ખુશ રહેવું શું કામ મહત્વનું છે? એક રીતે જોઈએ તો તમને સારું લાગે છે એટલે. પરંતુ વાત આટલેથી અટકી નથી જતી. સુખ ફક્ત તમારી જિંદગીને વધારે મજેદાર જ નથી બનાવતુ, એ તમારી અંગત અને વ્યાવસાયિક જીવનની સફળતાને પણ અસર કરે છે.
સુખ તમને વધારે મિલનસાર અને પરોપકારી બનાવે છે, તમે તમારી જાતને અને બીજા લોકોને વધારે ચાહવા લાગો છો, સંઘર્ષનું નિરાકરણ લાવવાની તમારી ક્ષમતામાં વધારો થાય છે, તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. પરિણામે તમારા સંબંધોમાં મધુરતા આવે છે, તમે ગમતું કામ શોધી શકો છો, અને એક લાંબુ, તંદુરસ્ત જીવન જીવો છો.
પરંતુ તમારા ચહેરા પર સતત સ્મિત જળવાય રહે એનો સૌથી અસરકારક ઉપાય શું? મોટાભાગના લોકોનો જવાબ હશે “વધારે પૈસા”. સર્વે દર સર્વે, સુખ માટેની અનિવાર્ય જરૂરિયાતોમાં તગડું બેન્ક બેલેન્સ મોખરે રહ્યું છે. પરંતુ શું સુખ ખરેખર ખરીદી શકાય છે, કે પછી તમારી આર્થિક મહત્વાકાંક્ષાઓ તમને નિરાશાને રસ્તે લઈ જાય છે?
આંશિક જવાબ 1970માં નોર્થવેસ્ટર્ન યુનિવર્સિટીના ફિલિપ બ્રિકમેન અને તેના સાથીદારોએ કરેલા અભ્યાસમાંથી મળી આવે છે. બ્રિકમેન એ જાણવા માંગતો હતો કે લોકો આર્થિક સપના પૂરા થઈ ગયા પછી કેટલા સુખી હોય છે? બ્રિકમેને એવા લોકોનો સંપર્ક કર્યો જેમને લોટરીમાં બહુ મોટું ઈનામ લાગ્યું હોય. દરેકને એવું પૂછવામાં આવ્યું કે અત્યારે તેઓ કેટલા ખુશ છે અને ભવિષ્યમાં કેટલા ખુશ હોવાની આશા રાખો છો? વત્તા એમને એ પણ પૂછવામાં આવ્યું કે રોજિંદા કામોમાં કેટલી મજા આવે છે, જેમ કે મિત્રો સાથે વાતો કરવી, કોઈ રમૂજી ટુચકો સાંભળવો અથવા પોતાના વખાણ સાંભળવા. અભ્યાસને અંતે સુખ અને પૈસા વચ્ચેના સંબંધો વિશે આઘાતજનક માહિતી બહાર આવી.
લોકપ્રિય માન્યતાની વિરુદ્ધ, જેઓ લોટરી જીત્યા હતા એ લોકો પણ જેઓ લોટરી નહોતા જીત્યા એમની સરખામણીએ કઈ ખાસ સુખી જણાતા નહોતા. ભવિષ્યમાં સુખી રહેવાની અપેક્ષા બાબતે પણ કોઈ નોંધપાત્ર તફાવત નહોતો. ઊલટાનું જે લોકો લોટરી નહોતા જીત્યા એમને જીવનની સામાન્ય બાબતોમાંથી વધારે ખુશી મળતી હતી.
સ્પષ્ટપણે, લોટરી જીતવી આર્થિક સલામતી મેળવવાનો એક અસામાન્ય રસ્તો છે, પરંતુ મનોવૈજ્ઞાનિકોએ જે લોકો મહેનત કરીને રૂપિયા કમાયા છે એમના પૈસા અને સુખ વચ્ચેના સંબંધોનો પણ અભ્યાસ કર્યો છે.
આપણે આપણી ગમે તેવી મહાન ખ્યાતિ અને પ્રારબ્ધ સાથે અનુકૂલન સાધવાની ક્ષમતાનો આભાર માનવો જોઈએ, ગઇકાલની જાહોજલાલી ટૂંક સમયમાં આજની જરૂરિયાત બની જશે અને આવતીકાલનો અવશેષ.
ઇલિનોઇસ યુનિવર્સિટીમાંથી એડ ડીનર અને એના સાથીદારો દ્વારા કરવામાં આવેલા એક અભ્યાસમાં એવું બહાર આવ્યું છે કે, ફોર્બ્સના 100 સૌથી વધુ સમૃદ્ધ લોકોની સૂચિમાં સામેલ લોકો પણ એક સરેરાશ અમેરિકન કરતાં થોડાક જ સુખી હતા. એક વાત તો સ્પષ્ટ છે: જીવનની જરૂરિયાતો પૂરી થઈ ગયા પછી આવકમાં થતાં વધારાથી લોકોની પ્રસન્નતામાં કઈ ખાસ ફેર પડતો નથી.
તો આવું શું કામ થાય છે? એક કારણ એવું છે કે જે વસ્તુ આપણને ઝડપથી મળી જાય છે એનાથી આપણે ટેવાઇ જઈએ છે. નવી કાર અથવા મોટું ઘર ખરીદ્યા પછી ટૂંક સમય માટે આપણને સારું લાગે છે, પરતું થોડા જ સમયમાં આપણે એનાથી ટેવાઇ જઈએ છીએ અને ખરીદી કરતાં પહેલા આનંદની જે અવસ્થામાં હતા ત્યાં પહોચી જઈએ છીએ. મનોવિજ્ઞાની ડેવિડ માયર્સે એકવાર ટાંકેલું કે, “ આપણે આપણી ગમે તેવી મહાન ખ્યાતિ અને પ્રારબ્ધ સાથે અનુકૂલન સાધવાની ક્ષમતાનો આભાર માનવો જોઈએ, ગઇકાલની જાહોજલાલી ટૂંક સમયમાં આજની જરૂરિયાત બની જશે અને આવતીકાલનો અવશેષ.” જો પૈસાથી સુખ ખરીદી ન શકાતું હોય, તો પછી તમારા ચહેરા ઉપર સતત સ્મિત જાળવી રાખવાનો સૌથી શ્રેષ્ઠ ઉપાય શું છે?
એક ખરાબ સમાચાર એ છે કે અભ્યાસ અનુસાર તમારા સુખી રહેવાનો 50 ટકા આધાર આનુવંશિક હોય છે, એટલે એમાં કોઈ ફેરફાર કરી શકાતો નથી. વધારે સારા સમાચાર એ છે કે 10 ટકા આધાર તમારા સામાન્ય સંજોગો (ભણતર, આવક, તમે કુંવારા છો કે પરણેલા વગેરે.)ને આધીન હોય છે જેને બદલવું મુશ્કેલ હોય છે. જો કે સૌથી સારા સમાચાર એ છે કે બચેલા 40 ટકા તમારા રોજિંદા વર્તન અને તમે તમારા અને બીજા લોકો વિશે શું વિચારો છો એને આધીન હોય છે. ખુશ થવા માટે બસ થોડા જ્ઞાનની જરૂર છે.
સમસ્યા એ છે કે સેલ્ફ-હેલ્પ પુસ્તકો અને કોર્સિસમાં જે સલાહો આપવામાં આવે છે એ વૈજ્ઞાનિક સંશોધન સાથે મેળ ખાતી નથી. દાખલા તરીકે પોઝિટિવ થિંકિંગ. શું મગજમાંથી નકારાત્મક વિચારો કાઢી નાખવાથી લોકો સુખી થઈ જાય છે? વાસ્તવમાં, સંશોધન સૂચવે છે કે આવી રીતે વિચારોને દબાવવાથી દુ:ખ ઘટવાને બદલે ઊલટાનું વધી જાય છે. 1980 ના દાયકાના મધ્યમાં દોસ્તોયેવસ્કીના પુસ્તક (Winter Notes on Summer Impressions) માંથી એક અસ્પષ્ટ પરંતુ રસપ્રદ વાક્ય અચાનક હાર્વર્ડ મનોવિજ્ઞાની ડેનિયલ વેગનરના ધ્યાને ચઢ્યું. “પોતાની જાતને આ એક કામ સોંપવાનો પ્રયત્ન કરી જુઓ: ધ્રુવીય રીંછ વિશે વિચારવાનું બંધ કરો, અને દર બીજી મિનિટે તમને એ કમબખ્ત દેખાશે.” વેગનરે એક સાદો પ્રયોગ કરીને આ વાક્યની ખરાઈ કરવાનું નક્કી કર્યું. અમુક લોકોને એક રૂમમાં ભેગા કરીને સૂચના આપવામાં આવી કે કાઇપણ વિચારો પરંતુ દોસ્તોયેવસ્કીના સફેદ રીંછ વિશે વિચાર નથી કરવાનો. પછી દરેકને જ્યારે પણ એ રીંછ મનમાં દેખા દે એટલે એક ઘંટડી વગાડવાનું કહેવામા આવ્યું. ગણતરીની મિનિટોમાં જ ઘંટડીઓનો શોર દર્શાવતો હતો કે દોસ્તોયેવસ્કી સાચો હતો – અમુક ચોક્કસ વિચારોને દબાવવાના પ્રયત્નોમાં લોકો જેને ટાળવા માંગતા હોય એ જ વિચારો સૌથી વધારે કરવા લાગે છે. જો વિચારોનું દમન ઉપાય નથી તો શું કરવું? એક શક્યતા છે બેધ્યાન થઈ જવું. પરિવાર સાથે સમય પસાર કરવામાં, સામાજિક પ્રસંગોમાં, કામમાં, અથવા કોઈ શોખમાં પોતાની જાતને પરોવી દેવી. જોકે આ તરકીબ ટૂંકા ગાળા માટે સારી છે, પરંતુ કદાચ લાંબા ગાળે તમને સંતોષ ન મળે. એનો ઉપાય સંશોધન શું સૂચવે છે એ હવે પછીના લેખમાં જોઈશું.
0 ટિપ્પણીઓ