આપણે હંમેશા બુદ્ધિમાન નહોતા અને કદાચ હંમેશા રહેવાના પણ નથી
મનુષ્યો. આ પૃથ્વી ઉપર સૌથી બુદ્ધિશાળી આપણે છીએ. સૌથી ઘમંડી પણ આપણે જ છીએ. આપણી બુદ્ધિ આપણને એ સત્યનું ભાન કરાવવામાં પાછી પડે છે કે આપણે કદાચ બધું જાણી નથી શકતા અથવા બધી જ સમસ્યાઓનું સમાધાન લાવી નથી શકતા; કે બુદ્ધિ અન્ય જીવોમાં સમાન રીતે વિપુલ પ્રમાણમાં છે.
માનવ બુદ્ધિના ઘણા લક્ષણો, જેમ કે સહાનુભૂતિ, કોઈ ધાર્મિક વિધિને વળગી રહેવાની અને ચિન્હો અને સાધનોનો ઉપયોગ કરવાની ક્ષમતા, મહાન વાનરોમાં પણ સ્પષ્ટ રીતે જોવા મળે છે, જોકે મનુષ્યો કરતાં પ્રમાણમાં ઓછા વિકસિત. તમે તેની કેવી વ્યાખ્યા કરો છો તેના આધારે, પ્રકૃતિ અને બ્રહ્માંડમાં બુદ્ધિના બીજા કેટલાય સ્વરૂપો જોવા મળશે જે આપણાં કરતાં કઈક ગણી વધારે ચઢિયાતી છે. આપણે એ જીવો અને સિસ્ટમને બુદ્ધિશાળી નથી ગણતાં કારણકે આપણે બુદ્ધિના સ્વરૂપો વિશે કન્ફ્યુઝ્ડ છીએ. કદાચ આપણે અમુક ચોક્કસ સ્વરૂપો ઉપર જ ધ્યાન આપીએ છીએ, જેમ કે ડાબા મગજની વિશ્લેષણાત્મક બુદ્ધિ (એનાલિટિકલ ઇન્ટેલિજન્સ).
આપણે જેને બુદ્ધિ કહીએ છીએ તેની સામાન્ય રીતે ચર્ચાતી ઘણીબધી વ્યાખ્યાઓ છે. શીખવાની, સમજવાની અથવા નવી પરિસ્થિતિઓ સાથે ડીલ કરવાની ક્ષમતા; કારણ અને તર્કનો કુશળ ઉપયોગ; જ્ઞાનનો ઉપયોગ કરીને આસપાસના વાતાવરણને ચાલાકીપૂર્વક બદલવાની ક્ષમતા; - આ માત્ર થોડી વ્યાખ્યાઓ છે. સ્વ-જાગૃતિ, સમસ્યાનું નિરાકરણ, શીખવું, આયોજન, સર્જનાત્મકતા, વિવેચનાત્મક વિચાર – આ કેટલીક એવી વર્તણૂકો છે જે ફક્ત એવા જીવોને આભારી છે જેઓ બુદ્ધિ નામક મૂલ્યવાન લક્ષણ ધરાવે છે.
ઘણીવાર આપણે એવી રીતે વર્તીએ છીએ જાણે કે આપણી માનવ બુદ્ધિ અને સ્વ-જાગૃતિ જ મૂલ્યવાન છે, અને બીજા જીવો આપણાં જેવા જ હોવા જોઈએ અને આપણી જેમ જ વર્તવા જોઈએ. એટલે જ ભૂતકાળના કેટલાય નામાંકિત વૈજ્ઞાનિકોએ બ્રહ્માંડમાં રેડિયો તરંગો મોકલીને બુદ્ધિના અલૌકિક સ્વરૂપોની હાજરી તપાસવાનો પ્રયાસ કર્યો છે. આ એક સંકુચિત માનસિકતા દર્શાવે છે કે જો બ્રહ્માંડમાં બુદ્ધિના બીજા સ્વરૂપોનું અસ્તિત્વ છે તો તેઓએ પણ આપણી જેમ રેડિયો તરંગોનો ઉપયોગ કરવાનું શોધી કાઢ્યું હશે. એ જ કારણોસર બીજા ગ્રહ પર જીવનની શક્યતા ચકાસવા માટે સૌથી પહેલા પાણી શોધવામાં આવે છે, કારણકે આપણાં માટે દેખીતી રીતે પાણીની હાજરીમાં જ જીવન શક્ય છે. આપણું ઘમંડ કલ્પના જ નથી કરવા દેતું કે બુદ્ધિ એવા આયામોમાં પણ ઊભરી શકે છે જ્યાં રેડિયો તરંગોનું ભૌતિકવિજ્ઞાન લાગુ નથી પડતું, અને જીવનના આપણાથી અજાણ્યા સ્વરૂપોનું અસ્તિત્વ પાણી વગરના વાતાવરણમાં હોઈ શકે છે. શું આ એ જ ઘમંડ છે જેના લીધે આપણે એ ભૂલી ગયા છીએ કે એક પ્રજાતિ તરીકે આપણે હંમેશા બુદ્ધિશાળી નહોતા? નિશ્ચિતપણે.
માનવ મગજ સમયની સાથે ધીમે ધીમે વિકસિત થયું છે; બાહ્ય સંવેદના અને પરિસ્થિતિઓને પરિણામે શૃંખલાબદ્ધ ફેરફારો થતાં ગયા. જે આજે પણ એટલું જ સાચું છે. નાનપણમાં બાળકને બુદ્ધિની કસોટી થાય એવા રમકડાં આપો તો આગળ જતાં એ બાળક વધારે જટિલ રમકડાં અને સિસ્ટમને હેન્ડલ કરી શકશે, મગજના આંતરિક જોડાણો વધારે સારી રીતે વિકસિત થવાને લીધે.
ન્યુરોપ્લાસ્ટીસીટી – મગજના જે ભાગોને આપણે તાલીમ આપીએ તેને વિકસિત કરવાની આપણાં મગજની ક્ષમતા – તે બુદ્ધિ વિકસાવવા માટેનું એક અવિશ્વસનીય સાધન છે. જો કે, તેની સામે એક પડકાર છે, જે થોડી જૈવિક સમસ્યા છે જેને આપણે હજી હલ કરી શક્યા નથી: મૃત્યુ. માનવ બુદ્ધિની ઉત્ક્રાંતિમાં બાધારૂપ મૃત્યુને માત આપવા આપણાં પૂર્વજોએ એક એવી શોધ કરી જેને લીધે બીજાઓ કરતાં આપણી પ્રજાતિએ હરણફાળ ભરી. શબ્દો અને આંકડાઓ દ્વારા બોલાતી અને લખાતી ભાષા. કમ્યુનિકેશન આપણી સૌથી મૂલ્યવાન શોધ હતી અને છે. જેને લીધે આપણે જ્ઞાનને સાચવી અને આવનારી વ્યક્તિઓ અને પેઢીઓ સુધી પહોંચાડી શક્યા. કલ્પના કરો જો આઈન્સ્ટાઈન પાસે એની થીયરી ઓફ રિલેટિવિટી વિશેની નોંધપાત્ર સમજ આપણાં સુધી પહોંચાડવાનો કોઈ રસ્તો જ ન હોત તો. આપણે બધાએ પોત પોતાની રીતે રિલેટિવિટી શોધવી પડતી.
આપણી માહિતીની આપ-લે કરવાની ક્ષમતા ખામીયુક્ત છે. આ ફકરામાં લખેલા વિચારો તમારા સુધી પહોંચતા કરવા માટે જે 250 શબ્દો લખ્યા એ લખતા મને ચાર થી પાંચ મિનિટ લાગી, તમને વાંચતાં એક મિનિટ લાગી, અને જો હું વાંચી સંભળાવું તો બે મિનિટ થાય. બેન્ડવિડ્થ, માહિતીને એક જગ્યાએ થી બીજી જગ્યાએ પહોંચાડવાની ઝડપ, માનવ બુદ્ધિની ખૂબ જ મર્યાદિત વિશેષતા છે. જો હું તમને હાઇ સ્પીડ ઇન્ટરનેટ કનેક્શન દ્વારા એક પુસ્તક મોકલું તો તમે પળવારમાં એને ડાઉનલોડ કરી લેશો પરંતુ વાંચવામાં દિવસો નીકળી જશે. તેથી આપણે સાથે મળીને એક સીમલેસ ઇન્ટેલિજન્ટ સિસ્ટમ તરીકે વિચારી નથી શકતા, જે આપણાં કમ્પ્યુટર્સ કરી શકે છે. આપણાં શ્રેષ્ઠ જીવવિજ્ઞાનીઓ એ નથી સમજી શકતા જે આપણાં શ્રેષ્ઠ ભૌતિકવિજ્ઞાનીઓ જાણે છે, અને મોટાભાગના વૈજ્ઞાનિકો એ નથી સમજી શકતા જે આપણાં અધ્યાત્મિક ગુરુઓ શીખવાડે છે. આપણી વાતચીત કરી શકવાની ક્ષમતા જેને લીધે આપણે બીજા બધા જ જીવો કરતાં આગળ નીકળી ગયા એ જ હવે આપણી માટે સૌથી મોટો અંતરાય બની ગયો છે.
જો આપણે સમય કાઢીને આપણું બધું જ જ્ઞાન વહેંચીએ તો પણ આપણાં મગજની એને ગ્રહણ કરી શકવાની એટલી ક્ષમતા જ નથી. ન તો કોઈ એક માનવ મગજ એટલું સક્ષમ છે કે એ બધું જ જ્ઞાન પચાવીને જરૂરી ઉકેલો શોધી શકે અથવા યુનિવર્સલ કોન્સેપ્ટ્સ સમજી શકે. સ્પેશલાઈઝેશનની માંગ, મર્યાદિત બેન્ડવિડ્થ સાથે માહિતીની આપ-લે કરી શકવાની આપણી ક્ષમતા, મર્યાદિત મેમરી અને પ્રોસેસિંગ પાવરને લીધે સૌથી બુદ્ધિશાળી લોકો પણ માનવ બુદ્ધિની મર્યાદાનો સામનો કરી રહ્યા છે.
આપણી બુદ્ધિમાં વધારો કરી શકે એવી નવા પ્રકારની બુદ્ધિમત્તાની તાતી જરૂરિયાત છે અને એટલે જ આપણાથી ઉપરવટ જઈ શકવાનું વચન આપતી મશીન ઇન્ટેલિજન્સ આટલી ઉત્તેજના જગાવી રહી છે.
0 ટિપ્પણીઓ