આપણાં દરેકના જીવનમાં ક્યારેક ને ક્યારેક દુ:ખદ ઘટનાઓ ઘટતી હોય છે. કદાચ કોઈ લાંબા સંબંધનો અંત, પ્રિયજનનું મૃત્યુ, નોકરીમાંથી છૂટા થઈ જવું, અથવા જો તમારું નસીબ બહુ જ ખરાબ હોય તો ત્રણેય ઘટનાઓ એકસાથે જ ઘટી જાય. સામાન્ય બુદ્ધિ અને ઘણા પ્રકારની મનોરોગ ચિકિત્સા એવું સૂચવે છે કે દુ:ખથી છૂટકારો મેળવવાનો સૌથી શ્રેષ્ઠ ઉપાય છે એને બીજાની સાથે વહેંચો. સર્વેમાં પણ જોવા મળ્યું છે કે 90 ટકા લોકો એવું માને છે કે પોતાના દુ:ખદ અનુભવ વિશે કોઇની સાથે વાત કરવાથી તેમને રાહત અનુભવાય છે. પરંતુ શું આ વાત સાચી છે?
તપાસ કરવા માટે બેલ્જિયમમાં યુનિવર્સિટી ઓફ લુવેન ખાતે ઇમેન્યુએલ ઝેક અને બર્નાર્ડ રિમે એક મહત્વનો અભ્યાસ હાથ ધર્યો. અભ્યાસમાં સામેલ થનારા એક ગ્રુપના લોકોને એમના જીવનની સૌથી દુ:ખદ ઘટના વિશે વિચારવાનું કહ્યું, એવી ઘટના જેના વિશે હજી પણ તેઓ વિચારતા હોય અને આજે પણ એના વિશે વાત કરવાની જરૂરિયાત જણાતી હોય. પછી એમાંથી અમુક લોકોને ઘટના અંગે લાંબી વાતચીત કરવાનું કહેવામા આવ્યું, જ્યારે બીજા લોકોને વધુ ભૌતિક વિષય – એક સામાન્ય દિવસ વિશે વાતચીત કરવાનું કહેવામા આવ્યું. બે મહિના પછી બધા જ લોકોને એમની ભાવનાત્મક તંદુરસ્તી માપી શકે એવી જુદી જુદી પ્રશ્નાવલીઓ આપવામાં આવી.
જે લોકોએ પોતાના દુ:ખદ અનુભવો વિશે લાંબી વાતચીત કરેલી એમને એવું લાગતું હતું કે વાતચીત એમના માટે મદદરૂપ સાબિત થઈ. જોકે પ્રશ્નાવલીનું પરિણામ તો જુદી જ વાર્તા સંભળાવતું હતું. વાસ્તવમાં વાતચીતથી કોઈ નોંધપાત્ર ફરક દેખાતો નહોતો. સહભાગીઓએ વિચાર્યું કે વાતચીત એમના માટે ફાયદાકારક રહી, પરંતુ જ્યારે પરિસ્થિતિનો સામનો કરવાની વાત આવી ત્યારે એમની હાલત પણ એવી જ હતી જેવી સામાન્ય દિવસ વિશે વાત કરનારા લોકોની હતી.
તો જો નકારાત્મક અનુભવો વિશે સહાનુભૂતિ ધરાવતી પરંતુ અપ્રશિક્ષિત વ્યક્તિ જોડે વાત કરવાથી કઈ ઉપજતું ન હોય તો પછી ભૂતકાળના દુ:ખોથી રાહત મેળવવા શું કરવું? આગળ આપણે જોયું તેમ વિચારોનું દમન કોઈ ઉપાય નથી. તેના બદલે એક વિકલ્પ છે અભિવ્યક્ત લેખન (expressive writing).
અનેક અભ્યાસોમાં, જેમણે જીવનમાં કોઈ દુ:ખદ ઘટનાનો અનુભવ કર્યો છે એ લોકોને દરરોજ થોડીવાર માટે પોતાના ઊંડા વિચારો અને લાગણીઓ વિશે ડાયરી લખવાનું કહેવામાં આવ્યું. જેના પરિણામે લોકોની માનસિક અને શારીરિક સુખાકારીમાં, આત્મસન્માન અને સુખમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો, અને શારીરિક સમસ્યાઓમાં ઘટાડો જોવા મળ્યો. મનોવૈજ્ઞાનિકો અચંબામાં પડી ગયા કે શું કામ દુ:ખદ અનુભવો વિશે વાત કરવાથી નહિવત ફાયદો થાય છે જ્યારે એના વિશે લખવાથી નોંધપાત્ર ફાયદો જોવા મળે છે?
મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જોઈએ તો લખવું અને વિચારવું બે જુદી બાબતો છે. વિચારો ઘણીવાર કંઈક અંશે અસંગઠિત, અવ્યવસ્થિત અને અસ્તવ્યસ્ત પણ હોઈ શકે છે. તેનાથી વિપરીત લેખન માળખાકીય હોય છે જે તમને શું થયું છે તે સમજવામાં મદદ કરે છે અને સમસ્યાના ઉકેલ તરફ દોરી જાય છે.
કમનસીબે જે લોકોને જીવનમાં દુ:ખદ અનુભવો થયા છે તેમની માટે આ ઉપાય કારગર નીવડે છે, પરંતુ શું આ ઉપાય રોજિંદા જીવનમાં કામ લાગી શકે? ત્રણ જુદા પરંતુ સંબંધિત અભ્યાસો એવું સૂચવે છે કે હા કામ લાગી શકે.
કૃતજ્ઞતાનું વલણ
આનંદ વધારવા માટેની સૌથી મહત્વપૂર્ણ લેખન તકનીકોમાંની એક કૃતજ્ઞતાના મનોવિજ્ઞાનની આસપાસ ફરે છે. કોઈપણ વ્યક્તિને કોઈ અવાજ, છબી કે સુગંધના સતત સંપર્કમાં રાખો અને કઈક ખૂબ જ વિચિત્ર ઘટશે. એ વ્યક્તિ ધીરે ધીરે એનાથી ટેવાઇ જશે અને અંતે એના પ્રત્યેની સભાનતા ગુમાવી દેશે. દાખલા તરીકે, તમે રસોડામાં જાઓ અને ત્યાં કોઈ મસ્ત મજાની વાનગી બનતી હોય તો તરત જ એની સોડમ તમને અનુભવાશે. જો તમે થોડીવાર માટે ત્યાં રોકાશો તો સોડમ ગાયબ થઈ જશે. હવે જો તમને એ સોડમ ફરીથી અનુભવવી હોય તો રસોડામાંથી બહાર નીકળીને ફરીથી અંદર આવવું પડે. જીવનમાં પણ ખાસ કરીને સુખની બાબતે આપણે આવું જ કઈક કરવાની જરૂર છે. દરેકની પાસે કઈક તો એવું હોય જ છે જેની માટે એ ખુશ થઈ શકે. એક પ્રેમાળ સાથી, તંદુરસ્તી, બાળકો, સંતોષકારક કામ, મિત્રો, શોખ, મા-બાપ, માથે છત, પીવા માટે ચોખ્ખું પાણી અને પૂરતું ભોજન. સમયની સાથે આપણી પાસે જે હોય છે એનાથી ટેવાઇ જઈએ છીએ અને આ અદ્ભુત સંપત્તિ પ્રત્યેની સભાનતા ગુમાવી દઈએ છીએ. કહેવાય છે ને કે જ્યાં સુધી તમે કોઈ વસ્તુ ગુમાવી નથી દેતા ત્યાં સુધી એનું મૂલ્ય સમજાતું નથી.
જેવી રીતે વાનગીની સોડમ ફરીથી અનુભવવા માટે રસોડામાંથી બહાર નીકળવું જરૂરી છે એવી જ રીતે ખુશ રહેવા માટે જરૂરી છે કે જે આપણી પાસે છે એના પ્રત્યે સભાનતા કેળવીએ. એ સભાનતા કેળવી શકાય છે લખીને. તમે તમારા જીવનમાં જે કોઈપણ વસ્તુ માટે આભારી હોવ એની યાદી બનાવો. પછી જુઓ તમારી ખુશીમાં વધારો થાય છે કે નહીં.
0 ટિપ્પણીઓ