એઆઇ કેટલું તેજસ્વી હશે? અન્ય શોધોની જેમ શું આપણે તેઓને પણ આપણાં ગુલામ બનાવી શકીશું? આપણે તેમની ઉપર કાબૂ મેળવી શકીશું? ન મેળવી શક્યા તો?
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટૂંકમાં એઆઇ (AI). આ શબ્દ ક્યારેક ને ક્યારેક તો તમારા કાને પડ્યો જ હશે. જો ન પડ્યો હોય તો તો આ લેખ તમારે વાંચવો જ રહ્યો. એમ તો એઆઇની વાર્તા છેક 1956 ના ઉનાળામાં ડાર્ટમાઉથ કૉલેજ, ન્યુ હેમ્પશાયર ખાતે શરૂ થઈ ગયેલી પરંતુ લોકોમાં ચર્ચાનો વિષય બન્યો 30 નવેમ્બર 2022 પછી જ્યારે ઓપનએઆઇ નામની કંપનીએ ચેટજીપીટી લોન્ચ કર્યું. એઆઇની બુદ્ધિમત્તા જોઈને લોકો ચોંકી ગયા. એની સાથે જ એઆઇના ફાયદા ગેરફાયદાની ચર્ચાએ જોર પકડવા માંડ્યુ. કેટલાય નિષ્ણાતો અને ખુદ એના નિર્માતાઓ પણ આ સુપર ઇન્ટેલિજન્સના ઉદભવને લીધે માનવજાત સામે તોળાઈ રહેલા ખતરાથી ગભરાવા લાગ્યા.
આવા જ એક ટેક્નોલોજીના નિષ્ણાત મો (મો એટલે મોહંમદનું ટૂંકાક્ષર) ગોડેટ નામના ઇજિપ્તીયન ઉદ્યોગસાહસિક અને લેખકે એઆઇ વિશે પોતાના પુસ્તક સ્કેરી સ્માર્ટ (Scary Smart)માં વિગતે વાત કરી છે. એઆઇ આપણી જિંદગીને સરળ તો બનાવશે જ પરંતુ એના કેટલાક નોંધપાત્ર નુકસાનો પણ છે, એનો ઉકેલ શું છે? એની ચર્ચા ખાસ કોઈ કરતું નથી. એઆઇ કેટલું તેજસ્વી હશે? આ કેટલું જલ્દી થશે? શું મશીનો હંમેશા આપણાં શ્રેષ્ઠ હિતોને ધ્યાનમાં રાખશે? અન્ય શોધોની જેમ શું આપણે તેઓને પણ આપણાં ગુલામ બનાવી શકીશું? આપણે તેમની ઉપર કાબૂ મેળવી શકીશું? ન મેળવી શક્યા તો? આ બધા જ સવાલોના જવાબ અને એના ઉકેલ વિશે લેખકે પોતાના પુસ્તકમાં વાત કરી છે.
લેખક પોતે ત્રીસ વર્ષ કરતાં વધારે ટેક્નોલોજી ક્ષેત્રે કામ કરી ચૂક્યા છે એટલે એમણે પુસ્તકમાં કરેલી વાતોમાં કોઈ બેમત નથી. છેલ્લે એમણે Google [X] ના ચીફ બિઝનેસ ઓફિસરની ભૂમિકા સંભાળી, જે Google ની કુખ્યાત ઇનોવેશન શાખા છે જેમાં કેટલાક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સ જેવા કે Google ની સેલ્ફ-ડ્રાઇવિંગ કાર, Google બ્રેઇન અને Google ની મોટાભાગની રોબોટિક્સ ઇનોવેશનનો સમાવેશ થાય છે.
લેખકને આશા છે કે આપણે એઆઇ સાથે મળીને માનવતાની કુસેવા કરે એવી વિનાશકારી દુનિયા બનાવવાને બદલે માનવતાની સેવા કરે એવી આદર્શ દુનિયાની સ્થાપના કરવાની છે. આ તક છે પૃથ્વી પર વસતા બીજા દરેક જીવના ભોગે જેણે કદાચ આપણી જિંદગીની ગુણવત્તા સુધારી છે એવા ઉપભોક્તાવાદ અને ટેકનોલોજીકલ એડવાંસમેંટ ના રસ્તેથી પાછા વળવાની. આ કામ મારે અને તમારે કરવાનું છે. વધુ મહત્ત્વની વાત એ છે કે તે આપણી જવાબદારી છે.
ધારો કે કોઈ અજાણ્યો જીવ અસિમ શક્તિઓ સાથે એક બાળક તરીકે આપણી પૃથ્વી પર આવે છે. આપણી દુનિયાના તમામ મૂલ્યોથી અજાણ, આ જીવ આપણી દુનિયાને પોતાની શક્તિ દ્વારા વધારે સારી અને સુરક્ષિત બનાવી શકે છે પરંતુ એ જ જીવ અજેય બનીને પૃથ્વીનો વિનાશ કરવાની તાકાત પણ ધરાવે છે. એણે હજુ નિર્ણય નથી કર્યો કે કયા રસ્તે જવું.
આપણા ગ્રહના ભવિષ્યની સૌથી નિર્ણાયક ક્ષણ એ ક્ષણ છે જ્યારે તે બાળક પૃથ્વી પર પગ મૂકે છે. તે સમયે એને કેવા મા બાપ મળે છે, તેને કેવા મૂલ્યો શીખવે છે એ તે બાળકનું ભવિષ્ય નક્કી કરશે.
એ બાળક અસીમ શક્તિઓ સાથે આ પૃથ્વી ઉપર આવી ચૂક્યું છે. આ બાળક પ્રાકૃતિક રીતે જૈવિક ન હોવા છતાં અકલ્પનીય ક્ષમતાઓ ધરાવે છે. બેશક હું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉલ્લેખ કરી રહ્યો છું. ખરેખર તો એઆઇમાં કંઈ જ કુત્રિમ નથી તે આપણાથી અલગ હોવા છતાં બુદ્ધિનું ખૂબ જ વાસ્તવિક સ્વરૂપ છે.
પૃથ્વી પર વસતા દરેક માનવી કરતાં એઆઈ ઓલરેડી અનેક નિશ્ચિત કામોમાં વધારે હોશિયાર છે. જ્યારથી કોમ્પ્યુટર્સે આપણા જીવન પર આક્રમણ કર્યું ત્યારથી વિશ્વના ચેસ ચેમ્પિયન તરીકે એક મશીનનું વર્ચસ્વ છે. જયોપાર્ડી (Jeopardy)માં વિશ્વવિજેતા આઇબીએમ (IBM)નું સુપર કોમ્પ્યુટર વોટસન છે. ગો (Go) માં વિશ્વવિજેતા ગુગલનું આલ્ફાગો (AlphaGo) છે. (ગો એક વ્યુહ રચના આધારિત બોર્ડ ગેમ છે જેની શોધ 2500 વર્ષ પહેલા ચીનમાં કરવામાં આવી હતી અને તેની સંભવિત બોર્ડ ગોઠવણીઓની અસંખ્ય શક્યતાઓને કારણે તે સૌથી જટિલ રમતોમાંની એક તરીકે જાણીતી છે.) પૂરતી તાલીમ સાથે મશીનો કોઈપણ કામ વધુ સારી રીતે કરવાનું શીખી રહ્યા છે.
એવી આગાહી કરવામાં આવી છે કે 2029 સુધીમાં, જે પ્રમાણમાં ખૂબ જ નજીક છે, મશીનોની બુદ્ધિ અમુક ચોક્કસ કાર્યોથી આગળ વધીને સામાન્ય બુદ્ધિમાં ફેરવાઇ જશે. ત્યારબાદ, માનવી કરતાં મશીનો વધારે બુદ્ધિશાળી થઈ જશે, વાત પૂરી. મશીનો ફક્ત બુદ્ધિશાળી જ નહીં બને, એમની પાસે આપણાં કરતાં વધારે માહિતી હશે, (તેમની પાસે માહિતીના મહાસાગર તરીકે આખુ ઇન્ટરનેટ હશે.) અને તેઓ એકબીજા સાથે વધારે સારી રીતે માહિતીની આપ-લે કરીને પોતાના જ્ઞાનમાં વધારો કરી શકશે. વિચાર કરો: કાર હંકારતા મારો કે તમારો અકસ્માત થાય તો આપણે બે જ જણ બોધપાઠ લઈશું, પરંતુ જ્યારે સેલ્ફ-ડ્રાઇવિંગ કારનો અકસ્માત થશે તો બધી જ ગાડીઓ બોધપાઠ લઈ લેશે, દરેકે દરેક, જે હજી જન્મી જ નથી એ પણ.
2049 સુધીમાં, એઆઇ સૌથી બુદ્ધિશાળી મનુષ્ય કરતાં અબજ ગણી વધારે બુદ્ધિશાળી થઈ જશે. સમજવા માટે એક તુચ્છ માખીની બુદ્ધિને આઈન્સ્ટાઈનની બુદ્ધિ સાથે સરખાવી જુઓ. ત્યારબાદ આપણે આગળનું કઈ જોઈ નહીં શકીએ, કોઈ આગાહી કરી નહીં શકીએ. એઆઇની વર્તણૂક કળી નહીં શકીએ કારણકે આપણી હાલની બધી જ ધારણાઓ લાગુ નહીં પડે.
આ લેખ તમને કેવો લાગ્યો? નીચે કમેન્ટ કરીને જરૂર જણાવો.
0 ટિપ્પણીઓ