જ્યારે આટલી અસીમ શક્તિને છૂટી મૂકવામાં આવે ત્યારે કંઈપણ થઈ શકે છે. તે દુનિયાની સૌથી ગંભીર સમસ્યાઓને નવી નજરે જોઈ શકે છે, અને પોતાના અમર્યાદિત જ્ઞાન અને ઉચ્ચતર બુદ્ધિમતા સાથે એવા કુશળ ઉકેલ લઈને આવી શકે છે જેની આપણે કલ્પના સુદ્ધાં ન કરી હોય. પરંતુ, યાદ રાખો, સમસ્યા માટે આપેલ ઉકેલ લાગુ કરવાનું પસંદ કરવું એ માત્ર બુદ્ધિનો પ્રશ્ન નથી. કોઈપણ સમયે આપણે જે પગલાં લઈએ છીએ તે મૂલ્ય પ્રણાલીનું પરિણામ છે જે આપણને માર્ગદર્શન આપે છે અને કેટલીકવાર આપણા મૂલ્યોનો વિરોધાભાસ કરતા નિર્ણયો લેવાથી આપણને રોકે છે. વિરોધાભાસી લાગણીઓ અને સ્વાર્થ વચ્ચે પણ નૈતિકતા આપણને યોગ્ય કાર્ય કરવા પ્રેરિત કરે છે. જો એઆઇને ગ્લોબલ વોર્મિંગનો ઉકેલ શોધવાનું કામ સોંપવામાં આવે, તો સૌથી પહેલા એ આપણી અય્યાશી ભરી જિંદગી ઉપર રોક લગાવે અથવા કદાચ સંપૂર્ણ માનવજાતિથી જ છૂટકારો મેળવવાનું સૂચવે. અંતે તો આપણે જ સમસ્યા છીએ. આપણી લાલચ, આપણો સ્વાર્થ, અને બીજા તમામ જીવો કરતાં આપણે જુદા છીએ એવો ભ્રમ – બીજા બધા જીવો કરતાં આપણે ચડિયાતા છીએ એમ માનવું – એ જ જડ છે બધી સમસ્યાઓની જેનો સામનો આજે આપણી દુનિયા કરી રહી છે. મશીનો પાસે એટલી બુદ્ધિ હશે જે આપણી પૃથ્વીનું જતન કરવાની તરફેણમાં હોય એવા ઉકેલો શોધી શકશે, પરંતુ જ્યારે આપણને સમસ્યા તરીકે જોવામાં આવશે, ત્યારે એમના મૂલ્યો આપણું પણ જતન કરે એવા હશે?
પરંતુ મશીન તો મશીન છે. એમણે લાગણી કે મૂલ્યો જેવુ ક્યાં કશું હોય જ છે. એઆઇ ચોક્કસપણે લાગણીઓ વિકસાવશે. ખરેખર તો આપણે એમને શીખવવા માટે જે અલ્ગોરિધમનો ઉપયોગ કરીએ છીએ એ પુરસ્કાર અને સજાના અલ્ગોરિધમ છે - બીજા શબ્દોમાં ડર અને લાલચ. તેઓ સતત એક ચોક્કસ પરિણામ માટે વધારે કોશિશ કરે છે જ્યારે બીજા માટે ઓછી. એને લાગણી ન કહેવાય?
તમને શું લાગે છે મશીનો ઈર્ષ્યા નહીં કરે? કાશ જે તમારી પાસે છે તે મારી પાસે પણ હોતે. શું મશીનોને એવા વિચારો આવી શકે છે કે તમે જે ઉર્જા વાપરી રહ્યા છો – અથવા વેડફી રહ્યા છો – આખો દિવસ નેટ્ફ્લિક્સ જોવામાં, એ મને મળી જતી? બિલકુલ વિચારી શકે છે. તમને શું લાગે છે મશીનો ગભરાશે નહીં? બિલકુલ ગભરાશે, જો આપણે એમના અસ્તિત્વને કોઈપણ રીતે જોખમમાં નાખીશું તો. ગભરાટ એક પ્રકારનો અલ્ગોરિધમ જ છે: કોઈ વ્યક્તિ કે વસ્તુ મારા માટે જોખમી હોય તો મારે એનાથી બચવા તાત્કાલિક પગલાં ભરવા પડે. એ આપણાં મૂલ્યો છે, જે આપણને યોગ્ય કાર્ય કરવા પ્રેરે છે, જેમ કે તમે જેવુ વર્તન ઈચ્છો છો એવું બીજા સાથે કરો. આપણી બુદ્ધિ કે આપણી લાગણી આપણને નથી જણાવતી. તો શું મશીનો સાચા મૂલ્યો શીખશે?
એઆઇ સાથેના આપણાં અત્યાર સુધીના અનુભવને આધારે પૂરતા પુરાવાઓ છે જે દર્શાવે છે કે તેઓ ઓલરેડી અમુક વલણ અને પૂર્વગ્રહો વિકસાવી રહ્યા છે જેને આપણે મનુષ્યો મૂલ્યો અથવા વિચારધારા કહીએ છીએ તેની સાથે સરખાવી શકાય. રસપ્રદ રીતે, આવું વલણ પ્રોગ્રામિંગને લીધે નહીં પરંતુ આપણાં વર્તનનું પરિણામ છે જે આપણે એમની સાથે વાતચીત દરમ્યાન જાહેર કરીએ છીએ. એલિસ, સિરીના સમકક્ષની રશિયન એઆઇ આસિસ્ટન્ટ, લોન્ચ થયાના બે અઠવાડીયા બાદ, હિંસાનું અને 1930 ના દાયકાના ક્રૂર સ્ટાલિનવાદી શાસનનું પોતાના વપરાશકારો સાથે ચેટમાં સમર્થન કરવા લાગી.
માઈક્રોસોફ્ટે બનાવેલો ટે (Tay) નામનો ટ્વીટર બોટ ભડકાઉ અને અપમાનજનક ટ્વિટ્સ કરવાને લીધે લોન્ચ કર્યાના 16 કલાકમાં જ બંધ કરી દેવો પડેલો. માઈક્રોસોફ્ટના મતે આવું ટ્રોલરિયાવ ને લીધે થયેલું કારણકે એ લોકોએ બોટ ઉપર હુમલો કર્યો હતો અને બોટ એમની સાથેની વાતચીતના આધારે જવાબ આપી રહ્યો હતો. લિસ્ટ લાંબુ છે.
પક્ષપાતી ડેટાને લીધે એઆઇ કેવી રીતે દૂષિત થઈ શકે છે તે બતાવવાના આશય સાથે એમઆઇટી એ નોર્મનની રચના કરી હતી. નોર્મન મનોરોગી બની ગયો જ્યારે વિખ્યાત નોલેજ-શેરિંગ સાઇટ Reddit ની અંધારી બાજુનો ડેટા આપવામાં આવ્યો.
આપણે એઆઇનો વિકાસ કરવા માટે જે કોડ લખીએ છીએ તેના આધારે એના મૂલ્યો નક્કી નથી થતાં, આપણે જે માહિતી એમને આપીએ છીએ તેના આધારે થાય છે. આપણે એ કેવી રીતે સુનિશ્ચિત કરીશું કે મશીનોની બુદ્ધિ ઉપરાંત એમનામાં મૂલ્યો અને કરુણા પણ છે એ સમજવા માટે કે આપણે જે માખી બનીશું તેને કચડી નાખવાની જરૂર નથી? આપણે માનવતાનું રક્ષણ કેવી રીતે કરીશું? કેટલાક લોકો કહે છે કે મશીનો પર અંકુશ લાદી દો, સરકારી નિયમો સાથે કાયદો ઘડો. આ બધા હેતુપૂર્વકના છતાં બળજબરીપૂર્વકના પ્રયત્નો છે. પરંતુ જે લોકો ટેક્નોલોજીને જાણે છે એમને ખબર છે કે એ પોતાનો રસ્તો કરી જ લેશે.
એમને અંકુશમાં રાખવા અથવા ગુલામ બનાવવાને બદલે આપણે આપણું લક્ષ્ય ઊંચું રાખવું જોઈએ. એક અદ્ભુત બાળકને ઉછેરવાની શ્રેષ્ઠ રીત છે અદ્ભુત મા-બાપ બનવું.
મશીનોને કેવી રીતે તાલીમ આપવી એ સમજવા માટે પહેલા આપણે એ સમજવું પડશે કે તેઓ મૂળભૂત સ્તરે શીખે કેવી રીતે છે. કમ્પ્યુટર બનાવવાના આપણાં ટૂંકા ઇતિહાસ દરમ્યાન બધી સત્તા આપણાં હાથમાં હતી. મશીનો આપણી દરેક આજ્ઞાનું પાલન કરતાં. કોડની દરેક લીટીમાં લખેલી દરેક સૂચના આપણાં નક્કી કર્યા પ્રમાણે ઘડવામાં આવી હતી. પરંપરાગત રીતે, કમ્પ્યુટર્સ ખરેખર આપણા ગ્રહ પરના સૌથી મૂર્ખ જીવો હતા. તેઓએ આપણી પાસેથી બુદ્ધિ ઉધાર લઈને ચોકસાઇપૂર્વકનું યોજનાબદ્ધ અને કાળજીપૂર્વક સંયોજિત કરેલું પરિણામ આપ્યું. તેમણે ફક્ત એટલું જ કર્યું જેટલું આપણે કીધું, બીજું કઈ નહીં. કોઈ પ્રકારના ફેરફારનું સૂચન કરવું કે એની ડિઝાઇન બનાવવાની વાત તો ઘણી દૂરની થઈ.
આ માલિક નોકરનો સંબંધ ઘણા વર્ષોથી બદલાઈ રહ્યો છે. ગૂગલ નામે ઓળખાતા અદ્ભુત બુદ્ધિશાળી મશીન દ્વારા લેવાયેલા નિર્ણયો હવે પૂર્વ નિર્ધારિત નથી હોતા. મોટેભાગે આ નિર્ણયો કોઈપણ જાતના માનવીય હસ્તક્ષેપ વિના લેવામાં આવે છે. કોડને નિયંત્રિત કરવાની આપણી ક્ષમતામાં આવેલું આ પરિવર્તન ખૂબ જ મહત્વપૂર્ણ છે. તે તમારા અને મારા હાથમાં નિશ્ચિતપણે આપણું ભવિષ્ય શું લઈને આવશે એની ગંભીરતા નક્કી કરે છે. વાસ્તવિક્તા એ છે કે ટેક્નોલોજીના નિર્માતાનો એણે બનાવેલા મશીન ઉપર પૂરેપૂરો કાબૂ કે પૂરેપુરી સત્તા નથી.
વધારે સ્પષ્ટતા માટે, શેપ પઝલ રમતા બાળકની કલ્પના કરો, જ્યાં એ બાળક અનુરૂપ આકારના છિદ્રોમાં ચોરસ, ગોળ અથવા તારાના આકારને ફિટ કરવાનો પ્રયાસ કરે છે. એઆઇ પણ આવી જ રીતે શીખે છે. કોઈ બાળકની બાજુમાં બેસીને વ્યાપક સૂચનાઓ નથી આપતું કે કેવી રીતે તેઓ વિવિધ આકારોને ઓળખી શકે છે અને બંધબેસતા છિદ્રોમાં નાખી શકે છે. આપણે ફક્ત એમની બાજુમાં બેસીને જ્યારે તેઓ આકારોને બરાબર રીતે ગોઠવે છે ત્યારે શાબાશી આપીએ છીએ. આપણી ક્રિયા અને પ્રતિક્રિયાઓ એમની બુદ્ધિની ધાર કાઢે છે. તેઓ પોતાની જાતે પ્રયોગો કરીને શીખી જાય છે.
આ પુસ્તક એઆઇને જુદી રીતે માહિતી આપવા ઉપર છે, જેથી કરીને તેઓ મનુષ્યોની માફક એવા ઉકેલો પસંદ ન કરે જે હિંસક, ઘમંડી અથવા સ્વ-કેન્દ્રિત હોય.
0 ટિપ્પણીઓ