
ગુજરાતીમાં કહેવત-કહેતી-કહેણી-કથન-લોકોક્તિ વગેરે શબ્દો કહેવત માટે વપરાય છે. દરેક ભાષામાં કહેવત તો મળી જ આવવાની. કહેવત વગરની ભાષા નથી. ભોજન માટે મીઠું તેમ બોલી (ભાષા) માટે કહેવત. કહેવતો જ્ઞાનના ભાથામાંથી નીકળેલા તીર છે. ડહાપણના ટુકડા છે. કહેવતો ગાગરમાં સાગર છે. વ્યવહારુ જ્ઞાનનો ખજાનો છે. અહિયાં કેટલીક નવી અને જૂની કહેવતોના મૂળ તથા તેને લગતી વાર્તા કે પ્રસંગોને રજૂ કરવામાં આવ્યા છે.
- અક્કલથી ખુદા પિછાનો
અક્કલ એટલે કે બુદ્ધિ. આ બુદ્ધિ વેચાતી મળતી નથી. બજારમાં પણ તે મળી શકતી નથી. એ તો માણસમાં આવી જ જાય છે. કોઈમાં વધારે આવે છે તો કોઈમાં ઓછી કોઈમાં મૂળે હોતી જ નથી. આવાઓને કહેવતે ‘અક્કલના બારદાન’ તરીકે ઓળખ્યા છે.
અક્કલને ઉંમર સાથે કોઈ સંબંધ હોતો નથી. મોટા કરતાં નાનું બાળક વધારે અક્કલવાળું હોઈ શકે છે. ક્યારેક વૃદ્ધ કરતાં જવાન અક્કલમાં ચઢી જાય છે.
‘અક્કલથી ખુદા પિછાનો’ આ કહેવત અંગે અકબર બીરબલ ની એક વાર્તા છે. એમાં બીરબલ ની બુદ્ધિપ્રતિભાની ઝલક બતાવવામાં આવી છે.
અકબર બાદશાહના જમાનામાં દિલ્હીમાં એક એવો કારીગર આવી ચઢ્યો કે જે ચિત્ર બનાવવામાં નિપુણ અને હોશિયાર હતો. ગમે તે વ્યક્તિની એ આબેહૂબ છબી દોરી આપતો. છબી એવી બનાવતો કે માલિક ખુશ થઈ જતો. આ કાર્ય માટે માત્ર 500 સોનમહોર જ લેતો હતો.
એક વખત કોઈ એક દેવતા શાહુકારનો વેશ ધારણ કરીને એ ચિત્રકારની પાસે આવ્યા. તેને કહેવા લાગ્યા ‘મેં સાંભળ્યુ છે કે તમે લોકોની સુંદર છબી દોરી શકો છો…’
‘હા, મારામાં એ કલા છે.’
‘ઠીક છે. તમે જો મારી આકૃતિને બરાબર મળતી આવે એવી છબી દોરી બતાવશો તો હું તમને 5000 સોનામહોરો ઈનામમાં આપીશ.’ દેવતાએ કહ્યું.
‘આપની શરત હું સ્વીકારું છું...’
ચિત્રકારે એ શાહુકારની છબી દોરવા પાછળ પોતાની તમામ શક્તિઓ લગાવી દીધી. કારણકે તેને 500 નહીં પણ 5000 સોનામહોરો મળવાની હતી. આટલી બધી રકમ માત્ર એક જ છબી દ્વારા મળશે તે વિચારથી ચિત્રકાર પ્રસન્ન હતો. તેણે ખૂબ મહેનત કરીને શાહુકારની સુંદર છબી દોરી કાઢી અને પછી હરખભેર બતાવવા તે શાહુકારની પાસે આવ્યો.
દેવ કે જેમણે શાહુકારનું રૂપ ધારણ કર્યું હતું તેમણે છબી જોઈ. છબી જોતાની સાથે જ તેમણે કહી દીધું : ‘આ છબી મારા રૂપની સાથે બરાબર મળતી આવતી નથી.’
ચિત્રકારે કહ્યું, ‘આબેહૂબ તમારી જ છબી છે.’
‘જુઓ, આ મારો કાન કેવો છે? અમળાયેલો છે ને? અને છબીમાં તમે કેવો ચીતર્યો છે? એટલે જ કહું છું કે, છબી બરાબર દોરાઈ નથી...’
ચિત્રકારને પણ લાગ્યું કે, વાત તો બરાબર છે.
એ પાછો પોતાના મુકામે ગયો અને શાહુકારની બીજી છબી દોરવા પાછળ લાગી ગયો. કેટલાક દિવસો બાદ તેણે શાહુકારની બીજી સુંદર છબી તૈયાર કરી, આ વખતે તો ચિત્રકારને સો ટકા ખાતરી થઈ કે છબી બરાબર આબેહૂબ જ બની છે.
શાહુકારે છબી જોઈ. તેણે કહ્યું, ‘એમાં ખામી છે!’
‘હોય જ નહિ’ ચિત્રકારે કહ્યું
‘મારા હાથના આંગળા જો. કેમ કઈ માલૂમ પડે છે?’ શાહુકારે પ્રશ્ન કર્યો.
ચિત્રકારે શાહુકારના હાથ જોયા આંગળા જોયા. તેને લાગ્યું કે, વાત સાચી છે. આંગળાઓ જાડા છે અને તેણે દોર્યા હતા પાતળા...
ચિત્રકાર ફરીથી નવી છબી દોરવા લાગ્યો. તેમાંય પાછી કઈ ને કઈ ભૂલ જણાઈ આમ એ પાંચ સાત વખત શાહુકારની પાસે છબી લઈ ગયો અને શાહુકાર તેમાં કઈ ને કઈ ભૂલ કાઢવા જ લાગ્યો. હવે ચિત્રકાર કંટાળી ગયો તેને એમાં પોતાની આપકીર્તિ જણાઈ તેણે નક્કી કર્યું. ‘આ પ્રકારે માનભંગ સ્થિતિમાં જીવવું તેના કરતાં યમુનામાં ડૂબીને મરી જવું સારું છે.’
આમ વિચાર કરી એક સંધ્યા સમયે તે યમુના કિનારે આવ્યો. પોતાના વસ્ત્રો તેણે ઉતાર્યા અને પછી યમુનામાં ડૂબી મરવા તે તૈયાર થયો.
એટલામાં જ બીરબલ ફરતાં ફરતાં ત્યાં આવી ચઢ્યો. તેણે ચિત્રકારનો હાથ પકડ્યો અને કહ્યું – ‘ભાઈ તમે આત્મહત્યા શા માટે કરો છો? કઈ કારણ બન્યું છે?’
‘હા —’ કહીને તેણે બીરબલ આગળ બધી વાત વર્ણવી બતાવી. બીરબલે કહ્યું – ‘આ વાત તો નજીવી છે. આટલા માટે મરવાનું હોય?’
‘તમારે માટે નજીવી હશે – મારે માટે નહિ. આમાં તો મારી કલાનું અપમાન થાય છે. મારું મસ્તક આ પરાજયથી નીચું નમી ગયું છે. આ પ્રકારે હવે હું જીવવા માંગતો નથી...’ ચિત્રકારે કહી દીધું.
‘ભાઈ હિમ્મત શા માટે હારો છો? બુદ્ધિથી – કળથી કામ લો...’ બીરબલે કહ્યું.
‘બુદ્ધિ – કૌશલથી જ હું ચિત્રકાર બન્યો છું. મારા જેવું કૌશલ તો આખા દિલ્હીમાં કોઈપણ ચિત્રકાર ધરાવતો નહિ હોય...’ ચિત્રકાર હજી પણ પોતાની બુદ્ધિ – અક્કલની જ બડાઈ હાંકી રહ્યો હતો.
બીરબલે કહ્યું – ‘ઠીક છે. તમે મને શાહુકારની પાસે લઈ જશો...?’
‘હા – ચાલો મારી સાથે...’
બંને એ શાહુકારની પેઢીએ ગયા. માર્ગમાં એક દુકાન આગળ બીરબલ થોભ્યો. તેણે ત્યાંથી એક અરીસો ખરીદીને પોતાના અંગરખાના ખિસ્સામાં મૂકી દીધો.
શાહુકાર આરામથી ગાદી પર બેઠો હતો. ચિત્રકારને જોતાં જ તેણે પુછ્યું; ‘કેમ, મહાશય! નવું ચિત્ર દોરી લાવ્યા છો?’
ચિત્રકારે બીરબલની સામે જોયું. બીરબલે તરત જ કહ્યું. ‘જી, હા – તૈયાર થઈ ગયું છે...’ અને એમ કહીને તેણે તરત જ અંગરખાના ખિસ્સામાંથી પેલો અરીસો કાઢીને શાહુકારની સામે ધરી દીધો.
શાહુકારે અરીસામાં જોયું. હવે એ ભૂલ કાઢી શકે તેમ હતું જ નહિ, આખરે તેને કહેવું પડ્યું, ‘ભાઈ બરાબર મારી જ છબી છે.’
‘તો લાવો રકમ’ બીરબલે કહી દીધું.
શાહુકારે પાંચ હજાર સોનામહોરો ભરેલી કોથળી ચિત્રકારને સુપ્રત કરી દીધી.
ચિત્રકાર તો કઈ જ સમજી શક્યો નહિ કે કેવી રીતે થયું. બીરબલે તેને કહ્યું – ‘ભાઈ, આ કોથળી લઈ હવે તું ચાલ્યો જા – તારું કામ પૂરું થઈ ગયું છે.’
અને ચિત્રકાર પણ સમજી ગયો કે હવે આ થેલી લઈને જવામાં જ મઝા છે, એ ચાલ્યો ગયો.
પણ બીરબલ ત્યાંથી ન ખસ્યો. તેણે તો શાહુકારના પગ જ પકડી લીધા કહ્યું, ‘આપ શાહુકાર નથી કોઈ દેવ જ છો હું હવે આપને છોડવાનો નથી...’
શાહુકાર બનેલા દેવ પ્રસન્ન થઈ ગયા અને બીરબલને આશીર્વાદ આપી ત્યાંથી વિદાઇ થઈ ગયા. ચિત્રમાં દેવતા વારંવાર કઈ ને કઈ ખામી કાઢતા હતા એટલે બીરબલે પોતાની બુદ્ધિથી ઓળખી કાઢ્યું કે આ કોઈ માણસ નથી પણ દેવ જ છે. કારણ દેવતા વગર આવી શક્તિ કોઈ ધરાવી શકે નહિ. આ પરથી કહેવત પડી – અક્કલથી ખુદા પિછાનો.
0 ટિપ્પણીઓ