Ad Code

Ticker

6/recent/ticker-posts

59 સેકંડ્સ : થોડું વિચારો, ઘણું બદલો



પૃથ્વી ઉપર રહીને સ્વર્ગના સપના જોવાથી તમારા ચહેરા પર મુસ્કાન આવી શકે છે, પરંતુ એ તમારા સપનાઓને સાકાર કરવામાં જરાય મદદરૂપ નહીં થાય.

તમે તમારા જીવનના કોઈ મહત્વના પાસાને સુધારવા માંગો છો? જેમ કે વજન ઘટાડવું, પરફેક્ટ જીવનસાથી શોધવો, મનગમતી નોકરી મેળવવી અથવા તો ફક્ત વધારે ખુશ રહેવા માંગો છો? તો આ એક સરળ ઉપાય અજમાવી જુઓ...

આંખો બંધ કરીને તમારી નવી જાતની કલ્પના કરો. વિચારો કે ફલાણા ડિઝાઇનર કપડામાં તમે કેટલા સુંદર લાગશો, કોઈ ફિલ્મી હીરો કે હિરોઈનને ડેટ કરી રહ્યા છો, કોઈ કોર્પોરેટ કંપનીના સર્વોચ્ચ હોદ્દા પર બિરાજમાન છો અથવા દરિયાકિનારે બેસીને મસ્ત મજાનાં કોકટેલની મજા માણી રહ્યા છો.

સારા સમાચાર એ છે કે સેલ્ફ હેલ્પ ઈન્ડસ્ટ્રીમાં વર્ષોથી કેટલાય લોકો દ્વારા આવા ઉપાયોની ભલામણો કરવામાં આવે છે. ખરાબ સમાચાર એ છે કે મોટાભાગના સંશોધનો હવે એવું સૂચવે છે કે આવા બધા ઉપાયો સાવ બિનસરકારક અને ખૂબ જ નુકસાનકારક છે. જોકે તમે શ્રેષ્ઠ છો એવી કલ્પના કરવાથી તમને સારું લાગી શકે છે, પરંતુ આવા માનસિક પલાયનવાદનું નુકસાન એ છે કે સફળતાના રસ્તામાં આવતી મુસીબતોનો સામનો કરવા માટે તમે તૈયાર નથી રહી શકતા, આમ નિષ્ફળતાનો સતત સામનો કરવાને બદલે પહેલા જ અવરોધે તમારી હારી જવાની તકો વધી જાય છે. પૃથ્વી ઉપર રહીને સ્વર્ગના સપના જોવાથી તમારા ચહેરા પર મુસ્કાન આવી શકે છે, પરંતુ એ તમારા સપનાઓને સાકાર કરવામાં જરાય મદદરૂપ નહીં થાય.

નકારાત્મક વિચારોને દાબીને ખુશ રહેવાના પ્રયત્નો તમને વધારે દુ:ખી કરી દેશે. ઓશિકા ઉપર મુક્કા મારવાથી અને ચીસો પાડવાથી ગુસ્સો અને તણાવ ઘટવાને બદલે ઓર વધી જશે.

જાહેર અને વ્યાપારી જગત બંનેએ વર્ષોથી આધુનિક મનની દંતકથાઓ સ્વીકારી છે, અને એમ કરવા જતાં, તેમના ઉદ્દેશ્યો અને મહત્વાકાંક્ષાઓને હાંસલ કરવાની સંભાવનામાં નોંધપાત્ર ઘટાડો થયો હશે. હજી બદતર તો એ છે કે આવી નિષ્ફળતાઓ લોકોને એમ માનવા પ્રેરે છે કે તેમનો તેમના જીવન ઉપર કોઈ કાબૂ નથી. આ કમનસીબી છે, કારણકે નાનામાં નાની બાબત ઉપર પણ કાબૂ ગુમાવવાથી લોકોના આત્મવિશ્વાસ, સુખ અને આયુષ્ય પર નાટકીય અસર જોવા મળે છે. જે લોકોનો પોતાના જીવન ઉપર કાબૂ નથી હોતો તેઓ જેમનો પોતાના જીવન ઉપર કાબૂ હોય છે એમના પ્રમાણમાં ઓછા સફળ, અને શારીરિક તેમજ માનસિક રીતે ઓછા સ્વસ્થ હોય છે.

થોડા વર્ષો પહેલા આ પુસ્તકનાં લેખક એમની સોફી નામની એક મિત્ર સાથે લંચ કરી રહ્યા હતા. સોફી મેનેજમેંટ કન્સલ્ટન્સીની ફર્મમાં વરિષ્ઠ પદે ફરજ બજાવતી હતી. જમતા જમતા સોફીએ કહ્યું કે હાલ તેણીએ સુખાકારીમાં વધારો થાય એ માટેનું ખ્યાતનામ પુસ્તક ખરીદ્યું છે, અને લેખકને પુછ્યું કે તેઓ આ ઈન્ડસ્ટ્રી વિશે શું વિચારે છે. લેખકે કહ્યું કે હું દ્રઢપણે એવું માનું છું કે એ લોકો જે તરકીબોને પ્રોત્સાહન આપે છે એને વૈજ્ઞાનિક સમર્થન મળવું જોઈએ અને વર્ણન કર્યું કે કેવી રીતે નાનકડી નિષ્ફળતા પણ નોંધપાત્ર માનસિક નુકસાન પહોંચાડે છે. સોફીએ ચિંતિત થઈને પુછ્યું કે શું શૈક્ષણિક મનોવિજ્ઞાને લોકોના જીવનને સુધારવાની વૈજ્ઞાનિક રીતે વધારે આધારભૂત રીતો ઉત્પન્ન કરી છે. લેખકે સુખ બાબતે કેટલીક જટિલ શૈક્ષણિક વાતોનું વર્ણન કરવાનું શરૂ કર્યું, અને લગભગ પંદરેક મિનિટ પછી સોફીએ એમને રોકીને વિનમ્રતાપૂર્વક કહ્યું કે આ બધુ રસપ્રદ છે પરંતુ હું ખૂબ જ વ્યસ્ત વ્યક્તિ છું, શું તમે એવી કોઈ અસરકારક સલાહ આપી શકો જે ફટાફટ અમલમાં મૂકી શકાય. લેખકે પુછ્યું કેટલો સમય છે મારી પાસે? સોફીએ પોતાની ઘડિયાળ તરફ નજર કરી અને હસીને જવાબ આપ્યો, એક મિનિટ?

સોફીના જવાબે લેખકને વિચારતા કરી મૂક્યા. કેટલાય લોકો એમના જીવનની ઘણીબધી સમસ્યાઓના ઝડપી અને સરળ ઉપાયો મેળવવાની લાલચે self-development અને self-improvement તરફ આકર્ષાય છે. કમનસીબે, શૈક્ષણિક મનોવિજ્ઞાન કાં તો આવી સમસ્યાઓનું સમાધાન આપવામાં નિષ્ફળ જાય છે અથવા એ જવાબો જટિલ અને ખૂબ સમય માંગી લે તેવા હોય છે. લેખકને આશ્ચર્ય થયું કે શું શૈક્ષણિક સામયિકોમાં એવી માહિતી છે જેની અનુભવપૂર્વક ખરાઈ કરાઇ હોય અને જેને ઝડપથી અમલમાં મૂકી શકાય.

મહિનાઓ સુધી લેખકે મનોવિજ્ઞાનની જુદી જુદી શાખાઓના રિસર્ચ પેપર છપાયા હોય એવા અસંખ્ય સામયિકોનો અભ્યાસ કર્યો. અને એમણે જોયું કે જુદી જુદી શાખાઓના સંશોધકોએ એવી તરકીબો વિકસાવી છે જેના દ્વારા લોકો પોતાના લક્ષ્યો અને મહત્વાકાંક્ષાઓને મહિનાઓ નહીં બલ્કે મિનિટોમાં પૂરા કરી શકે. લેખકે બિહેવિયરલ સાયન્સના વિવિધ ક્ષેત્રોમાંથી સેંકડો અભ્યાસોને એકત્ર કર્યા છે. મૂડ થી મેમરી સુધી, સમજાવટ થી વિલંબ સુધી, સ્થિતિસ્થાપકતા થી સંબંધો સુધી, આ બધુ જ સાથે મળીને ઝડપી પરિવર્તનના નવા વિજ્ઞાનનું પ્રતિનિધિત્વ કરે છે.


હું વાત કરી રહ્યો છું રિચાર્ડ વાઈસમેનના પુસ્તક 59 સેકંડ્સની. જ્યાં એમણે સુખ, સમજાવટ, પ્રેરણા, સર્જનાત્મકતા, આકર્ષણ, સંબંધો, તણાવ, નિર્ણાયકતા, બાળ-ઉછેર અને વ્યક્તિત્વ વિશે ટૂંકી પરંતુ અસરકારક વાતો કરી છે. આવનારા દિવસોમાં આપણે આ દરેક વિષયો ઉપર લેખકે રજૂ કરેલા વિચારો જોઈશું.

Reactions

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ