એક જૂનો જોક છે. એક વ્યક્તિ ઇન્ટરવ્યુ આપવા ગયો. ઇન્ટરવ્યુ લેનારે કહ્યું “તમને ખબર છે, આ કામ માટે અમને ખરેખર એવા વ્યક્તિની જરૂર છે જે જવાબદાર હોય.” પેલાએ થોડીવાર વિચાર કરીને જવાબ આપ્યો “હું આ કામ માટે પરફેક્ટ છું. અગાઉ હું જ્યાં નોકરી કરતો હતો ત્યાં ઘણી ગરબડ થયેલી અને તેઓ હંમેશા કહેતા કે હું જવાબદાર છું.”
કમનસીબે, વાસ્તવિક ઇન્ટરવ્યુઝમાં ઘાતક જવાબો સામાન્ય છે – પરંતુ મદદ હાથવગી છે. છેલ્લા ત્રીસ વર્ષોમાં, મનોવૈજ્ઞાનિકોએ ઇન્ટરવ્યુ લેનારાઓને પ્રભાવિત કરતા મુખ્ય પરિબળોની તપાસ કરી છે, પરિણામે કેટલીક ઝડપી અને અસરકારક તકનીકો હાથ લાગી છે જે તમારી ડ્રીમ જોબ મેળવવાની તકોમાં નોંધપાત્ર રીતે વધારો કરી શકે છે.
કોઈપણ નોકરી આપનારાને તમે પૂછશો કે તમે શું જોઈને કોઈને નોકરીએ રાખો છો, તો જવાબ મળશે કે જે ઉમેદવાર નોકરી માટે શ્રેષ્ઠ લાયકાત અને વ્યક્તિગત કુશળતા ધરાવતો હોય એને નોકરી આપીએ છીએ. પરંતુ યુનિવર્સિટી ઓફ વોશિંગ્ટનના ચાડ હિગિન્સ અને ફ્લોરિડા યુનિવર્સિટીના ટિમોથી જજ દ્વારા હાથ ધરવામાં આવેલ સંશોધન એવું સૂચવે છે કે ઘણીવાર ઇન્ટરવ્યુ લેનારાઓ ઉમેદવારની પસંદગી કરતી વેળાએ પોતાની જાતને છેતરતા હોય છે. હકીકતમાં તેઓ અજાણતા જ કોઈ રહસ્યમય અને શક્તિશાળી તાકાતથી પ્રભાવિત થઈ જતાં હોય છે.
આખરે એ કયું પરિબળ છે જેના આધારે ઇન્ટરવ્યુ લેનારાઓ એક ઉમેદવારને પસંદ કરતાં હોય છે? શું તેઓ લાયકાત અથવા અનુભવને આધારે પસંદગી કરતાં હોય છે? હકીકતમાં એકેય નહીં. પસંદગીમાં મહત્વનો ભાગ ભજવતું પરિબળ છે ઉમેદવારનું ખુશમિજાજ હોવું. જે લોકો સામેવાળાને વ્હાલા થઈ શક્યા એમની નોકરી મેળવવાની શક્યતાઓ વધી ગઈ.
સકારાત્મકતાના આ ધોધનો ફાયદો એ થયો કે આવા ખુશમિજાજ અને સામાજિક રીતે કુશળ ઉમેદવારો સારી રીતે સંસ્થામાં ભળી જશે જેથી એમને નોકરી આપવી જોઈએ એવી ખાતરી ઇન્ટરવ્યુ લેનારાઓને થઈ.
હવે વાત આવે છે ખામીઓ અને ખૂબીઓ વિશે. ખામીઓ ક્યારે જાહેર કરવી? ખૂબીઓ ક્યારે જાહેર કરવી? શું તમારે ઇન્ટરવ્યુની શરૂઆતમાં જ ખામીઓ જાહેર કરી દેવી કે પછી પહેલા સારી છાપ પાડીને ખામીઓ વિશે છેલ્લે વાત કરવી?
આ સવાલનો જવાબ મેળવવા ડ્યુક યુનિવર્સિટીના મનોવૈજ્ઞાનિકો એડવર્ડ જોન્સ અને એરિક ગોર્ડને 1970ના દાયકાની શરૂઆતમાં એક મહત્વપૂર્ણ અભ્યાસ હાથ ધર્યો. અભ્યાસમાં સામેલ થનારા લોકોને એક ટેપ રેકોર્ડિંગ સંભળાવવામાં આવ્યું. જેમાં એક વ્યક્તિ પોતાના જીવન વિશે વાત કરી રહ્યો હતો કે કેવી રીતે શાળામાં ચોરી કરતાં પકડાઈ જવાને લીધે તે પોતાનો અભ્યાસ પૂરો ન કરી શક્યો. સંશોધકોએ રેકોર્ડિંગને એવી રીતે એડિટ કરેલું કે કેટલાક લોકોને આ વાત શરૂઆતમાં જ સંભળાઇ જાય જ્યારે કેટલાક લોકોને છેલ્લે. જે લોકોએ ચોરીની વાત છેલ્લે સાંભળી એમના કરતાં જે લોકોએ પહેલા સાંભળી એમને એ વ્યક્તિ વધારે નિખાલસ લાગ્યો.
શરૂઆતમાં જ ખામીઓ જાહેર કરવું નિખાલસતાની નિશાની છે. ઇન્ટરવ્યુ લેનારાઓને ખાતરી થઈ જાય છે કે તેઓ એવા પ્રમાણિક વ્યક્તિ સાથે વ્યવહાર કરી રહ્યા છે જે શરૂઆતમાં જ સંભવિત મુશ્કેલીઓ વિશે વાત કરી દે છે, જેથી તેઓ એવા નિષ્કર્ષ પર આવે છે કે આ વ્યક્તિ તેમને ગેરમાર્ગે નહીં દોરે.
શું આ વાત ખૂબીઓ વિશે પણ એટલી જ સાચી ઠરે છે? ના, બિલકુલ નહીં. જ્યારે સકારાત્મક કારણ (મને યુરોપની મુસાફરી કરવા માટે પ્રતિષ્ઠિત શિષ્યવૃતિ મળી હતી) કેટલાક લોકોને શરૂઆતમાં સંભળાવવામાં આવ્યું અને કેટલાક લોકોને છેલ્લે સંભળાવવામાં આવ્યું ત્યારે તદ્દન ઊલટી અસર થઈ. જે લોકોએ ખૂબીઓ સૌથી છેલ્લે સાંભળી એમને એ વ્યક્તિ વધારે નિખાલસ લાગ્યો. તમારા ભૂતકાળના સકારાત્મક પાસાઓ માટે પ્રમાણિક્તા કરતાં વિનમ્રતા વધારે મહત્વની છે. ખૂબીઓ જણાવવામાં વિલંબ કરવાથી તમે સ્વાભાવિક લાગો છો. જ્યારે શરૂઆતમાં ખૂબીઓ વિશે વાત કરવાથી તમે બડાઈ હાંકતા હોવ એવું લાગે છે.
તમે સામી વ્યક્તિનો વિશ્વાસ જીતી લીધો, ખામીઓ અને ખૂબીઓ ક્યારે જાહેર કરવી એ ખબર પડી ગઈ. શું એનો અર્થ એવો થયો કે હવે તો સફળતા નક્કી જ છે? કમનસીબે ના. ગમે એટલા સારા ઈરાદા અને વિપુલ તૈયારી કરવા છતાં આપણે ભૂલો કરી બેસીએ છીએ. તમારું કોઈ વર્તન કે જવાબ ઇન્ટરવ્યુ લેનારને અવિશ્વસનીય લાગી શકે છે. આવી અણધારી આફતનો સામનો કરવા તમારે તૈયાર રહેવું જોઈએ. આ બાબતે કોર્નેલ યુનિવર્સિટીના થોમસ ગિલોવિચ આપણી મદદે આવે છે.
ગિલોવિચે એક અભ્યાસ હાથ ધર્યો જેમાં 5 લોકોને એક જ સમયે એકસાથે એની લેબોરેટરીમાં બોલાવવામાં આવ્યા. જ્યાં એમને કેટલાક સવાલના જવાબો આપવાનું કહેવામા આવ્યું. એક વ્યક્તિને 5 મિનિટ પછી લોકોનું ધ્યાન ખેંચે એવી આકૃતિવાળુ ટીશર્ટ પહેરીને આવવાનું કહેલું. ત્યારબાદ રૂમમાં બેસેલા દરેકને પૂછવામાં આવ્યું કે તમે લોકોએ પેલી ટીશર્ટ વાળી વ્યક્તિને જોઈ કે નહીં અને જે ટીશર્ટ પહેરીને આવ્યો હતો એને પૂછવામાં આવ્યું કે એના હિસાબે કેટલા લોકોનું ધ્યાન એની તરફ ગયું. શ્રેણીબદ્ધ પ્રયોગોને અંતે એ જાણવા મળ્યું કે રૂમમાં બેસેલા લોકોમાંથી ફક્ત 20 ટકા લોકોનું જ ધ્યાન ટીશર્ટ વાળી વ્યક્તિ તરફ ગયું હતું. જ્યારે ટીશર્ટ વાળી વ્યક્તિનું એવું માનવું હતું કે 50 ટકા જેટલા લોકોનું ધ્યાન તેના તરફ ગયું હતું. ટૂંકમાં, ટીશર્ટ વાળી વ્યક્તિએ વધુ પડતો અંદાજ લગાવી લીધેલો.
આવું વલણ “સ્પોટલાઇટ ઇફેક્ટ” તરીકે ઓળખાય છે. આપણે બીજાના દેખાવ કરતાં આપણા પોતાના દેખાવ અને વર્તન પર વધુ ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ, તેથી આપણે આપણાં દ્વારા ઊભી થયેલી પરિસ્થિતી વિશે વધારે પડતી ચિંતા કરવા લાગીએ છીએ. તેથી જો ઇન્ટરવ્યુમાં કોઈ અપમાનજનક ભૂલ કરી બેસો તો યાદ રાખજો ભૂલ તમે ધારો છો એટલી મોટી નથી.
ટૂંકમાં ઇન્ટરવ્યુ આપતી વખતે આ ત્રણ બાબતોનું ખાસ ધ્યાન રાખવું.
પહેલી ખુશમિજાજ હોવું શૈક્ષણિક લાયકાત અને અનુભવ કરતાં વધારે મહત્વનુ છે. તમને સંસ્થા વિશે ખરેખર જે ગમતું હોય એના વિશે તમારો અભિપ્રાય આપો. તમને અને ઇન્ટરવ્યુ લેનાર બંનેને નોકરી સિવાયના ગમતા વિષય ઉપર ચર્ચા કરો. સંસ્થાને કેવી વ્યક્તિની જરૂર છે અને સંસ્થામાં એ પદનું શું મહત્વ છે તે જાણવાની કોશિશ કરો.
બીજું ખામીઓ શરૂઆતમાં જ જાહેર કરી દો જેથી તમારી વિશ્વસનીયતા જળવાઈ રહે. અને ખૂબીઓ સૌથી છેલ્લે જણાવો કારણકે નમ્રતા મહત્વપૂર્ણ છે.
ત્રીજું જો કોઈ ભૂલ થઈ જાય તો વધારે પડતી પ્રતિક્રિયા ન આપો. એમ કરવા જતાં સામેવાળાને નહીં ખબર હોય તો પણ ખબર પડી જશે. તેના બદલે, જો યોગ્ય હોય તો, ભૂલ સ્વીકારો અને જાણે કઈ જ ન બન્યું હોય તેમ આગળ વધો.
0 ટિપ્પણીઓ