ઊકળતું પાણી બટેટાને નરમ બનાવી દે છે જ્યારે ઇંડાને કઠણ. તમે બટેટુ છો કે ઈંડું એ તમારા હાથમાં નથી પરંતુ તમે એવું ક્ષેત્ર પસંદ કરી શકો છો જ્યાં કઠણ કે નરમ થવામાં ફાયદો હોય.
ઘણા લોકો માઈકલ ફેલ્પ્સથી પરિચિત હશે, જેની ગણના ઈતિહાસના સૌથી મહાન રમતવીરો પૈકીનાં એકમાં થાય છે. ફેલ્પ્સે માત્ર કોઈપણ તરવૈયા કરતાં જ નહીં પરંતુ કોઈપણ રમતમાં કોઈપણ ઓલિમ્પિયન કરતાં વધુ ઓલિમ્પિક મેડલ જીત્યા છે.
ઘણા ઓછા લોકોને આ નામ વિશે ખબર હશે હિચમ અલ ગ્યુરોજ (Hicham El Guerrouj), પરંતુ તે પોતાની રીતે એક અદભૂત રમતવીર હતો. અલ ગ્યુરોજ એક મોરોક્કન દોડવીર છે જેની પાસે બે ઓલિમ્પિક ગોલ્ડ મેડલ્સ છે અને તે અત્યાર સુધીના સૌથી મહાન મધ્યમ અંતરના દોડવીરો પૈકીનાં એક છે. ઘણા વર્ષો સુધી, માઇલ, 1,500-મીટર અને 2,000-મીટરની દોડમાં એણે વર્લ્ડ રેકોર્ડ કાયમ રાખેલો. 2004માં ગ્રીસના એથેન્સમાં ઓલિમ્પિક ગેમ્સમાં, એણે 1,500-મીટર અને 5,000-મીટરની રેસમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.
આ બે રમતવીરો ઘણી રીતે અલગ છે. એક જમીન ઉપર સ્પર્ધા કરે છે જ્યારે બીજો પાણીમાં. પરંતુ સૌથી નોંધપાત્ર રીતે, તેઓ ઊંચાઈમાં ખાસ્સા અલગ પડે છે. અલ ગ્યુરોજ પાંચ ફૂટ નવ ઇંચ લાંબો છે. ફેલ્પ્સ છ ફૂટ ચાર ઇંચ લાંબો છે. ફેલ્પ્સની લંબાઈના પ્રમાણમાં એના પગ ટૂંકા અને ધડ લાંબુ છે, તરવા માટે પરફેક્ટ. અલ ગ્યુરોજના પગ લાંબા અને ધડ ટૂંકું છે, લાંબા અંતરની દોડ માટે પરફેક્ટ.
હવે ધારો કે આ બે વર્લ્ડ ક્લાસ રમતવીરોને પોતાની રમત બદલવાનું કહેવામાં આવે. શું માઈકલ ફેલ્પ્સ પૂરતી ટ્રેનીંગ સાથે એક લાંબા અંતરનો સમર્થ ઓલિમ્પિક દોડવીર બની શકે? અસંભવ છે. જ્યારે સંપૂર્ણરીતે ફિટ હોય ત્યારે ફેલ્પ્સનું વજન 87 કિલો હોય છે, અલ ગ્યુરોજ કરતાં 40 ટકા વધારે, જ્યારે અલ ગ્યુરોજનું વજન પ્રમાણમાં ખૂબ જ ઓછું 62 કિલો હોય છે. લાંબા દોડવીરો ભારે દોડવીરો છે, અને વાત જ્યારે લાંબા અંતરની દોડની હોય ત્યારે દરેક કિલો શાપ બની જતું હોય છે. તગડી સ્પર્ધા સામે ફેલ્પ્સ શરૂઆતથી જ નબળો રહેશે.
એવી જ રીતે, અલ ગ્યુરોજ કદાચ ઇતિહાસના શ્રેષ્ઠ દોડવીરોમાંનો એક હોય શકે છે, પરંતુ તે એક તરવૈયા તરીકે ક્યારેય ઓલિમ્પિક માટે લાયક બની શકશે કે કેમ તે શંકાનો વિષય છે. 1976થી, ઓલિમ્પિકમાં પુરુષોની 1500 મીટરની રેસમાં ગોલ્ડ મેડલ મેળવનારાઓની સરેરાશ ઊંચાઈ 5 ફૂટ 10 ઇંચ રહી છે. જેની સરખામણીએ, ઓલિમ્પિકમાં પુરુષોની 100 મીટરની ફ્રી સ્ટાઇલ સ્વિમમાં ગોલ્ડ મેડલ મેળવનારાઓની સરેરાશ ઊંચાઈ 6 ફૂટ 4 ઇંચ રહી છે.
તરવૈયાઓ ઊંચા હોય છે અને તેમની પીઠ અને હાથ લાંબા હોય છે, જે તરવા માટે આદર્શ હોય છે. અલ ગ્યુરોજ તરવા જતાં તો પણ ગંભીર નુકસાનમાં હતા.
તમારી સફળતાની સંભાવનાઓને વધારવાનું રહસ્ય છે સ્પર્ધા માટે સાચા ક્ષેત્રની પસંદગી. તરવામાં માઈકલ ફેલ્પ્સ અને દોડવામાં અલ ગ્યુરોજની જેમ, તમે એવી રમત રમવા માંગો છો જ્યાં સંભાવનાઓ તમારી તરફેણમાં હોય.
જીનેટિક્સની તાકાત જ તેની નબળાઈ છે. જીન્સ સરળતાથી બદલી નથી શકાતા, એનો મતલબ તેઓ અનુકૂળ પરિસ્થિતિમાં સારો એવો ફાયદો કરે છે જ્યારે પ્રતિકૂળ પરિસ્થિતિમાં ખૂબ જ નુકસાન પહોંચાડે છે. આપણું વાતાવરણ આપણાં જીન્સની અનુકૂળતા અને આપણી કુદરતી પ્રતિભાની ઉપયોગિતા નક્કી કરે છે. જ્યારે વાતાવરણ બદલાય છે ત્યારે સફળતા નક્કી કરતાં ગુણો પણ બદલાય છે.
કોઈપણ સ્પર્ધાત્મક ક્ષેત્રની ટોચ પર બિરાજમાન લોકો ફક્ત સારી રીતે પ્રશિક્ષિત જ નથી પરંતુ તેઓ એ કામ માટે પણ એટલા જ યોગ્ય છે. એટલે જ, જો તમે ખરેખર શ્રેષ્ઠ બનવા માંગો છો તો સાચા ક્ષેત્રની પસંદગી કરવી ખૂબ જ જરૂરી છે. ટૂંકમાં, જીન્સ તમારી નિયતિ નક્કી નથી કરતાં. એ તમારી તકના ક્ષેત્રો નક્કી કરે છે.
સંભાવનાઓ તમારી તરફેણમાં હોય એવા ક્ષેત્રો કેવી રીતે શોધશો?
સંભાવનાઓ તમારી તરફેણમાં હોય એવા કામો કરતાં રહેવું પ્રેરણા ટકાવી રાખવા માટે અને સફળતા અનુભવવા માટે જરૂરી છે. સૈદ્ધાંતિક રીતે તમે લગભગ બધુ જ માણી શકો છો. વાસ્તવમાં તમે એવી જ વસ્તુઓ માણી શકશો જે તમે સરળતાથી કરી શકો છો. જે લોકો અમુક ક્ષેત્રોમાં પ્રતિભાશાળી હોય છે તેઓ જે-તે કામ કરવા માટે વધારે સક્ષમ હોય છે અને પછી એમને એ કામ સારી રીતે કરવા માટે પ્રશંસા પણ મળે છે. તેઓ ઉત્સાહિત રહે છે કારણકે તેઓ પ્રગતિ કરી રહ્યા છે જ્યાં બીજા નિષ્ફળ ગયા હતા, અને સારું વેતન અને સારી તકો મળવાને લીધે તેઓ ખુશ જ નથી રહેતા બલ્કે વધારે સારું કામ કરવા માટે પ્રોત્સાહિત થાય છે. આ એક પવિત્ર ચક્ર છે.
એવું કામ કેવી રીતે શોધશો? સૌથી સામાન્ય અભિગમ છે ભૂલો કરો અને ચકાસો. અલબત્ત આ વ્યૂહરચનાની એક સમસ્યા છે. જિંદગી ટૂંકી છે અને તમારી પાસે બધું જ અજમાવી લેવાનો સમય નથી. જો કે આ કોયડાનો એક ઉકેલ છે જેને એક્સ્પ્લોર એક્સ્પ્લોઇટ ટ્રેડ ઑફ કહેવાય છે.
કોઈપણ પ્રવૃત્તિની શરૂઆતમાં પ્રયોગો કરવાનો એક સમય હોય છે. પ્રયોગના આ પ્રારંભિક સમયગાળા પછી તમને મળેલા શ્રેષ્ઠ ઉકેલ ઉપર ધ્યાન આપો – પરંતુ પ્રસંગોપાત પ્રયોગો કરતાં રહો. યોગ્ય સંતુલનનો આધાર તમે હારી રહ્યા છો કે જીતી રહ્યા છો તેની ઉપર છે. જો તમે જીતી રહ્યા છો તો તમારે એનું પુનરાવર્તન કરવું જોઈએ. જો તમે હારી રહ્યા છો તો તમારે પ્રયોગો કરવાનું ચાલુ રાખવું જોઈએ.
લાંબા ગાળે સૌથી અસરકારક વ્યૂહરચના એ છે જે તમને લગભગ એંસી નેવું ટકા જેટલું શ્રેષ્ઠ પરિણામ આપે અને બાકીના દસ વીસ ટકા માટે પ્રયોગો કરતાં રહો.
જેમ જેમ તમે પ્રયોગો કરતાં જાઓ છો, કેટલાક સવાલો તમારે તમારી જાતને પૂછવા જોઈએ જેથી તમે એ આદતો અને એ ક્ષેત્રો સુધી પહોંચી શકો જે તમારી માટે સૌથી વધારે સંતોષકારક છે.
એવું શું છે જે મારી માટે રમત છે પરંતુ બીજા માટે કામ છે?
તમે કોઈ કામ માટે બનેલા છો કે નહીં એની નિશાની એ નથી કે તમને એ કામ પ્રત્યે કેટલો પ્રેમ છે પરંતુ તમે એ કામની સાથે આવતી પીડાને બીજા કરતાં સરળતાથી મેનેજ કરી શકો છો કે નહીં. તમે એ કામ માટે બનેલા છો જે કામમાં બીજા કરતાં ઓછી પીડા અનુભવતા હોવ.
એવું શું છે જે મને સમયનું ભાન ભુલાવી દે છે?
તમે કામના પ્રવાહમાં એવા તણાઇ જાઓ છો કે તમને આસપાસની દુનિયાનું ભાન જ નથી રહેતું. તમે કામના પ્રવાહમાં તણાઇ જાઓ અને તમને થોડે ઘણે અંશે પણ કામ સંતોષકારક ન લાગે એ લગભગ અશક્ય છે.
સામાન્ય લોકો કરતાં વધારે વળતર મને ક્યાં બાજુ મળે છે?
આપણે સતત આપણી આસપાસના લોકો સાથે સરખામણી કરતાં રહીએ છીએ, અને જ્યારે સરખામણી આપણી તરફેણમાં હોય ત્યારે વર્તન વધારે સંતોષકારક લાગે છે.
એવું શું છે જે હું સહજતાથી કરી શકું છું?
એક ક્ષણ માટે ભૂલી જાઓ કે તમને શું શીખવાડવામાં આવ્યું છે. સમાજે તમને શું કહ્યું છે. લોકો તમારાથી શું અપેક્ષા રાખે છે. પોતાની અંદર ઝાંખો અને પૂછો “એવું શું છે જે હું સહજતાથી કરી શકું છું? હું ક્યારે જીવંત અનુભવું છું? ક્યારે પોતાની અસલ જાતને અનુભવી છે?” જ્યારે પણ તમે સચ્ચાઈ અને વાસ્તવિકતા અનુભવો છો ત્યારે તમે સાચા રસ્તે જઈ રહ્યા છો.
પ્રામાણિકપણે, ઘણીવાર ફક્ત નસીબ જ કામ લાગતું હોય છે. માઈકલ ફેલ્પ્સ અને હિચમ અલ ગ્યુરોજ નસીબદાર હતા કે તેઓ આવી દુર્લભ ક્ષમતાઓ સાથે જન્મ્યા જે સમાજ માટે પણ ખૂબ જ મૂલ્યવાન હતી અને એ ક્ષમતાઓ માટે આદર્શ વાતાવરણ પણ મળ્યું.
પરંતુ જો તમે નસીબને ભરોસે બેસી રહેવા ન માંગતા હોવ તો?
જો તમે જ્યાં સંભાવનાઓ તમારી તરફેણમાં હોય એવું ક્ષેત્ર શોધી નથી શકતા તો ઊભું કરો. જ્યારે તમે વધારે સારા બનીને નથી જીતી શકતા ત્યારે તમે જુદાં બનીને જીતી શકો છો. એક સારો ખેલાડી બધા જ રમતા હોય એવી રમત જીતવા માટે ખૂબ મહેનત કરે છે. એક શ્રેષ્ઠ ખેલાડી એવી રમતનું નિર્માણ કરે છે જ્યાં શક્તિઓ એની તરફેણમાં હોય અને નબળાઈઓને અવગણી શકે.
ઊકળતું પાણી બટેટાને નરમ બનાવી દે છે જ્યારે ઇંડાને કઠણ. તમે બટેટુ છો કે ઈંડું એ તમારા હાથમાં નથી પરંતુ તમે એવું ક્ષેત્ર પસંદ કરી શકો છો જ્યાં કઠણ કે નરમ થવામાં ફાયદો હોય. જો તમે અનુકૂળ વાતાવરણ શોધી શકો છો, તો તમે તમારી તરફેણમાં ન હોય એવી પરિસ્થિતીને બદલીને એને તમારી તરફેણમાં કરી શકો છો.
આપણાં જીન્સ પરિશ્રમની આવશ્યકતાને નાબૂદ નથી કરતાં. એને સ્પષ્ટ કરે છે. તે જણાવે છે કે આપણે ક્યાં પરિશ્રમ કરવાનો છે. તમારી અંદર કોઈ ચોક્કસ ક્ષમતાની કુદરતી મર્યાદા છે એ હકીકતને એની સાથે કશી લેવા દેવા નથી કે તમે એ ક્ષમતાની ટોચ સુધી પહોંચી શકો છો કે કેમ. લોકો તેઓ મર્યાદિત છે એ હકીકતથી એટલા ગભરાઈ જાય છે કે ભાગ્યે જ એ મર્યાદાને ઓળંગવાના જરૂરી પ્રયત્નો કરે છે.
0 ટિપ્પણીઓ