાખ વર્ષ જેટલા જૂના છે. તેઓ પહેલા એવા માનવીઓ હતા જેમનું મગજ સરખામણીમાં આપણાં જેવુ હતું. તમારી પાસે પણ એ જ હાર્ડવેર છે જે તમારા પાષાણયુગના પૂર્વજો પાસે હતું. તે સમયે તમારા મોટાભાગના નિર્ણયો ત્વરિત અસર કરનારા હતા. તમે સતત શું ખાવું, ક્યાં સૂવું અને શિકારીથી કેમ બચવું એના વિચારોમાં જ ખોવાયેલા રહેતા હતા. તમારું બધું ધ્યાન વર્તમાન અથવા નજીકના ભવિષ્ય પર રહેતું. તમારા બધા જ વર્તનોનું પરિણામ ત્વરિત મળતું હતું. માનવ મગજનો વિકાસ વિલંબિત પરિણામો આપતા જીવન માટે થયો જ નથી.

તાજેતરમાં – છેલ્લા પાંચસો કે તેથી વધુ વર્ષો દરમિયાન – સમાજ મુખ્યત્વે વિલંબિત પરિણામો આપતા વાતાવરણ તરફ વળ્યો.

આપણાં પૂર્વજોનો આખો દિવસ ગંભીર ખતરાઓની પ્રતિક્રિયા આપવામાં, ભોજન અને આશરાની વ્યવસ્થા કરવામાં જ પસાર થતો. ત્વરિત પરિણામોનું મહત્વ સમજી શકાય છે. દૂરના ભવિષ્યની ચિંતા ઓછી હતી. અને હજારો વર્ષો સુધી ત્વરિત પરિણામ આપતા વાતાવરણમાં રહેવાને લીધે આપણું મગજ એવી રીતે વિકસિત થયું જે લાંબા ગાળા કરતાં તરત મળતા પરિણામો વધારે પસંદ કરવા લાગ્યું.

વર્તન અર્થશાસ્ત્રીઓ (Behavioral Economists) આવા વલણને સમયની અસંગતતા તરીકે ઓળખાવે છે. એનો મતલબ જે રીતે તમારું મગજ પરિણામોનું મૂલ્યાંકન કરે છે એ સમયની સાથે અસંગત હોય છે. તમે ભવિષ્ય કરતાં વર્તમાનને વધારે મહત્વ આપો છો. ભવિષ્યમાં જે મળવાનું છે એના કરતાં અત્યારે ચોક્કસપણે જે મળી રહ્યું છે તે સામાન્ય રીતે વધારે મૂલ્યવાન લાગે છે. પરંતુ ક્યારેક ત્વરિત પરિણામો માટેનો આપણો લગાવ સમસ્યાઓ પેદા કરે છે.

કોઈ શું કામ ધૂમ્રપાન કરશે જો એમને ખબર હોય કે ધૂમ્રપાન કરવાથી ફેફસાના કેન્સરનું જોખમ વધે છે? કોઈ શું કામ અતિશય ખાશે જ્યારે એમને ખબર હોય કે આવું કરવાથી ઓબેસિટીનું જોખમ વધશે? એક વાર તમે સમજી જાઓ કે મગજ કેવી રીતે પરિણામોને પ્રાથમિકતા આપે છે પછી જવાબ સરળ છે: ખરાબ આદતોના માઠા પરિણામો લંબાય છે જ્યારે સંતોષ તરત જ મળે છે. ધૂમ્રપાનથી કદાચ દસ વર્ષો પછી તમારું મોત નીપજે, પરંતુ અત્યારે તો એ તમારો તણાવ ઘટાડીને તમારી નિકોટિન માટેની તૃષ્ણાને ઓછી કરશે. અતિશય ખાવું લાંબા ગાળે નુકસાન કરે છે પરંતુ હાલમાં તો મોહક લાગે છે.

આપણી ખરાબ આદતોનું ત્વરિત પરિણામ સારું લાગે છે પરંતુ અંતિમ પરિણામ ખરાબ હોય છે. સારી આદતોમાં એથી ઊલટું, ત્વરિત પરિણામ કષ્ટદાયક હોય છે પરંતુ અંતિમ પરિણામ સારું હોય છે. બીજી રીતે કહીએ તો, સારી આદતોની કિંમત તમારે વર્તમાનમાં ચૂકવવી પડે છે. ખરાબ આદતોની કિંમત તમારે ભવિષ્યમાં ચૂકવવી પડે છે.

હવે જ્યારે આપણે વિલંબિત સંતોષનું મહત્વ સમજી ગયા છીએ તો પોતાની જાતને એની માટે તૈયાર કેવી રીતે કરવી? જો કે એ કામ આપણે માનવ સ્વભાવની વિરુદ્ધ જઈને નથી કરવાનું એને ધ્યાનમાં રાખીને કરવાનું છે. સૌથી શ્રેષ્ઠ ઉપાય છે લાંબા ગાળે ફાયદો કરતી આદતોમાં થોડું ઘણું ત્વરિત સુખ ઉમેરી દો અને લાંબા ગાળે નુકસાન કરતી આદતોમાં થોડું ઘણું ત્વરિત દુ:ખ ઉમેરી દો.

ત્વરિત સંતોષનો ફાયદો કેવી રીતે ઉઠાવશો?

આપણે અહિયાં ખરેખર શેની વાત કરી રહ્યા છીએ – જ્યારે આપણે ત્વરિત સંતોષની ચર્ચા કરીએ છીએ – એ છે વર્તનનો અંત. કોઈપણ અનુભવનો અંત મહત્વપૂર્ણ હોય છે કારણકે બીજા કોઈપણ તબક્કા કરતાં આપણે તેને વધારે યાદ રાખીએ છીએ. તમે તમારી આદતના અંતને સંતોષકારક બનાવવા માંગો છો. તમારી આદતને ત્વરિત સંતોષ સાથે જોડી દો, જેથી જ્યારે તમે એને પૂર્ણ કરશો ત્યારે એ સંતોષકારક લાગશે.

એક દંપતીને બહાર જમવા જવાની ટેવ હતી. તેઓ આ આદત છોડીને ઘરે રસોઈ બનાવવાની આદત વિકસાવવા માંગતા હતા. તેઓએ “યુરોપની યાત્રા” નામનું એક સેવિંગ્સ અકાઉન્ટ બનાવ્યું. જ્યારે પણ તેઓ બહાર જમવા જવાનું ટાળે ત્યારે એ અકાઉન્ટમાં 500 રૂ. જમા કરતાં. વર્ષને અંતે તેઓ વેકેશન માટે રૂપિયા ભેગા કરી રહ્યા હતા. તમારા અકાઉન્ટમાં વધતું બેલેન્સ જોઈને તમે સંતોષ અનુભવો છો.


આદત લાંબી ટકી રહે એ માટે સંતોષકારક હોવી જોઈએ. સરસ સુગંધીદાર સાબુ કે અકાઉન્ટમાં વધતું બેલેન્સ – ત્વરિત સંતોષ આપે છે જે આદતને માણવા માટે જરૂરી છે. અને પરિવર્તન સરળ બની જાય છે જ્યારે આનંદદાયક હોય છે.

WhatsApp Group Link

Telegram Channel Link


Reactions

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ